fbpx
Monday, December 30, 2024

પગમાં પહેરવામાં આવતી ચાંદીની પાયલનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પણ છે! જાણો, શું છે રહસ્ય?

પગમાં પહેરાતી પાયલને આપણે હંમેશા એક ઘરેણાંના રૂપમાં જ જોઈએ છીએ. પરંતુ, ચાંદીની પાયલનું ધાર્મિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિ પણ આગવું જ મહત્વ છે. લગ્ન બાદ સ્ત્રીઓએ પાયલ પહેરવી શુભ માનવામાં આવે છે. તે સૌભાગ્યના 16 શણગારમાં સામેલ છે. તો, શ્રદ્ધાળુઓ જ્યારે માતા આદ્યશક્તિના વિધ વિધ સ્વરૂપોને શણગાર સામગ્રી અર્પણ કરતા હોય છે, ત્યારે તેમાં પાયલ પણ જરૂરથી સામેલ કરતા હોય છે.

પણ, શું તમે જાણો છો કે સોળ શણગાર સાથે પણ ધાર્મિક અને વૈજ્ઞાનિક માન્યતાઓ જોડાયેલી છે. આવો, આજે આપણે પાયલના મહત્વને જાણીએ.

શણગારમાં અદકેરું મહત્વ

હિન્દુ ધર્મમાં પરિણીત મહિલાઓમાં શણગારનું વિશેષ મહત્વ હોય છે. હિન્દુ ધર્મમાં મહિલાઓના 16 શણગારની વાત કહેવામાં આવી છે. જે મહિલાઓેએ લગ્ન પછી ધારણ કરવા જરૂરી હોય છે. તેમાં સિંદૂર, ચાંદલો, મંગળસૂત્ર, બંગડી, પાયલ, વીંછીયાને સૌથી મહત્વના માનવામાં આવે છે. આ શણગાર મહિલાઓના સૌભાગ્યવતી હોવાની નિશાની મનાય છે. માન્યતા છે કે લગ્ન કરેલ સ્ત્રીઓ જ્યારે આ વસ્તુઓને તેમના શણગારમાં સામેલ કરે છે, ત્યારે તેમના પતિનું આયુષ્ય લાંબુ થાય છે. પાયલને પગમાં ધારણ કરવામાં આવે છે.

પાયલ સાથે જોડાયેલ ઇતિહાસ

પાયલને પાટિલ, પાજેબ, પાયલ, ગોલૂસુ, નૂપુર, ઝાંઝર જેવા અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. પ્રાચીન સમયમાં પાયલની ઉત્પત્તિ ભારતમાં થઇ હતી. જૂના જમાનામાં વજનદાર અને મોટી ચાંદીની પાયલ પગમાં પહેરવામાં આવતી હતી. જે મોટા કડા જેવી લાગતી હતી. હમ્પીની મૂર્તિઓમાં પણ આવી પાયલ અને બીજા ઘરેણાં જોવા મળે છે.

ચાંદીનું ધાર્મિક મહત્વ

હિન્દુ ધર્મમાં પાયલને ખૂબ શુભ માનવામાં આવે છે. તે જ રીતે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાંદીની ધાતુમાંથી બનેલ પાયલનો સંબંધ ચંદ્ર સાથે છે. જે મનનો કારક છે. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે ચાંદીની ઉત્પત્તિ ભગવાન શિવના લીધે થઈ છે ! તો વાસ્તુ શાસ્ત્રમાં પણ એવો ઉલ્લેખ છે કે પાયલ પહેરવાથી સકારાત્મકતા વધે છે. પાયલમાંથી નીકળતો ધ્વનિ સકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે અને નકારાત્મક ઊર્જાને નષ્ટ કરે છે ! એટલે, જે ઘરમાં પાયલનો સતત રણકાર થતો રહે છે, ત્યાં લોકો પ્રસન્નચિત્ત જોવા મળે છે.

પાયલ પહેરવાના વૈજ્ઞાનિક લાભ

કહે છે કે ચાંદી બ્લડ સર્ક્યુલેશનમાં મદદરૂપ થાય છે. ચાંદીની પાયલ પહેરવાથી પગના દુઃખાવામાં રાહત મળે છે. તેનાથી હાડકાં મજબૂત બને છે. તેમજ પાયલ પહેરવાથી પગના સોજામાં રાહત મળે છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles