fbpx
Thursday, January 9, 2025

વર્ષની દરેક પૂર્ણિમાના દિવસે કરો આ ખાસ ઉપાય, તમારે ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો નહીં પડે

પૂનમના દિવસે ચંદ્ર તેની પૂર્ણ કળાએ હોય છે. માન્યતા અનુસાર આ પૂર્ણિમાનો દિવસ માતા લક્ષ્‍મીને ખૂબ જ પ્રિય છે. અને એટલે જ, પૂનમના દિવસે કેટલાંક ખાસ ઉપાયો અજમાવવાથી માતા લક્ષ્‍મીની કૃપાને પણ પ્રાપ્ત કરી શકાય છે. 6 જાન્યુઆરીના રોજ પોષી પૂર્ણિમાનો અવસર છે. આમ તો દરેક પૂનમ ફળદાયી છે. પણ, પોષી પૂર્ણિમા એ મા અંબાનો પ્રાગટ્ય દિવસ મનાય છે.

અને વર્ષની સર્વોત્તમ પૂનમમાંથી પણ તે એક છે. ત્યારે આવો, આજે એ જાણીએ કે આ દિવસે કેવાં ઉપાયો અજમાવીને તમે ચંદ્ર દેવતા અને માતા લક્ષ્‍મીની કૃપાને પ્રાપ્ત કરી શકો છો.

પીપળાથી લક્ષ્‍મીકૃપા !

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દરેક પૂનમના દિવસે પીપળાના વૃક્ષ પર માતા લક્ષ્‍મીનું આગમન થાય છે. એટલે કે આ દિવસે પીપળો દેવી લક્ષ્‍મીની કૃપાને પ્રાપ્ત કરાવનારો પણ બની જાય છે ! એટલે સૌથી જરૂરી એ છે કે પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઊઠીને પીપળાના વૃક્ષ પાસે જાવ અને આસ્થા સાથે તેની પૂજા કરી ગળ્યું જળ અર્પણ કરો. તેનાથી દેવી લક્ષ્‍મી પ્રસન્ન થઈ આશિષ પ્રદાન કરશે.

કોડીથી સમૃદ્ધિ !

પૂનમના દિવસે લક્ષ્‍મીમાતાના ચિત્ર પર 11 કોડીઓ ચઢાવીને તેને હળદરથી તિલક કરો. બીજા દિવસે સવારે આ કોડીઓને લાલ વસ્ત્રમાં બાંધીને આપની તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી આપના ઘરમાં ધનની ક્યારેય અછત નહીં રહે. આ પછી દરેક પૂનમના દિવસે આ કોડીઓને તમારી તિજોરીમાંથી નીકાળીને લક્ષ્‍મીજી સમક્ષ રાખીને હળદરથી તિલક કરો. પછી બીજા દિવસે તેને લાલ વસ્ત્રમાં બાંધીને ફરી તિજોરીમાં રાખી દો. આ ઉપાય અજમાવવાથી માતા લક્ષ્‍મીની કૃપા આપના પર ચોક્કસથી વરસશે.

ધન લાભ અર્થે

આપના ઘરના મંદિરમાં ધન લાભ માટે શ્રીયંત્ર, વ્યાપાર વૃદ્ધિ યંત્ર, કુબેર યંત્ર, એકાક્ષી નારિયેળ, દક્ષિણાવર્તી શંખ રાખો. આ તમામ વસ્તુઓને અખંડ અક્ષતની ઉપર બિરાજમાન કરવા જોઇએ. સૌથી મહત્વની વાત એ છે કે આ કાર્ય જો પૂનમના દિવસે કરવામાં આવે તો તે સવિશેષ ફળદાયી બની રહે છે.

લક્ષ્‍મી સ્થિરતાના આશિષ

દરેક પૂનમના દિવસે મંદિરમાં જઇને માતા લક્ષ્‍મીને અત્તર અને સુગંધિત અગરબત્તી અર્પણ કરી માતાને આપના ઘરમાં સ્થાયી નિવાસ કરવા માટે પ્રાર્થના કરો. ધન, સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવી માતા લક્ષ્‍મી આ ઉપાયથી આપના ઘરમાં સ્થાયી નિવાસ કરશે.

આર્થિક સમસ્યાઓથી મુક્તિ

જો કોઈ વ્યક્તિના જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ આવી રહી હોય તો તેમણે પૂનમના દિવસે ચંદ્રોદય સમયે ચંદ્રને કાચા દૂધમાં ખાંડ અને ચોખા મેળવીને અર્ઘ્ય અર્પણ કરવું. સાથે જ “ૐ સ્રાં સ્રીં સ્રૌં સહ ચંદ્રમાસે નમ: ” મંત્રનો જાપ કરવો જોઈએ. અથવા તો “ૐ એં ક્લીં સોમાય નમ:” મંત્રનો જાપ કરતા કરતા ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવું જોઇએ. માન્યતા અનુસાર તેનાથી ધીરે ધીરે વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે.

દાંપત્યજીવનમાં મધુરતા !

સુખી દાંપત્યજીવનની મનશા હોય ત્યારે દરેક પૂનમના દિવસે પતિ-પત્નીમાંથી કોઇ એકે જરૂરથી ચંદ્રમાને દૂધનું અર્ઘ્ય અર્પણ કરવું જોઇએ. બંને સાથે અર્ઘ્ય આપી શકે તો તે ઉત્તમ રહેશે. તેનાથી દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles