fbpx
Sunday, July 14, 2024

કોણ ગરીબ ? કોણ અમીર ?

સામાન્ય રીતે એમ મનાય છે કે જેની પાસે ધન-દોલત-જર-ઝવેરાત, હીરા-માણેક વગેરે છે તે શ્રીમંત છે અને ધનદોલત વગરનો માનવી ગરીબ મનાય છે, પણ વાસ્તવમાં શ્રીમંત કોણ છે અને ગરીબ કોણ છે એનું તારણ કાઢતી આ બોધકથા આપ વાંચશો ત્યારે ખરેખરો શ્રીમંત અને ખરેખરો ગરીબ કોણ છે એની પ્રતીતિ આપને થયા વગર રહેશે નહિં.

કૌપીનધારી એક વ્યક્તિ, એક જંગલમાં, એક ઝૂંપડીમાં તેની પત્ની સાથે રહેતી હતી. નીચે આસન પર બેસીને એ કિત્તા વડે તાડપત્ર પર અવિરત લેખનકાર્ય કરતી હતી. એને રાતદિવસની ચિંતા નહોતી. આ જંગલ જે રાજ્યની હદમાં હતું તેના રાજવીએ તેની પ્રજા માટે ખુબ જ સુંદર વ્યવસ્થા કરી હતી. રાજ્ય ધનધાન્યથી ભરપૂર હતું. બેકારી, ગરીબાઈનું તો ત્યાં નામનિશાન નહોતુ. રાજ્યના કારભારીઓ તેમજ ખાનગી અને સામાજિક સેવકો પોતાના આશ્રય-દાતાઓ પાસેથી માત્ર જરૂરિયાતની વસ્તુઓ જ નહિં, પણ માનસન્માન પણ પામતા હતા. કોઈને કોઈ વાતનો અસંતોષ નહોતો. રાજાને પણ પોતાની વ્યવસ્થાથી પૂરેપૂરો સંતોષ હતો. રાજ્યના કોઈપણ ખૂણેથી કોઈ પણ જાતનો અસંતોષ વ્યક્ત થતો સંભળાતો નહોતો.

આમ હોવા છતાં પણ રાજ્યે જાસૂસોને રાજ્યમાં કોઈ ગરીબ તો નથીને તેની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ગુપ્તચરોની માહિતી મુજબ રાજ્ય નિર્ધનહીન માનવામાં આવ્યું. બધી જ વ્યક્તિઓ સુખી અને સંપન્ન જણાઈ. માત્ર એક જાસૂસે અરણ્યમાં રહેતા પેલા દંપતી અંગે માહિતી આપી કે તેમની પાસે અનાજ તેમજ જીવનનિર્વાહ માટેની જરૂરી સામગ્રી નથી. માત્ર તાડપત્ર, નાનો દીવો, શરીર ઢાંકવાનાં કેટલાક વસ્ત્રો, મૃગચર્મ સિવાયએ ઝૂંપડીમાં કશું જ નહોતું. વરસાદ, ઠંડી અને ગરમી સહન કરતાં કરતાં તેમની ચામડી બરડ થઈ ગઈ છે. દંપતી અહર્નિશ કઠિન પરિશ્રમ કરે છે. એ દંપતીએ ક્યારેય કોઈ સમક્ષ કોઈ પણ વાતનો અસંતોષ વ્યક્ત કર્યો નથી કે તેમના મુખ પર અભાવની એક રેખા સરખી પણ ફરકી હોય એવું કોઈએ જોયું નથી.

રાજાના હુકમ મુજબ તેના સેવકો અત્યંત કીમતી સાધનસામગ્રી લઈને એ દંપતી પાસે એમની ઝૂંપડી પાસે પહોંચી ગયા. લેખનકાર્યમાં મગ્નએ વનવાસીના કાને પગરવનો અવાજ અથડાયો, એનું ધ્યાન ભંગ થયું. સામે અનેક સેવકોને બહુમૂલ્યવાન વસ્તુઓ લઈને ઊભેલા જોઈ તેમના આગમનનું કારણ ઈશારાથી પૂછ્યું આગં તુકોએ એ બધી સામગ્રી તરફ સંકેત કરતાં તે રાજાએ આપના માટે મોકલી છે એમ કહ્યું અને તેનો સ્વીકાર કરવા પ્રાર્થના કરી 

”આ કોઈ ગરીબને આપી દો” કહીને વનવાસી પુન: પોતાના લેખનકાર્યમાં લીન થઈ ગયો. તેની પત્ની પોતાના કાર્યમાં મગ્ન હતી. એણે આ બધી વાતમાં કોઈ જ રસ બતાવ્યો નહિં. સેવકોએ પાછી ફરી રાજાને આ હકીકત જણાવી. રાજાએ પોતાના પ્રધાન સાથે મંત્રણા કરી. મંત્રીએ જણાવ્યું : ”આપે જાતે જઈને દાન ગ્રહણ કરવાનું જણાવ્યું નહોતું એટલે તે લેવામાં અપમાનની લાગણી એ વનવાસી અનુભવતો હશે માટે દાન ગ્રહણ કર્યું નહિં હોય.”રાજાને મંત્રીની આ વાતમાં તથ્ય લાગ્યું. રાજા ખુદ બીજે દિવસે પોતાના પ્રધાન, અનુચરો અને અંગરક્ષકોની સાથે વિપુલ પ્રમાણમાં માત્ર જીવનજરૂરિયાતની સામગ્રી જ નહિ પણ સુખસાહ્યબી માટેની સામગ્રી પણ લઈએ અરણ્ય-વાસીની કુટિરમાં ગયો રાજા અને તેના સેવકોના આગમનથી જે અવાજ થયો તેથી લેખનકાર્ય કર્યે જતા એ વનવાસીના ધ્યાનમાં ભંગ પડયો. તેની કલમ અટકી ગઈ. લેખનકાર્યમાં ભંગ પડયો એ એને રુચ્યું નહિ, પણ મુખ પર કશો જ ભાવ કળાવા દીધા વિના સંકેત દ્વારા રાજાને તેના આગમનનું કારણ પૂછ્યું. જવાબમાં રાજા આગળ આવ્યો અને બે હાથ જોડી નમસ્કાર કરી જણાવ્યું કે ”આ કુટિર જે રાજ્યની હદમાં આવી છે તેનો હું રાજા છું. આ બધી ચીજવસ્તુઓ આપના માટે લાવ્યો છું તો કૃપા કરીને તેનો સ્વીકાર કરો.”

પરંતુ એ વનવાસીએ તો આગલા દિવસની પેઠે બધી સામગ્રી તરફ ઉપેક્ષાભરી દષ્ટિ નાખી અને ગઈકાલે જે કહ્યું હતું તેનું પુનરાવર્તન કર્યું : ”મારે આમાંની કોઈ ચીજની જરૂર નથી. કોઈ ગરીબને આ આપી દો. મને શાંતિથી મારું લેખનકાર્ય કરવા દેશો તો આપનો ઘણો જ ઉપકાર થશે.”

રાજાને આ શબ્દો કાંટાની માફક લાગ્યા, અને પોતાની વિનંતીને નકારી એ માટે અપમાન લાગ્યુ. ગુસ્સો પણ ચડયો. ગુસ્સામાં એ કંપવા લાગ્યો : ”માફ કરજો, મારા રાજ્યમાં આપના જેવો કોઈ જ ગરીબ નથી અને એની પૂરેપૂરી ખાતરી કરીને જ હું આ બધું આપને આપવા માટે લાવ્યો છું. જો તમે પોતે જ ગરીબાઈમાં રહેવા ઈચ્છો છો તો પછી તમારી ઈચ્છા. તમારા નસીબમાં જ એ લખાયું છે તો ભોગવો. મારો એમાં કશોજ વાંક નથી.”

અને રાજા બધી જ સામગ્રી જેમ લાવ્યો હતો તેમ તેના સેવકો પાસે ઉપડાવી ગયો. 

રાજા પોતાના મહેલે પાછો તો આવ્યો, પણ એને ચિંતાએ ઘેરી લીધો. એની ભૂખતરસ નાશ પામ્યા. રાજાને આમ ઉદાસ અને ચિંતાતુર જોઈ, તેમજ કશું જ ભોજન લેતો ન હોવાથી રાણી તેનું કારણ પૂછવા લાગી. રાજાએ પ્રથમ તો કશું જ કહ્યું નહિં. જરા તબિયત અસ્વસ્થ હોવાનું બહાનું કાઢ્યું, પણ રાણીના અતિ આગ્રહ આગળ એણે નમતું જોખ્યુ અનેબધી જ વાત કહી સંભળાવી.

રાજા પાસેથી વાત સાંભળતાં જ રાણી દુ:ખ ભર્યા સ્વરે બોલી ઉઠી : ”અરે! મહારાજ ! આપે તો જબરો અનર્થ કરી નાખ્યો. આપે જેમને અપમાનજનક વચનો કહ્યાં તે કોઈ સાધારણ વ્યક્તિ નથી, પણ તે તો પરમજ્ઞાની મહર્ષિ કણાદ છે. એમને આપ સુખસામગ્રી આપવા ગયા હતા, પણ આપે યાચના કરવી જોઈતી હતી. એ મહર્ષિએ આપને શાપ ન આપ્યો એ એમની મહાનતા છે, ઉદારતા છે. એક ક્ષણનોયે વિલંબ કર્યા વિના આપ તેમની પાસે જાઓ અને તેમની ક્ષમા માગો. એમ નહિ કરો તો આપનું કલ્યાણ થશે નહિ.”

રાણીનું કહેવું રાજાને ગળે ઉતરી ગયું અને પળોનોયે વિલંબ કર્યા વિના મધરાતે એ કોઈ નેય સાથે લીધા વિના એકલો જ મહર્ષિ કણાદની કુટિરે પહોંચી ગયો અને મહર્ષિજીને નમ્રતાપૂર્વક પ્રણામ કરી નતમસ્તકે ઊભો રહ્યો.

મહર્ષિજીની નજર રાજા પર પડી. રાજાએ દીનસ્વરમાં કહ્યું : મહર્ષિજી ! મને માફ કરો. મેં આપને ઓળખ્યા નહીં. રાજવી તરીકેના અભિમાનમાં ન કહેવાનાં વેણ આપને મેં કહ્યા છે. હું અત્યંત દિલગીર છું. મારાથી ભૂલ થઈ ગઈ છે. મને ક્ષમા કરો !”

મહર્ષિએ જણાવ્યું : ”રાજન્ ! આપના રાજ્યમાં રહેવા છતાં હું આપની પાસે આજ સુધી યાચના કરવા આવ્યો નથી. આપ જ મધરાતે અહીં આવ્યા છો અને હાથ જોડી યાચના કરો છો?  તમે જ કહો, ગરીબ કોણ ! તમે કે હું ?”

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles