શનિ ગ્રહ દર અઢી વર્ષે તેની રાશિ બદલે છે. હમણાં થોડાં સમય પૂર્વે જ, 17 જાન્યુઆરીએ શનિ ગ્રહે મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. જેને લીધે મીન રાશિ પર શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો શરૂ થઇ ગયો છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. જેના પરથી એવી માન્યતા પ્રચલિત છે કે, શનિ હંમેશા અશુભ ફળ જ પ્રદાન કરે છે.
પરંતુ, વાસ્તવમાં એવું નથી હોતું.
શનિદેવ જ્યારે કોઇની પર પ્રસન્ન થાય છે, ત્યારે તેમને ખુશીઓથી ભરી દે છે. પણ જ્યારે તે કોઈ વ્યક્તિથી નારાજ થાય છે, ત્યારે તે વ્યક્તિને અશુભ ફળને ભોગવવું પડે છે. વાસ્તવમાં શનિદેવ એ તો મનુષ્યને માત્ર તેમના કર્મોનું ફળ જ પ્રદાન કરે છે. આવો, આ વાતને વિસ્તારથી સમજીએ અને એ જાણીએ કે આપણાં કેવાં કાર્યોથી શનિદેવ નારાજ થતાં હોય છે.
મજૂરના પૈસા ન રોકવા
શનિદેવ ગરીબ, અસહાય તેમજ કુષ્ઠરોગીઓનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે જો તમે કોઇ મજૂર વ્યક્તિ પાસે કામ કરાવો તો તેમને તેમની મજૂરીના પૈસા સમયસર આપી દો. આવા લોકોને વિના કારણ ક્યારેય પણ પરેશાન ન કરો. તેનાથી શનિદેવ નારાજ થઇ શકે છે અને જ્યારે આપની પનોતી ચાલતી હોય ત્યારે આપે તેના અશુભ ફળ ભોગવવા પડી શકે છે.
ગરીબોનું અપમાન ન કરવું
કેટલાક લોકો જાણી જોઇને ગરીબોનું અપમાન કરતા હોય છે. પરંતુ, ગરીબ લોકો ખૂબ જ આકરી મહેનત કરીને પોતાના જીવનનો નિર્વાહ કરતા હોય છે. એટલે, તેમનું અપમાન ક્યારેય ન કરવું જોઇએ. જે લોકો ગરીબોને પરેશાન કરે છે, તેમને શનિદેવની કુદૃષ્ટિનો ભોગ બનવું પડે છે. તેમજ સમય આવતા તેમણે તેમની ભૂલનું ભયાનક પરિણામ પણ ભોગવવું પડી શકે છે !
ક્યારેય અપશબ્દ ન બોલો
કેટલાક લોકોની ખરાબ આદત હોય છે કે તેઓ તેમના ઘરે કે ઓફિસમાં કામ કરનાર વ્યક્તિઓને અપશબ્દો બોલે છે. નોકર કે મજૂરની કોઇપણ ભૂલ થાય તો તેમને માફ કરી દેવા જોઇએ. તેમને અપશબ્દો તો બિલ્કુલ પણ ન બોલવા જોઈએ. જે લોકો જાણે અજાણે પણ આ પ્રકારની ભૂલો કરે છે, તેમને નજીકના ભવિષ્યમાં તેનું ફળ ભોગવવું પડે છે.
કુષ્ઠરોગીઓની સેવા કરો
શનિદેવ કુષ્ઠરોગીઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે. એટલે શનિદેવને પ્રસન્ન કરવા માટે કુષ્ઠરોગીઓને દાન કરવું જોઇએ. પરંતુ, કેટલાક લોકો કુષ્ઠરોગીઓને જોઈ મોંઢું બગાડતા હોય છે. તેમને ધુત્કારતા હોય છે. પણ, આવું કરવાથી શનિદેવ નારાજ થાય છે. જ્યારે પણ તમે કોઇ કુષ્ઠરોગીને દાન કરો છો અથવા તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવો છો, ત્યારે આપના પર શનિદેવની કૃપા હંમેશા બની રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)