તમારું જીવન કેવું હશે એ બાબત તમારી આદતો પર જ નિર્ભર છે. ઘણાં લોકો એવાં હોય છે કે જે મહેનત તો ખૂબ કરે છે, પરંતુ, તેમને જીવનમાં સફળતા જ નથી મળતી. એટલું જ નહીં, ઘણીવાર કેટલાંક લોકો ખૂબ સારું કમાતા હોવા છતાં, તેમના ઘરમાં ક્યારેય આર્થિક સદ્ધરતા દેખાતી જ નથી. આનું કારણ ખુદ તમારી જ આદત પણ હોઈ શકે છે ! ગરુડ પુરાણમાં મનુષ્યના એવાં કાર્યો દર્શાવાયા છે કે જેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે, અને મનુષ્યની પ્રગતિને પણ રોકી શકે છે !
આવો, આજે તે વિશે જ વિસ્તારથી જાણીએ.
ગરુડ પુરાણ મહિમા
ગરુડ પુરણને વૈષ્ણવ સંપ્રદાયનો ગ્રંથ માનવામાં આવે છે. આ સનાતન ધર્મમાં 18 મહાપુરાણો છે. ગરુડ પુરાણ તેમાંથી જ એક છે. તેની અંદર નીતિ-નિયમો, જ્ઞાન, વિજ્ઞાન, જીવન-મૃત્યુ, સ્વર્ગ-નર્ક અને પુનર્જન્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ અને તેમના વાહન પક્ષીરાજ ગરુડ વચ્ચે થયેલા સંવાદનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે.
આદતોની ભાગ્ય પર અસર !
ગરુડ પુરાણમાં જ દર્શાવવામાં આવ્યું છે કે વ્યક્તિનું જીવન કેવું હશે તે મોટાભાગે તેના કર્મોના આધારે જ નક્કી થાય છે. એટલે કે તમારા કર્મો જ તમને સફળ બનાવે છે અને મનુષ્યના કર્મો જ તેને દરિદ્ર પણ બનાવે છે ! એટલું જ નહીં, મનુષ્યને તેના કર્મોના કારણે જ માતા લક્ષ્મીની નારાજગીનો સામનો પણ કરવો પડે છે. તેના કર્મોના લીધે જ તેનું આખું જીવન કોઇને કોઇ પ્રકારની સમસ્યાઓથી ભરેલું રહે છે. કેટલીક ખરાબ આદતો તો તમને બરબાદીના રસ્તે પણ લઈ જઈ શકે છે ! નીચે જણાવેલી કેટલીક કુટેવો એવી છે કે જે દેવી લક્ષ્મીને બિલ્કુલ પણ પસંદ નથી !
બીજાની નિંદા કરવી
ગરુડ પુરાણ અનુસાર એવા લોકો કે જેઓ સતત બીજાની નિંદા કરતાં હોય છે અથવા તો બીજાના કાર્યોમાં હંમેશા વાંક શોધતા હોય છે એવા લોકો કોઇના માટે સારા નથી હોતા. આવા લોકો ખૂબ જ જલ્દી સમાજથી અલગ થઇ જાય છે સાથે જ એવા લોકોથી માતા લક્ષ્મી નારાજ પણ રહે છે.
મોડા ઉઠવું
સવારે મોડા સુધી સૂતા લોકોના જીવનમાં સુખ, સફળતા અને સંપન્નતા ક્યારેય નથી આવતી. સાથે જ એવા લોકો રોગયુક્ત જીવન જીવતા હોય છે. સવારે અને સાંજે મોડા સુધી સૂતા રહેવાને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યું છે.
નિત્ય સ્નાન ન કરવું
જે લોકો શરીરની સાફ-સફાઇમાં ધ્યાન નથી રાખતા તેમજ નિત્ય સ્નાન નથી કરતાં તેમના ઘરમાં માતા લક્ષ્મી નિવાસ નથી કરતાં. એટલું જ નહીં, તેના લીધે વ્યક્તિની નકારાત્મક ઊર્જા ઘર અને પરિવારને ઘેરી વળે છે.
ગંદા કપડા પહેરવા
ગરુડ પુરાણમાં જણાવ્યા અનુસાર જે લોકો ગંદા કપડા પહેરે છે તેમની ઉપર માતા લક્ષ્મીની કૃપા ક્યારેય નથી વરસતી. કારણ કે, માતા લક્ષ્મીને સ્વચ્છતા પ્રિય છે.
પૂજા-પાઠ ન કરવા
જે લોકો પૂજા-પાઠ નથી કરતા, કે ઇશ્વરનું ધ્યાન નથી ધરતા અને કોઇ ધાર્મિક ગ્રંથનું પઠન નથી કરતા તેમને ક્યારેય ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત નથી થતા. દેવી લક્ષ્મી ક્યારેય તેમના પર પ્રસન્ન નથી થતા. એવા લોકો ગમે તેટલી મહેનત કરે તેમ છતા તેમને જીવનમાં સંઘર્ષનો સામનો કરવો પડે છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)