હિન્દુ ધર્મમાં વર્ષ દરમ્યાન અનેક પ્રકારના વ્રત અને તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તેમાંથી જ એક છે ભીષ્માષ્ટમી. આ તહેવાર એ મહાભારતના મહાન પાત્ર ભીષ્મ પિતામહને સમર્પિત છે. દર વર્ષે મહા સુદ આઠમની તિથિને ભીષ્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે.
મહાભારત અનુસાર ભીષ્મ પિતામહે સૂર્યના ઉત્તરાયણ થયા બાદ તેમના પ્રાણ ત્યાગ કર્યા હતા અને તે દિવસ મહા સુદ અષ્ટમીનો જ હતો.
એ જ કારણે આ દિવસના વ્રત તપનો વિશેષ મહિમા છે. આવો જાણીએ કે શા માટે છે આ દિવસની આટલી મહત્તા ? અને આ દિવસે વ્રત, તપથી વ્યક્તિને કેવાં પુણ્યની થાય છે પ્રાપ્તિ ?
દેવવ્રત કેવી રીતે બન્યા ભીષ્મ ?
મહાભારત અનુસાર પિતામહ ભીષ્મનું બાળપણનું નામ દેવવ્રત હતું. તે હસ્તિનાપુરના મહારાજ શાંતનુ અને દેવી ગંગાના પુત્ર હતા. દેવવ્રતનું પાલન પોષણ માતા ગંગાએ જ કર્યું હતું. અને તેમણે જ તેમને પ્રારંભિક શિક્ષણ પણ આપ્યું હતું. જ્યારે દેવવ્રતે તેમનું શિક્ષણ પૂર્ણ કરી લીધું ત્યારે ગંગાએ તેમને મહારાજ શાંતનુને સોંપી દીધા હતા. કેટલાય વર્ષો બાદ પિતા-પુત્રનું મિલન થયું અને મહારાજ શાંતનુએ પોતાના પુત્ર દેવવ્રતને યુવરાજ જાહેર કરી દીધા. પરંતુ, પિતા શાંતનુના સત્યવતી સાથે વિવાહ થઈ શકે તે માટે દેવવ્રતે આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી. આ ભીષણ એટલે કે ભીષ્મ પ્રતિજ્ઞાને લીધે દેવવ્રત ‘ભીષ્મ’ બન્યા ! અને કુરુવંશના બાળકો તેમને ભીષ્મ પિતામહના નામે સંબોધવા લાગ્યા.
ભીષ્માષ્ટમીનો શા માટે મહિમા ?
પિતામહ ભીષ્મને ન્યાયપ્રિય, સત્યનિષ્ઠ અને ગંગાપુત્રના રૂપમાં ઓળખવામાં આવે છે. મહાભારતની એક કથા અનુસાર મહાભારતના યુદ્ધમાં પિતામહ ભીષ્મ વચનબદ્ધ હોવાના કારણે તેમણે કૌરવોના પક્ષમાં યુદ્ધ લડવું પડ્યું હતું. પરંતુ, સત્ય તેમજ ન્યાયની રક્ષા કરવાના હેતુથી તેમણે સ્વયં જ પોતાના મૃત્યુનું રહસ્ય અર્જુનને જણાવી દીધું હતું. અર્જુને શિખંડીને આગળ રાખી ભીષ્મના શરીર પર એટલા બધાં બાણની વર્ષા કરી કે તેમનું શરીર બાણના કારણે ક્ષીણ થઇ ગયું.
ભીષ્મ બાણ શૈયા પર ઢળી પડ્યા. પરંતુ, ભીષ્મ પિતામહને તેમના પિતા પાસેથી ઇચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું. જ્યારે તેમણે જોયું કે પાંડવોએ યુદ્ધ જીતી લીધું છે અને હસ્તિનાપુર હવે સુરક્ષિત હાથોમાં છે, ત્યારે તેમણે સૂર્યના ઉત્તરાયણ થવા પર પ્રાણ ત્યાગ કરવાનો નિર્ણય લીધો. સૂર્ય દેવતાના મકર રાશિમાં પ્રવેશ કરતા જ (સૂર્યના ઉત્તરાયણ થતાં જ) ભીષ્મ પિતામહે અર્જુનના બાણથી નીકળેલ ગંગાની ધારાનું રસપાન કર્યું અને પ્રાણનો ત્યાગ કરીને મોક્ષની પ્રાપ્તિ કરી. તે મહા સુદ અષ્ટમીની તિથિ હતી. અને એટલે જ આ દિવસને ભીષ્માષ્ટમીના નામે ઓળખવામાં આવે છે.
ભીષ્માષ્ટમીએ વ્રતથી વિવિધ ફળની પ્રાપ્તિ
નિર્વાણ માટે પિતામહ ભિષ્મએ સ્વયં જ મહા સુદ અષ્ટમીની તિથિ નક્કી કરી હતી. એટલે આ દિવસે કુશ, તલ અને જળથી ભીષ્મ પિતામહને તર્પણ કરવાનું મહત્વ છે. એવું કહેવાય છે કે આજના દિવસે આ ઉપાય કરવાથી મનુષ્યને દરેક પાપકર્મમાંથી મુક્તિની પ્રાપ્તિ થઈ જાય છે. સાથે જ પિતૃઓના આત્માને પણ શાંતિ મળે છે. પ્રચલિત માન્યતા અનુસાર આ દિવસે જે કોઈપણ ગંગાપુત્ર ભીષ્મ માટે આ વ્રત, પૂજા પાઠ અને તર્પણ કરે છે તેમને વીર અને સત્યવાદી સંતાનની પ્રાપ્તિ થાય છે.
ફળપ્રાપ્તિની સરળ વિધિ
⦁ જો તમે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા ઇચ્છતા હોવ કે સંતાનની પ્રાપ્તિની કામના રાખતા હોવ તો આ વ્રત આપના માટે ખૂબ મહત્વનું છે. કારણ કે, મહાભારતના તમામ પાત્રમાં ભીષ્મ પિતામહ વિશિષ્ટ સ્થાન ધરાવતા હતા.
⦁ ભીષ્મ અષ્ટમી પર જળમાં ઊભા રહીને સૂર્ય દેવતાને અર્ઘ્ય અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી પિતૃદોષમાંથી મુક્તિ મળતી હોવાની માન્યતા પ્રચલિત છે.
⦁ આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં ભીષ્માષ્ટમીની મહત્તા વર્ણવતા નીચે અનુસાર શ્લોકનું વર્ણન જોવા મળે છે.
માઘે માસિ સિતાષ્ટમ્યાં સતિલં ભીષ્મતર્પણમ્ ।
શ્રાદ્ધ ચ યે નરાઃ કુર્યુસ્તે સ્યુઃ સન્તતિભાગિનઃ ।।
⦁ એટલે કે ભીષ્મ પિતામહની યાદમાં આજના દિવસે વ્રત, દાન અને તપર્ણ કરવાથી વધુ શુભ બીજું કશું જ નથી.
⦁ દરેક સનાતન ધર્મીએ આજે ભીષ્મ પિતામહને કુશ, તલ અને જળ અર્પણ કરવું જોઇએ. જેમના માતા પિતા જીવીત છે તેમણે અને જેમના માતાપિતા મૃત્યુ પામ્યા છે તેમણે પણ આ કાર્ય કરવું જોઇએ. આ ઉપાય કરવાથી ગુણવાન અને પ્રતિભાવાન સંતાનની પ્રાપ્તિ થાય છે.
⦁ મહાભારતમાં કહેવામાં આવ્યુ છે કે જે વ્યક્તિ મહા સુદ આઠમના દિવસે ભીષ્મ પિતામહને નિમીત્ત તર્પણ, જળદાન કરે છે તેમના દરેક પાપકર્મ નાશ પામે છે. આ તર્પણ કે જળદાન સમયે નીચે જણાવેલ મંત્રનો જાપ કરવો જોઈએ.
વસૂનામવતારાય શન્તરોરાત્મજાય ચ ।
અર્ઘ્યં દદામિ ભીષ્માય આબાલબ્રહ્મચારિણે ।।
શુક્લાષ્ટમ્યાં તુ માઘસ્ય દદ્યાદ્ ભીષ્માય યો જલમ્ ।
સંવત્સરકૃતં પાપં તત્ક્ષણાદેવ નશ્યતિ ।।
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)