fbpx
Sunday, July 14, 2024

નાની ભૂલ સર્જશે મોટી મુશ્કેલી! માળા કરતા પહેલા આ બાબતોનું અવશ્ય ધ્યાન રાખો !

મંત્રમાં અપાર શક્તિ રહેલી છે. એ મંત્ર જ છે કે જે વ્યક્તિને વિવિધ સમસ્યાઓથી મુક્તિની પ્રાપ્તિ કરાવે છે. તેમજ મનોવાંચ્છિત ફળ પણ પ્રદાન કરે છે. આ મંત્રની શક્તિ ત્યારે અનેકગણી વધી જતી હોય છે કે જ્યારે તે નિર્ધારિત સંખ્યામાં થાય. અને તેના માટે જ ભક્તોને મદદરૂપ બનતી હોય છે માળા. ફળ પ્રાપ્તિમાં જેટલું મહત્વ મંત્રનું છે, તેટલું જ મહત્વ મંત્રજાપ માટે વપરાતી માળાનું પણ છે.

પણ, આ માળા દ્વારા ત્યારે જ યોગ્ય ફળની પ્રાપ્તિ થઈ શકે કે જ્યારે કેટલીક ખાસ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે. આ બાબતો કઈ છે તે જ વિશે આજે આપણે વિગતે વાત કરીએ.

વિવિધ દેવી-દેવતાઓની કૃપાને પ્રાપ્ત કરવા વિવિધ માળા દ્વારા મંત્રજાપ કરવાનો મહિમા છે. કહે છે કે દેવી-દેવતાને અનુરૂપ માળાથી મંત્રજાપ કરવાથી વ્યક્તિને ઝડપથી ફળની પ્રાપ્તિ થતી હોય છે. પણ, માળા દ્વારા મંત્રજાપ કરતી વખતે એ ધ્યાનમાં રાખવું સૌથી વધારે જરૂરી છે કે શું ભૂલથી પણ ન કરવું જોઈએ. માળા કરતી વખતે આપણાં દ્વારા થયેલી નાનકડી ભૂલ પણ મોટી મુસીબત સર્જી શકે છે. ત્યારે આવો જાણી કે આ સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું સૌથી વધુ જરૂરી છે.

શું રાખશો ધ્યાન ?

⦁ શક્ય હોય ત્યાં સુધી મંત્રજાપ કરતી વખતે માળાને ગૌમુખીમાં જ રાખવી જોઈએ. અથવા કોઈ વસ્ત્રથી ઢંકાયેલી રાખવી. આમ કરવાથી નકારાત્મક શક્તિઓ માળાથી દૂર રહે છે. અને વ્યક્તિને તેના દ્વારા ઝડપથી ફળની પ્રાપ્તિ થાય છે.

⦁ માળા હંમેશા વ્યક્તિગત જ હોવી જોઈએ. એટલે કે કોઈ એક વ્યક્તિ દ્વારા મંત્રજાપ માટે ઉપયોગમાં લેવાતી માળાનો ઉપયોગ બીજી વ્યક્તિએ ન જ કરવો જોઈએ.

⦁ મંત્રજાપ સમયે માળાને ‘તર્જની’ આંગળીનો સ્પર્શ ભૂલથી પણ ન થવો જોઈએ. નહીંતર મંત્રજાપનું પુણ્ય પ્રાપ્ત નહીં થાય !

⦁ જે માળાથી મંત્રજાપ કરતા હોઈએ તેને ક્યારેય પહેરવી ન જોઈએ અને જે માળા ગળામાં ધારણ કરતા હોઈએ તેનાથી ક્યારેય મંત્રજાપ ન જ કરવો જોઈએ. આ વાત અચૂક ધ્યાનમાં રાખવી જોઈએ.

⦁ મંત્રજાપનો પ્રારંભ કરતા પૂર્વે હંમેશા જ માળા હાથમાં લઈ પ્રાર્થના કરવી જોઈએ, કે માળા દ્વારા થનારો મંત્રજાપ સફળ થાય.

⦁ માળામાં પરોવાયેલા મણકાંની સંખ્યા 27 અથવા 108 જ હોવી જોઈએ. દરેક મણકાં બાદ તેમાં એક ગાંઠ લાગેલી હોવી જોઈએ.

⦁ માળાના તમામ મણકા પૂર્ણ થયા બાદ તે સ્થાન પર સુમેરુ હોય છે. એક માળા પૂર્ણ થાય એટલે તે સુમેરુને પગે લાગવું. તેનો ક્યારેય અનાદર ન કરવો.

આ બધી ખૂબ જ નાની બાબતો છે. પણ, આ નાનકડી બાબતો પ્રત્યેનું બેધ્યાનપણું મોટી મુસીબત પણ સર્જી શકે છે. એટલે હિતાવહ એ જ છે કે માળા દ્વારા મંત્રજાપ કરતા પૂર્વે આ બાબતોને બરાબર ધ્યાનમાં રાખી લેવામાં આવે. જેથી સાધકને ઝડપથી ફળની પ્રાપ્તિ થઈ શકે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles