હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે મહા માસના સુદ પક્ષમાં આવતી પાંચમની તિથિએ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસ એટલે કોઇપણ શુભ કાર્ય કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ. આ દિવસે કોઇપણ કાર્ય કરવું હોય તો કોઇ મુહૂર્ત જોવાની જરૂર નથી હોતી અને એટલે જ તો તેને વણજોયા મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે.
માન્યતા અનુસાર આ દિવસે કરેલ કાર્યો હંમેશા નિર્વિધ્ને પાર પડે છે ! એમાં પણ આ વખતે વસંત પંચમીએ 4 શુભ યોગ સર્જાઈ રહ્યા છે. જે સવિશેષ લાભદાયી મનાઈ રહ્યા છે. આખરે, કયા છે આ શુભ યોગ અને શું છે તેના લાભ ? આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ.
શુભ યોગ સાથે વસંત પંચમી
આ વખતે વસંત પંચમી 26 જાન્યુઆરી, ગુરુવારના દિવસે છે. આ દિવસે જ્ઞાન, કળા, સંગીતના પ્રતિક માતા સરસ્વતીની પૂજા આરાધના કરવામાં આવે છે. આમ, તો આ વણજોયા મુહૂર્તનો દિવસ છે. પણ, આ દિવસે અત્યંત શુભ 4 યોગ સર્જાઈ રહ્યા છે. માન્યતા અનુસાર આ અત્યંત શુભ યોગમાં માતા સરસ્વતીની આરાધના કરવાથી સાધકને દેવીની સવિશેષ કૃપાની પ્રાપ્તિ થશે અને ઝડપથી મનોકામનાની પૂર્તિ થશે.
શિવ યોગ
26 જાન્યુઆરીએ વહેલી સવારે 03:10 કલાકથી શરૂ કરીને બપોરે 03:29 સુધી શિવ યોગ સર્જાઈ રહ્યો છે. આ યોગમાં ધ્યાન કરવાનું અને પૂજા કરવાનું સવિશેષ મહત્વ રહેલું છે.
સિદ્ધ યોગ
વસંત પંચમી, ગુરુવારના રોજ શિવ યોગ પૂર્ણ થયા બાદ સિદ્ધ યોગનો પ્રારંભ થશે. જે સંપૂર્ણ રાત્રિ સુધી રહેશે. કોઈપણ સિદ્ધિની પ્રાપ્તિ અર્થે આ સિદ્ધ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
સર્વાર્થ સિદ્ધિ યોગ
26 જાન્યુઆરી, ગુરુવારના રોજ સાંજે 06:57 થી સર્વાર્થ સિદ્ધિ યોગનો પ્રારંભ થશે. જે બીજા દિવસે, એટલે કે શુક્રવારે સવારે 07:12 કલાક સુધી રહેશે. આ સમય દરમિયાન કરવામાં આવેલું કોઈપણ કાર્ય જરૂરથી પૂર્ણ અને સફળ થાય છે. સાથે જ તેમાં સિદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે.
રવિ યોગ
રવિ યોગ પણ સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે જ શરૂ થઈ રહ્યો છે. એટલે કે આ યોગ સાંજે 06:57 કલાકે શરૂ થશે અને બીજા દિવસે શુક્રવારે સવારે 07:12 કલાકે સમાપ્ત થશે. આ યોગ દરમિયાન સૂર્ય દેવની કૃપાથી તમામ પ્રકારના અમંગળ દૂર થશે અને સાધકને શુભત્વની પ્રાપ્તિ થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)