fbpx
Monday, July 22, 2024

તમે આવી દુર્લભ ગણેશ પ્રતિમા ના જોઈ હોય તો જાણો પુણેના ત્રિશુંડ મયુરેશ્વર ગણપતિનો મહિમા

એકદંતા શ્રીગણેશ દેવી પાર્વતીના પુત્ર છે. પણ, પૌરાણિક કથાઓ અનુસાર તેમણે ચારેય યુગમાં ચાર અલગ-અલગ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે. આ ચારેય અવતારમાં વિઘ્નહર્તા ગજમુખ સાથે જ જોવા મળે છે. એટલે કે સૂપડા જેવાં કાન સાથે અને લાંબી સૂંઢ સાથે. પણ, અમારે આજે એક એવી ગણેશ પ્રતિમાની વાત કરવી છે કે જેને એક નહીં, પણ, ત્રણ-ત્રણ સૂંઢ છે !

વિઘ્નહર્તાનું આ રૂપ મહારાષ્ટ્રના પુણેના સોમવાર પેઠ નામના વિસ્તારમાં સ્થિત છે.

પુણેના સોમવાર પેઠમાં ત્રિશુંડ મયૂરેશ્વર ગણપતિ મંદિર આવેલું છે. કાળા પત્થરમાંથી કંડારાયેલું અહીંનું મંદિર શિખરબદ્ધ નથી. અને એટલે જ દૂરથી એ અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે, કે આ કોઈ મંદિર છે. પરંતુ, જેવાં ભક્તો આ મંદિરની સમીપે પહોંચે છે તે સાથે જ તેનું ઉત્કૃષ્ટ સ્થાપત્ય સૌ કોઈને દંગ કરી દે છે. આ મંદિર પેશ્વાકાલીન મનાય છે. પણ તેમ છતાં, તેના સ્થાપત્યમાં રાજસ્થાની, માલવા તેમજ દક્ષિણ ભારતીય સ્થાપત્યની છાંટ વર્તાય છે.અહીં ગર્ભગૃહમાં વક્રતુંડનું વિશ્વનું સૌથી દુર્લભ સ્વરૂપ વિદ્યમાન થયું છે. અને આ ગણપતિ એટલે ત્રણ સૂંઢવાળા ગણપતિ.

માન્યતા અનુસાર ત્રણ સૂંઢવાળા શ્રીગણેશનું આવું દિવ્ય રૂપ વિશ્વમાં બીજે ક્યાંય જોવા નથી મળતું. ત્રણ સૂંઢ અને છ ભુજા સાથેનું વિઘ્નહરનું આ રૂપ અત્યંત મનોહર ભાસે છે. અને તેમની આ જ મહત્તા અહીં ભક્તોને આકર્ષે છે. ગજાનન શ્રીગણેશ અહીં મયૂર પર બિરાજમાન થયા છે. અને એટલે જ તે મયૂરેશ્વર તરીકે પૂજાય છે. તેમની ત્રણ સૂંઢને લીધે ભક્તો તેમને ત્રિશુંડ ગણપતિ કહે છે. વાસ્તવમાં આ પ્રતિમા કાળા પત્થરમાંથી નિર્મિત છે. પણ, તેને સિંદૂરનો લેપ કરી દિવ્ય સ્વરૂપ પ્રદાન કરાય છે.

કહે છે કે ત્રણ સૂંઢ સાથેનું વક્રતુંડનું આ રૂપ એ શ્રીગણેશના ત્રિગુણાત્મક સ્વરૂપનો પરિચય આપે છે. તે પ્રભુના સત્વ, તમસ અને રજસ ગુણને અભિવ્યક્ત કરે છે ! અને આવી અનોખી પ્રતિમા સમગ્ર વિશ્વમાં બીજે ક્યાંય જોવા નથી મળતી. અહીં ત્રિશુંડ ગણપતિના દર્શન કરી મંદિરની 21 પ્રદક્ષિણા કરવાથી મનોકામના પૂર્ણ થવાની માન્યતા છે

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles