વસંત પંચમીનો દિવસ એ વર્ષના વણજોયા મુહૂર્તમાંથી એક મનાય છે. વાસ્તવમાં આ દિવસ એ દેવી સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ છે. આ વખતે આ શુભ મુહૂર્ત 26 જાન્યુઆરી, ગુરુવારના દિવસે છે. ખાસ વાત એ છે કે આ દિવસે પીળા રંગનો પ્રયોગ કરવાનું પણ આગવું જ મહત્વ રહેલું છે. શાસ્ત્રો અનુસાર જોઈએ તો વસંત પંચમીના દિવસે પીળા રંગનો કોઇપણ પ્રકારે ઉપયોગ કરવાથી આપને બુદ્ધિના આશિષ તો પ્રાપ્ત થાય જ છે, સાથે જ આપના ધનમાં પણ વૃદ્ધિ થાય છે.
એટલ કે, માતા સરસ્વતી અને માતા લક્ષ્મી બંન્નેના આશિષની પ્રાપ્તિ કરાવશે પીળો રંગ. ત્યારે આવો જાણીએ કે કયા સરળ ઉપાયો થકી આપ શુભ ફળની પ્રાપ્તિ કરી શકશો.
સરળ ઉપાયથી સમાધાન !
⦁ બાળકો અભ્યાસમાં નબળા હોય તો વસંત પંચમીના દિવસે તેમના હાથે પીળા રંગની વસ્તુઓ જેમ કે કેળા, દાળ, પીળા પુષ્પ, પીળા વસ્ત્ર, અભ્યાસ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરાવવું જોઇએ. માન્યતા એવી છે કે આ ઉપાય કરવાથી તેમને અભ્યાસમાં રસ વધશે.
⦁ દેવી સરસ્વતીને પીળો રંગ અત્યંત પ્રિય છે. એટલે, વસંત પંચમીના દિવસે પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા અને બે મુખી વાટનો દીવો પ્રજવલિત કરીને વિશ્વવિજય સરસ્વતી કવચનો પાઠ કરવો. કહેવાય છે કે તેના પાઠ દ્વારા આપની સ્મરણ શક્તિ તેજ બને છે અને તમારી સમૃદ્ધિમાં વધારો થાય છે.
⦁ વસંત પંચમીના દિવસે દૂધમાં હળદર ઉમેરીને માતા સરસ્વતી પર તેનો અભિષેક કરવાથી વૈવાહિક જીવનમાં રહેલ તણાવ દૂર થાય છે. તેમજ વ્યક્તિની વાણીમાં મીઠાશ આવે છે.
⦁ જીવનમાં સુખ-શાંતિની કામના હોય તો વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીને પીળા રંગના ગળ્યા ભાતનો ભોગ અર્પણ કરવો. તેનાથી વાણીમાં નિયંત્રણ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. જેના કારણે વ્યક્તિનું વ્યક્તિત્વ પણ અત્યંત પ્રસન્ન બને છે અને જીવનમાં સુખ-શાંતિનું આગમન થાય છે.
⦁ આ દિવસે પીળા રંગની મીઠાઈ, જેમ કે ચણાના લોટના લાડુ કે બરફીમાં થોડું કેસર ઉમેરીને માતા સરસ્વતીને ભોગ અર્પણ કરવો અને આ પ્રસાદ 7 કન્યાઓમાં વહેંચી દેવો. માન્યતા અનુસાર આ ઉપાયથી જ્ઞાનના દેવી માતા સરસ્વતી તો પ્રસ્ન થાય જ છે, સાથે જ માતા લક્ષ્મીની કૃપાની પણ ભક્તને પ્રાપ્તિ થાય છે.
⦁ અભ્યાસમાં આવનાર કોઇપણ પ્રકારની અડચણને દૂર કરવા વસંત પંચમીના દિવસે પીળા રંગના 108 પુષ્પ દેવી સરસ્વતીને અર્પણ કરવા જોઇએ. આ પુષ્પ “ૐ એં સરસ્વત્યૈ એં નમ:” મંત્રનો જાપ કરતા કરતા અર્પણ કરવાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે. અને તેમની કૃપા સદૈવ ભક્ત પર વરસતી જ રહે છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)