દરેક માસમાં સુદ પક્ષ અને વદ પક્ષમાં એકાદશીની તિથિ આવે છે. આમ, મહિનામાં બે એકાદશી તિથિ આવે છે. દરેક એકાદશી પર ભગવાન વિષ્ણુના પૂજનની અને તેમના માટે વ્રતની પરંપરા છે. કારણ કે, એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ગુજરાતી પંચાંગ અનુસાર પોષ મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશીને ષટતિલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.
અને આજે 18 જાન્યુઆરી, બુધવારે આ જ એકાદશીનો રૂડો અવસર છે. ત્યારે આવો જાણીએ કે આ એકાદશી પર તલના પ્રયોગનો શા માટે છે આટલો મહિમા?
ષટતિલા એકાદશીમાં ‘તલ’ મહિમા
ષટતિલા એકાદશીના દિવસે તલનું ખૂબ મહત્વ હોય છે. ષટતિલામાં ષટનો અર્થ થાય છે 6 અને તિલા એટલે તલ. જે અનુસાર આજના દિવસે 6 પ્રકારે તલનો પ્રયોગ કરવાનો મહિમા છે. જેના પરથી જ આ એકાદશી ષટતિલા એકાદશીના નામે પ્રસિદ્ધ થઈ છે. ષટતિલા એકાદશીમાં ન માત્ર તલનો પ્રયોગ કરવામાં આવે છે. પરંતુ, આ દિવસે તલના દાનનો પણ ખૂબ મહિમા રહેલો છે. પૌરાણિક પ્રથા અનુસાર આ દિવસે તલના તેલ વડે શરીરે મર્દન, તલ મિશ્રિત જળથી સ્નાન, તલના હોમ, તલના દાન, તલના ભોજન તથા તલની વાવણી કરવાનો રિવાજ છે !
શ્રીકૃષ્ણએ વર્ણવ્યો મહિમા
ગુજરાતી પંચાંગ અનુસાર પોષ મહિનાના વદ પક્ષની આ એકાદશીમાં તલનું અદકેરું માહાત્મ્ય છે. સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ ષટતિલા એકાદશીનો મહિમા વર્ણવ્યો છે. જે અનુસાર સંસારમાં જે પણ જીવ છે તે નિરંતર કર્મ કરતો રહે છે. જેમાં જાણતા-અજાણતા તેનાથી કોઇ પાપકર્મ થઇ જાય છે. શાસ્ત્રોમાં પાપકર્મમાંથી મુક્તિ મેળવવા માટે કેટલાય પ્રકારના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. તેમાંથી એક ઉપાય છે ષટતિલા એકાદશી. શાસ્ત્રો અનુસાર ષટતિલા એકાદશીનું વ્રત કરવું, તેમાં સ્નાન-દાન કરવા, ભોજન બનાવવું તેમજ ગ્રહણ કરવું અને પૂજા પાઠ આ દરેક વસ્તુઓમાં તલનો કોઇને કોઇ રીતે ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. માન્યતા અનુસાર તલના આ પ્રકારે પ્રયોગથી વ્યક્તિના દરેક પ્રકારના પાપકર્મનો નાશ થઈ જાય છે.
કેવી રીતે કરશો તલનો ઉપયોગ?
⦁ ષટતિલા એકાદશીના દિવસે સમગ્ર દિવસ દરમ્યાન તલનો ઉપયોગ કરવાનું માહાત્મ્ય છે. માન્યતા એવી છે કે આ દિવસે તલનો પ્રયોગ કે ઉપયોગ કરવાથી પુણ્ય કર્મમાં વધારો થાય છે. એટલું જ નહીં ષટતિલા એકાદશીના દિવસે કરવામાં આવેલ તલનો ઉપયોગ અને દાનનું ફળ સ્વર્ગમાં પણ પ્રાપ્ત થાય છે !
⦁ ષટતિલા એકાદશીના દિવસે સવારે તલનું ઉબટન લગાવીને જળમાં તલ ઉમેરીને સ્નાન કરવું જોઇએ.
⦁ પૂજનમાં ભગવાનને તલથી બનેલ પ્રસાદનો ભોગ અર્પણ કરવો જોઇએ.
⦁ ષટતિલા એકાદશીની પૂજામાં તલથી હવન કરવો જોઈએ.
⦁ ગરીબો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને તલનું દાન કરવું જોઇએ.
⦁ જળમાં તલ ઉમેરીને જળ ગ્રહણ કરવું જોઇએ.
⦁ તલના લાડુ બનાવવા કે તલમાંથી કોઈ વ્યંજન બનાવવું જોઈએ.
⦁ શક્ય હોય તો આ દિવસે તલ શબ્દનું સતત ઉચ્ચારણ પણ કરવું જોઇએ !
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)