દરેક વ્યક્તિ એવું ઇચ્છતી હોય કે તેના ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ જળવાઇ રહે. તેના માટે તે સખત મહેનત કરતો હોય છે. જેના કારણે તે જીવનમાં પ્રગતિ કરે અને પોતાના પરિવારને ખુશ રાખી શકે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે તમારું ભાગ્ય તમારો સાથ આપે અને ના પણ આપે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલાક એવા નિમયો છે જેનું પાલન કરવા માત્રથી જ આપને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે.
આ નાના નાના ઉપાયો અને નિયમોનું પાલન કરવાથી તમારા ઘરમાં ન માત્ર સુખ, શાંતિનો વાસ થશે પરંતુ લક્ષ્મીમાતાની પણ અપાર કૃપા પ્રાપ્ત થશે. તો ચાલો જાણીએ એ નિયમો અને ઉપાયો વિશે.
જળ અર્પણ કરો
એક તાંબાના કળશમાં જળ ભરીને તેમાં લાલ ચંદન ઉમેરી દો. આ પાત્રને પોતાના મસ્તક પાસે રાખીને રાત્રે સૂઇ જવું, સવારે ઊઠીને સૌથી પહેલા તે જળને તુલસીના છોડમાં અર્પણ કરવું. આ ઉપાય નિત્ય કરવાથી આપની પરેશાનીઓ ધીરે ધીરે દૂર થવા લાગશે.
હનુમાનજીને સિંદૂર ચઢાવો
5 વાર હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી આપના કષ્ટો ત્વરિત દૂર થાય છે. આ સિવાય મંગળવાર કે શનિવારે વડના પાન પર લોટનો દીવો પ્રજવલિત કરીને હનુમાનજીના મંદિરમાં રાખવો. આ ઉપાય 11 મંગળવાર કે શનિવાર સુધી કરવાથી આપને દરેક પ્રકારના સંકટોમાંથી મુક્તિ મળે છે.
છાયા દાન
શનિવારના દિવસે એક કાંસાની વાટકીમાં સરસવનું તેલ અને એક રૂપિયાનો સિક્કો લેવો. હવે તે તેલમાં તમારો પડછાયો જુઓ અને તે તેલ માંગવા આવનાર માણસને અર્પણ કરો. આ ઉપાય ઓછામાં ઓછા 5 શનિવાર સુધી કરવાથી આપની શનિની પીડા શાંત થશે અને શનિદેવની કૃપાની પ્રાપ્તિ થશે.
મંત્રજાપ
દરેક પ્રકારના ખરાબ કાર્ય છોડીને નિત્ય રામનું નામ, કે ગાયત્રી મંત્રનો જાપ, કે મહામૃત્યુંજય મંત્રનો જાપ શરૂ કરી દેવો જોઇએ. ધ્યાન રાખવું કે આ મંત્રોમાંથી કોઇપણ એક મંત્રનો જ જાપ કરવો. ઓછામાં ઓછા 43 દિવસ સુધી નિત્ય સવારે અને સાંજે નિયમથી મંત્રજાપ કરવો જોઇએ. આ જાપની જ્યારે પણ શરૂઆત થાય છે ત્યારે તમારા સંકટો ધીરે ધીરે દૂર થવા લાગે છે. આ જાપ કરતાં હોવ તે દરમ્યાન અસત્ય ન બોલવું, તામસિક ભોજન ન લેવું અને કોઇપણ પ્રકારનો નશો ન કરવો નહીં તો તેના ખરાબ પરિણામો ભોગવવા પડે છે. રામનામ તો તમે દિવસભર લઇ શકો છો. કળિયુગમાં રામનામથી મોટો કોઇ ઉપાય નથી.
શાસ્ત્રોક્ત સમયનું ધ્યાન રાખવું
પૂનમ અને અમાસ માન્યતા અનુસાર કેટલાક ખાસ દિવસોમાં કેટલાક ખાસ કાર્ય કરવાથી બચવું જોઇએ. ખાસ કરીને એવા કાર્યો કરવાનું ટાળવું જોઇએ સાથે સાથે તમારો વ્યવહાર પણ સંયમિત રાખવો જોઇએ. જાણકાર લોકોના મતે પ્રતિપદા, અગિયારસ, તેરસ, ચૌદશ, પૂનમ, અમાસ, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ આ 8 પવિત્ર દિવસોમાં દેવતા અને અસુરો સક્રિય થાય છે. તેના સિવાય સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે પણ ધ્યાન રાખવાની આવશ્યકતા છે. સૂર્યાસ્ત બાદ દિવસ અસ્ત થાય તે સમય મહાકાલનો સમય કહેવામાં આવે છે. સૂર્યોદય પહેલાનો સમય દેવકાળ કહેવામાં આવે છે. આ સમયમાં કોઇપણ નકારાત્મક વસ્તુ વિચારવી કે બોલવી ન જોઇએ. તમે જેવું બોલશો એવું જ થશે.
મૂક પક્ષી-પ્રાણીઓની સેવા
ઝાડ, કીડી, પક્ષીઓ, ગાય, શ્વાન, કાગ, અશક્ત માનવી જેવા જીવિત પ્રાણીઓને અન્ન-જળની વ્યવસ્થા કરવાથી તેમના આશીર્વાદ મળે છે. આ કાર્યને પંચયજ્ઞમાંથી એક વૈશ્વદેવ યજ્ઞ કર્મ માનવામાં આવે છે. આ સૌથી મોટા પુણ્યનું કામ માનવામાં આવે છે. કાચબા અને માછલીઓને નિત્ય લોટની ગોળીઓ ખવડાવવી જોઇએ. કીડીઓને શેકેલો લોટમાં ખાંડ કે બુરુખાંડ મેળવીને ખવડાવવું જોઇએ. નિત્ય કાગને અને પક્ષીઓને દાણાં ચણ માટે આપવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. નિત્ય કીડીઓને દાણાં ખવડાવવાથી દેવા અને સંકટમાંથી મુક્તિ મળે છે. નિત્ય શ્વાનને રોટલી ખવડાવવાથી આકસ્મિક સંકટ દૂર રહે છે. નિત્ય ગાયને રોટલી ખવડાવવાથી આર્થિક સંકટ દૂર રહે છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)