fbpx
Thursday, December 26, 2024

પોષી પૂર્ણિમાનું વ્રત કેવી રીતે કરવું? આ રીતે તમને મળશે સૂર્ય અને ચંદ્રની કૃપા!

હિન્દુ ધર્મ અનુસાર દરેક માસમાં આવતી પૂનમની તિથિ અત્યંત મહત્વની મનાય છે. પૂનમની તિથિનું ખાસ મહત્વ એટલા માટે હોય છે કે, માત્ર આ એક જ તિથિએ ચંદ્ર તેની પૂર્ણ કળાએ ખીલે છે. કહેવાય છે કે ચંદ્રદેવતાને પણ પૂર્ણિમાની તિથિ ખૂબ જ પ્રિય છે. એટલા માટે જ ચંદ્ર પોતાના પૂર્ણ આકારમાં પૂનમના દિવસે જ જોવા મળે છે.

એમાં પણ હિન્દુ ગ્રંથોમાં પોષી પૂર્ણિમાના દિવસનું ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.

પોષી પૂનમના દિવસે નદીમાં સ્નાન કરવાની અને સૂર્ય દેવને અર્ઘ્ય આપવાની પરંપરા છે. તો, પોષ માસની પૂનમે ગંગા સ્નાનનું આગવું મહત્વ છે. આ વર્ષે આ પોષી પૂનમ 6 જાન્યુઆરી, 2023 ના દિવસે આવે છે. કેટલીક જગ્યાએ બહેનો પોતાના ભાઇની સુખાકારી અને સમૃદ્ધિ માટે પોષી પૂનમના દિવસનું વ્રત કરતી હોય છે.

બહેન પોતાના ભાઇ માટે કરે છે વ્રત !

વર્ષમાં આવતી બાર પૂનમમાંથી પોષી પૂનમનું મહત્વ ખાસ હોય છે. આ પૂનમના દિવસે મા આદ્યશક્તિ અંબાજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાય છે અને સાથે જ આ પૂનમના દિવસે કુંવારી બહેનો ભાઇ માટે પૂનમનું વ્રત પણ રહે છે. સમગ્ર વર્ષ દરમ્યાન બે પૂનમ આવે છે જે ભાઇ-બહેનના પ્રેમનું પ્રતિક મનાય છે. શ્રાવણ માસની પૂનમ એટલે કે રક્ષાબંધન અને પોષી પૂનમ,

પોષી પૂનમનું મહત્વ

વૈદિક જ્યોતિષ અને હિન્દુ શાસ્ત્રો સાથે જોડાયેલી માન્યતા અનુસાર પોષ માસને સૂર્ય દેવતાનો મહિનો માનવામાં આવે છે. કહેવાય છે કે આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી જ પોષ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને સૂર્ય દેવની આરાધના કરવાની પરંપરા છે. તો, વળી પૂર્ણિમા એ ચંદ્રદેવતાનો દિવસ છે ! એ દૃષ્ટિએ આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદભુત સંગમ થાય છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રમા બંનેની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સાથે જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ દૂર થાય છે.

પોષી પૂનમનું વ્રત અને પૂજા વિધિ

⦁ પોષી પૂનમના દિવસે સૂર્યોદય પહેલા જાગી અને સ્નાનાદિ કર્મથી નિવૃત થઇને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા.

⦁ શક્ય હોય તો પવિત્ર નદી અથવા કુંડમાં સ્નાન કરી, સૂર્ય દેવને અર્ઘ્ય અર્પણ કરવું. સાથે જ વ્રત અને ઉપવાસ કરવાનો સંકલ્પ લેવો.

⦁ સંકલ્પ કર્યા બાદ પૂજાઘર પાસે બેસીને સૂર્ય મંત્રના જાપ કરવા અને સૂર્ય દેવતાની આરાધના કરવી.

⦁ આ દિવસે ઉપવાસ અથવા ફળાહાર કરવો અને યોગ્ય પાત્રને દાન, દક્ષિણા આપવા. અથવા તો એક બ્રાહ્મણને ભોજન કરાવી યથાશક્તિ દાન આપવું.

⦁ આ દિવસે ખાસ કરીને તલ અને ગોળ દાન કરવું ઉત્તમ માનવામાં આવે છે.

⦁ આ દિવસે રાત્રિએ ચંદ્ર દેવતાના પણ દર્શન કરવા અને આસ્થા સાથે તેમની પૂજા કરવી.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles