fbpx
Thursday, July 18, 2024

ગુજરાતમાં પણ વિદ્યમાન થયા છે શ્રીવેંકટેશ્વર ! તિરુમાલાના તિરુપતિ બાલાજી જેવો અહીંનો મહિમા

તિરુપતિ બાલાજી એટલે તો શ્રીમન્ નારાયણનું એ રૂપ કે જેના દર્શન માટે પરમ વૈષ્ણવો સદૈવ આતુર રહેતા હોય છે. કારણ કે આ શ્રીવેંકટેશ્વરા ભક્તોને ‘ભોગ’ અને ‘મોક્ષ’ બંન્નેની પ્રાપ્તિ કરાવનારા છે. કહે છે કે શ્રીવેંકટેશ્વરના તો દર્શન માત્રથી વ્યક્તિનું પુણ્ય ક્ષણે ક્ષણે કોટિગણું વધી જાય છે.

એ જ કારણ છે કે તેમના દર્શનાર્થે આંધ્રપ્રદેશની તિરુમાલાની પહાડી પર સદૈવ ભક્તોની ભીડ જોવા મળે છે. અલબત્, અહીં પહોંચવું દરેક ભક્ત માટે શક્ય નથી હોતું. અને એટલે જ અમારે આજે એક એવાં તિરુપતિધામની વાત કરવી છે કે જેની મહત્તા તિરુમાલાના તિરુપતિ સમાન જ મનાય છે.

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં ખોરાસા નામે ગામ આવેલું છે. વિસ્તારની દૃષ્ટિએ ખોરાસા ભલે ખૂબ જ નાનકડું હોય. પણ, આજે તેની સાથે તિરુપતિ શબ્દ ગાઢપણે જોડાઈ ગયો છે. જેને લીધે ખોરાસા સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધિને પામ્યું છે. અહીં સોરઠનું એકમાત્ર તિરુપતિ બાલાજીનું મંદિર વિદ્યમાન થયું છે. શ્રીવેંકટેશ દેવસ્થાનના નામે પ્રસિદ્ધ આ મંદિર દ્રવિડ સ્થાપત્ય શૈલીથી નિર્મિત છે. જેના પર દક્ષિણના ગોપુરમની કલાત્મક્તાની છાંટ સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. તો, આ મંદિરથી પણ મનોહારી તો છે મંદિરમાં વિદ્યમાન શ્રીવેંકટેશ્વરની અત્યંત દિવ્ય પ્રતિમા.

મંદિરના ગર્ભગૃહમાં શ્રીવેંકટેશ્વરનું ચતુર્ભુજ રૂપ પ્રસ્થાપિત થયું છે. આ પ્રતિમાના દર્શન કરતા જ ભક્તોને તિરુમાલાના તિરુપતિ બાલાજીનું સ્મરણ થઈ આવે છે. તો, સાથે જ અહીં બાલાજીની ચલિત પ્રતિમા પણ વિદ્યમાન થઈ છે. આ ઉત્સવ પ્રતિમામાં શ્રીનિવાસ તેમની પત્ની શ્રીદેવી અને ભૂદેવી સાથે દર્શન દઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રામાનુજ સંપ્રદાય સાથે જોડાયેલું આ સોરઠનું સર્વ પ્રથમ મંદિર મનાય છે.

રામાનુજ સંપ્રદાયના સ્વામી શ્રીગોપાલાચાર્યજીએ લગભગ 200 વર્ષ પૂર્વે અહીં શ્રીવેંકટેશ્વરની ચલિત પ્રતિમાઓને વિદ્યમાન કરી તેમની પૂજાનો પ્રારંભ કર્યો હતો. જ્યારે લગભગ 127 વર્ષ પૂર્વે અહીં ભવ્ય મંદિરનું નિર્માણ કરી શ્રીવેંકટેશ્વરની અચલ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી. જે અંતર્ગત દર ચૈત્ર માસમાં અહીં બ્રહ્મોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ એ અવસર હોય છે કે જેના દર્શન કરવા અત્યંત સૌભાગ્યની વાત મનાય છે.

સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ અહીં તિરુપતિ બાલાજીના દર્શને આવે છે. ગુજરાતમાં વસનારા દક્ષિણ ભારતીયો તેમની તિરુપતિ દર્શનની માનતા પૂરી કરવા પણ અહીં આવે છે. એટલું જ નહીં, મુંડન પણ કરાવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles