ઘણીવાર એવું બને છે કે ખૂબ જ મહેનત કરવા છતાં વ્યક્તિને તેના કાર્યમાં સફળતા જ નથી મળતી. પરિશ્રમ છતાં ધંધા-રોજગારમાં આર્થિક ઉન્નતિ નથી થતી. દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત નથી થતી ! ઘણી વખત એવું પણ બને છે કે વ્યક્તિમાં આવડત તો ખૂબ હોય પણ તે ઈન્ટવ્યૂમાં તેનો જાદૂ ચલાવી જ ન શકે.
અથવા તો પરીક્ષા સમયે જ તેને વાંચેલું કંઈ યાદ જ ન આવે ! અને તેને લીધે જ વ્યક્તિને અસફતાનો સામનો કરવો પડે છે. ત્યારે જ્યોતિષશાસ્ત્રમાં આવાં વિઘ્નોથી મુક્તિ અર્થે અને સફળતાની પ્રાપ્તિ અર્થે કેટલાંક ખૂબ જ સરળ અને સચોટ ઉપાયો જણાવવામાં આવ્યા છે. આવો, આજે કેટલાંક આવાં જ ઉપાયો વિશે જાણીએ.
નોકરી-ધંધામાં સફળતા અર્થે
⦁ ધંધા-રોજગાર સંબંધી સમસ્યા હોય કે પછી નોકરી મેળવવામાં કે ઈન્ટરવ્યૂમાં અસફળતાનો સામનો કરવો પડતો હોય, ત્યારે આ ઉપાયો મદદરૂપ સાબિત થઈ શકે છે.
⦁ છાલ સાથેની 100 ગ્રામ બદામ લો. તેમાંથી અડધી બદામ હનુમાન મંદિરમાં અર્પણ કરો અને બાકી વધેલી બદામને લાલ વસ્ત્રમાં લપેટીને પોતાના પૂજા સ્થાનમાં સુરક્ષિત મૂકી દો. એક વર્ષ બાદ આ બદામને વહેતા પાણીમાં પ્રવાહિત કરી લો. આ ઉપાય દર વર્ષે અજમાવવો જોઇએ. તેનાથી જીવનના સફળતા આડેના તમામ અવરોધો દૂર થઈ જશે.
⦁ મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં ધજા અર્પણ કરો.
⦁ મંગળવાર કે શનિવારના દિવસે હનુમાનજીને એક રામાયણ ભેટમાં આપો.
⦁ ઠંડીના દિવસો ચાલી રહ્યા છે. તો આ સમયમાં શ્વેત અને શ્યામ રંગના ધાબળાઓનું કોઈ જરૂરિયાતમંદને કે પછી કોઈ મંદિરમાં દાન કરવું જોઈએ.
⦁ કોઇપણ મંદિરમાં દરરોજ એક કેળું ધરાવો. યાદ રાખો, કે આ ઉપાય સતત 40 દિવસ સુધી કરવાનો છે. 40 દિવસ પહેલાં જ જો તમારું કાર્ય સફળ થઈ જાય, તો પણ આ પ્રયોગ 40 દિવસ સુધી ચાલું જ રાખવો.
અભ્યાસમાં સફળતા અર્થે
⦁ જો તમને અભ્યાસમાં સતત અસફળતા પ્રાપ્ત થઇ રહી હોય તો કોઇપણ મંગળવારથી શનિવારના દિવસ સુધી નિત્ય છાલ સાથેની ચાર બદામ વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. આ ઉપાયથી અભ્યાસમાં સફળતા આડેના અવરોધો દૂર થઈ જશે. અને ધીમે-ધીમે પ્રગતિનો માર્ગ ખૂલી જશે.
⦁ મંગળવારના દિવસે ગળી રોટલી બનાવીને શ્વાનને ખવડાવો.
⦁ પોતાના વજન અનુસાર ઘઉં, 1 ચપ્પુ, 1.25 કિલો ગોળ, 1.25 મીટર લાલ વસ્ત્ર, લાલ પુષ્પ, તાંબાનું એક વાસણ તેમજ દક્ષિણાનું રવિવારના દિવસે કોઈ મંદિરમાં દાન કરવું.
⦁ નિત્ય કેસરનું તિલક લગાવવું જોઇએ.
⦁ શ્રીગણેશજી અને માતા સરસ્વતીજીની પૂજા નિત્ય કરવી જોઇએ.
⦁ અભ્યાસ કરતી વખતે તમારી સામે એક અરીસો રાખો. આ ઉપાય કરવાથી અભ્યાસમાં મન લાગશે અને ધ્યાન નહીં ભટકે.
⦁ પરીક્ષાના દિવસે પેપર લખવાનું શરૂ કરો તે પહેલા પોતાના મોંમાં તુલસીના કેટલાક પાન રાખવા અને પરીક્ષા સમાપ્ત થાય પછી તે પાન આરોગી જવા.
⦁ પર્સમાં એક લાલ રંગનો રૂમાલ હંમેશા રાખવો.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)