વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વ્યક્તિના જીવનમાં સુખ-દુઃખ, ધન પ્રાપ્તિ, માન-સન્માન, શિક્ષણ, ધંધો, નોકરી, સંતાન સુખ અને દાંપત્ય જીવન સંબંધિત દરેક બાબતો ગ્રહો અને નક્ષત્રોની ચાલ પર આધારિત હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ 9 ગ્રહોના કારણે વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે. દરેક ગ્રહ વ્યક્તિના જીવનના વિવિધ ક્ષેત્રોને અસર કરે છે.
તમામ 9 ગ્રહોમાં ગુરુ ગ્રહનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ વ્યક્તિના જીવન પર ગુરુની શું અસર થાય છે.
જ્યોતિષમાં ગુરુનું મહત્વ
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુને શુભ ગ્રહ માનવામાં આવે છે. કુંડળીમાં 9મા અને 12મા ઘરનો સ્વામી ગુરુ છે. ગુરુ ગ્રહ ધન રાશિ અને મીન રાશિનો સ્વામી છે. કુંડળીમાં ગુરુ જ્યારે શુભ સ્થાનમાં હોય છે, ત્યારે તે રાશિના લોકોના જીવનમાં સુખ, સંપત્તિ અને આરામ પ્રદાન કરે છે. ગુરુ જ્ઞાન, વિદ્યા, સુખ-સમૃદ્ધિ, શિક્ષણ, લગ્ન અને સંતાન સુખનું કારક છે.
તમારી કુંડળીમાં ગુરુ ગ્રહન નબળો હોય તો તેના કારણે તમારે નાણા, શિક્ષણ, વ્યવસાયથી લઈને લગ્નજીવન સુધીની તમામ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગુરુને સૌથી મોટો અને સુખ-સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારનો દિવસ તમામ દેવતાઓના ગુરુ દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે. જે લોકો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને ગુરુવારે વ્રત કરે છે, ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. જન્મ કુંડળીમાં ગુરુ ગ્રહ હંમેશા બળવાન રહે અને શુભ ફળ આપતો રહે, આ માટે જ્યોતિષમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે.
સુખી લગ્ન જીવન માટે
ગુરુવારે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સમૃદ્ધિ અને તમામ પ્રકારની ખુશીઓ મળે છે. કુંડળીમાં ગુરુને શુભ ફળ આપવા માટે ગુરુવારે ઉપવાસ અને પૂજા કરવી જોઈએ. જ્યોતિષના આ ઉપાયથી વ્યક્તિનું દાંપત્ય જીવન હંમેશા ખુશહાલ રહે છે.
નાણા મેળવવા માટે
ધન અને મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં ગુરુવારના ઉપાયો ખૂબ જ અસરકારક છે. ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવી અને સાંજે દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિ ગુરુવારે પીળા ચંદન અને કેસર લગાવીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને ધનની પ્રાપ્તિ થાય છે. આ ઉપાયથી વ્યક્તિના જીવનમાં ક્યારેય આર્થિક તંગી આવતી નથી.
કલેશ દુર કરવાના ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવગુરુ ગુરુ વિવાહિત જીવનનો કારક છે. જે લોકોના દાંપત્ય જીવનમાં કોઈ સમસ્યા હોય તો ગુરુવારે ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો અને મીઠાઈઓ ચઢાવવાથી પતિ-પત્ની વચ્ચેના મતભેદનો અંત આવે છે.
સારા સ્વાસ્થ્ય માટે
ગુરુવારે કેળની પૂજા કરવાથી અને ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે. ગુરુવારે વ્રત રાખવાથી સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે.
શિક્ષણમાં સફળતા માટે
જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને શિક્ષણનો કારક માનવામાં આવે છે. જેની કુંડળીમાં ગુરુનો મૂડ સારો ન હોય તો તે વ્યક્તિના ભણતરમાં અવરોધો આવે છે. કુંડળીમાં ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે ગુરુવારે પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી શિક્ષણમાં આવતા તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)