ઓમકાર એટલે એ નાદ કે જે સમસ્ત સૃષ્ટિનું પ્રાણતત્વ મનાય છે. કોઈપણ પૂજા હોય, કોઈપણ સાધના હોય કે અખંડ તપસ્યા કે ઉપાય હોય આ બધું જ ઓમકારના સાયુજ્ય વિના અપૂર્ણ મનાય છે. પણ, શું તમને એ ખબર છે કે આ જ ઓમકારનો જાપ સાધકને અનેક પ્રકારના શારીરિક અને માનસિક રોગોથી પણ મુક્તિ અપાવી શકે છે !
‘ૐ’ના જાપથી લાભ !
ઓમકારના જાપથી સાધકને અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે. ૐના જાપથી માનસિક તાણ દૂર થાય છે. ઓમકારના નિત્ય જાપથી સાધકની પાચન શક્તિ સુધરે છે અને તેની ગભરામણ પણ દૂર થાય છે. તે ફેફસાંની કાર્યક્ષમતા વધારે છે. શરીરમાં નવીન કોશિકાઓનું નિર્માણ કરે છે. તો સાથે જ અનેક પ્રકારના વિકાર દૂર કરી લોહીને શુદ્ધ કરે છે. એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિને કામ કરતી વખતે થાક લાગતો હોય અને જો તે વચ્ચે રોકાઈને ઓમકારનો જાપ કરે તો તેનો બધો જ થાક દૂર થઈ જાય છે. એક માન્યતા અનુસાર તો ઓમકારનો જાપ વ્યક્તિની બુદ્ધિ ક્ષમતામાં વધારો કરે છે. તેનાથી વ્યક્તિની સ્મરણ શક્તિ તેમજ નિર્ણાયક શક્તિ પણ વધે છે. અલબત્, આ બધાં જ ફળની પ્રાપ્તિ અર્થે તેના જાપ સમયે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે.
શું રાખશો વિશેષ ધ્યાન ?
ઉલ્લેખનીય છે કે ઓમકારના જાપ માટે પ્રભુની કોઈ તસવીર સામે રાખવાની જરૂર નથી પડતી. તો સાથે જ દીવો, ધૂપ કે અગરબત્તી પ્રગટાવવાની પણ જરૂર નથી પડતી. પણ, તેમ છતાં સાધક જમીન પર આસન પાથરીને ઓમકારનું ઉચ્ચારણ કરે તે ઈચ્છનિય છે. ક્યારેય પલંગ કે સોફા પર બેસીને ૐનો જાપ ન કરવો. પરંતુ, બેસી શકવા અસમર્થ હોય તેવો સાધક સૂતા સૂતા ઓમનું ઉચ્ચારણ કરી શકે છે.
5, 7, 11, 21 કે 31 ની સંખ્યામાં ઓમના જાપથી વિશેષ લાભની પ્રાપ્તિની માન્યતા છે. આ જાપ માટે સાધક માળાનો પ્રયોગ પણ કરી શકે છે ! જાપ પૂર્ણ થયા બાદ શક્ય હોય તો સાધકે બે મિનિટ ધ્યાન લગાવવું. તેનાથી ચિત્તને પરમ શાંતિની અનુભૂતિ થશે. યોગદર્શનના કર્તા પતંજલિએ ઓમકારની મહત્તા વર્ણવતા કહ્યું છે “તસ્ય વાચકઃ પ્રણવઃ ।” એટલે કે પરમાત્માનું વાચક જ ઓમકાર છે ! પરમાત્મા સ્વયં ઓમકાર છે.
તો ભગવાન શ્રીકૃષ્ણએ પણ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે,
ઓમિત્યેકાક્ષરં બ્રહ્મ વ્યાહરન્મામનુસ્મરન્ ।
યઃ પ્રયાતિ ત્યજન્દેહં સ યાતિ પરમં ગતિમ્ ।।
એટલે કે, જે પુરુષ ‘ઓમ’ અક્ષરરૂપ બ્રહ્મનું ઉચ્ચારણ કરતા અને તેના અર્થ સ્વરૂપ પરમાત્માના નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતા શરીર ત્યાગ કરે છે, તે પુરુષ પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. એટલે કે જીવન પર્યંત ભોગની અને અંતિમ ક્ષણે મોક્ષની ગતિએ લઈ જાય છે ઓમકારનો જાપ.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)