fbpx
Sunday, July 14, 2024

આ નાની-નાની વાતો પર રાખો ધ્યાન, ગ્રહદોષ જલ્દી શાંત થઈ જશે!

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવગ્રહ વ્યક્તિના જીવન પર ખૂબ અસર કરે છે. વ્યક્તિની પ્રગતિમાં પણ તે મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે જ એવું કહેવાય છે કે દરેક વ્યક્તિએ તેની કુંડળીમાં નવગ્રહોને ઉચ્ચ સ્થિતિમાં રાખવા માટે પ્રયાસ કરવો જોઇએ. કારણ કે એવું માનવામાં આવે છે કે જેની કુંડળીમાં ગ્રહની ઉચ્ચ સ્થિતિ હોય છે તેને જીવનમાં સરળતાથી દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે.

પણ, ઘણાં ઓછાં લોકોને એ વાતનો ખ્યાલ હોય છે કે, આપણે આપણી દૈનિક આદતોમાં થોડો ફેરફાર કરીને પણ ગ્રહોની સ્થિતિને સુધારી શકીએ છીએ. અને તેના દ્વારા સારા ફળની પ્રાપ્તિ કરી શકીએ છીએ. આખરે, કયા ગ્રહ માટે કયો પ્રયોગ નિત્ય કરવો જોઈએ, તે વિશે વિગતે માહિતી મેળવીએ.

સૂર્ય

કુંડળીમાં સૂર્યની સ્થિતિને મજબૂત કરવા માટે હાથમાં તાંબાનું કડું કે તાંબાની વીંટી ધારણ કરવી જોઇએ. જો શક્ય હોય તો તાંબામાંથી બનેલું લોકેટ પણ પહેરી શકાય છે. માત્ર આ તાંબાનું કડું, વીંટી કે લોકેટ પહેરવાથી આપની કુંડળીમાં રહેલ સૂર્ય મજબૂત બની શકે છે !

ચંદ્ર

નિત્ય સવારે સૌ પ્રથમ સફેદ રંગની કોઇપણ વસ્તુ આરોગવી જોઇએ. આપ ઇચ્છો તો સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરીને દૂધ પણ પી શકાય છે. આ ઉપાય નિત્ય સવારે કરવાથી આપની કુંડળીમાં રહેલ ચંદ્રમાની સ્થિતિ મજબૂત થાય છે.

મંગળ ગ્રહ

મંગળ ગ્રહને મજબૂત કરવા માટે આપ હાથમાં લાલ રંગનો દોરો ધારણ કરી શકો છો. જો તમે ઇચ્છો તો નાડાછડી પણ ધારણ કરી શકાય છે. કારણ કે તેનો રંગ પણ લાલ જ હોય છે. આ ઉપાયથી જલ્દી જ આપની કુંડળીમાં રહેલ મંગળ ગ્રહ મજબૂત બને છે.

બુધ ગ્રહ

બુધ ગ્રહને મજબૂત કરવા માટે નિત્ય જમવાનું આરોગો તેની સાથે કાચા લીલાં મરચાંનું સેવન કરવું જોઇએ. જમવાની સાથે લીલાં મરચાંનું સેવન કરવાથી બુધ ગ્રહ મજબૂત બને છે !

ગુરુ ગ્રહ

જો તમે ઇચ્છતા હોવ કે તમારી કુંડળીમાં ગુરુ ગ્રહ એટલે કે બૃહસ્પતિ ગ્રહ મજબૂત બને તો આપે આપના નહાવાના પાણીમાં નિત્ય એક ચપટી હળદરનો ઉપયોગ કરવો જોઇએ. તેનાથી જલ્દી જ ગુરુ ગ્રહ આપને શુભ ફળ પ્રદાન કરશે.

શુક્ર ગ્રહ

આપના શરીરની નિત્ય સાફ સફાઇ રાખવાથી તેમજ સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવાથી આપનો શુક્ર ગ્રહ મજબૂત બને છે. કારણ કે શુક્રને સુંદરતાના દેવતા માનવામાં આવે છે. એટલે સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવાથી આપનો શુક્ર મજબૂત થાય છે અને પ્રસન્ન રહે છે.

શનિ ગ્રહ

હંમેશા પગમાં કાળા રંગના મોજા ધારણ કરવા જોઇએ. જો સંભવ હોય તો આપના પગમાં કાળા રંગનો દોરો પણ ધારણ કરવો જોઇએ. માત્ર આ સરળ ઉપાય કરવાથી જલ્દી જ શનિદેવતાની કૃપા આપના પર વરસવા લાગશે અને પનોતીમાં રાહત મળશે.

રાહુ-કેતુ

આપની કુંડળીમાં રાહુ-કેતુને મજબૂત કરવા માટે નિત્ય શ્વાનને રોટલી ખવડાવવી. સાથે જ જો શક્ય હોય તો શનિવારના દિવસે સાંજે કાળા કપડાનું દાન પણ કરી શકો છો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles