હિન્દુ ધર્મના પૂજા-પાઠમાં કપૂરનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એક માન્યતા અનુસાર તો કપૂર વિના પૂજાપાઠ કરવાથી તે પૂજા પાઠનું ફળ પ્રાપ્ત નથી થતું. કહે છે કે કપૂર પ્રગટાવવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. આ સિવાય તેના ઔષધિય ગુણો પણ અનેક છે. પરંતુ, આજે આપને તેના જ્યોતિષીય ગુણો વિશે જણાવીએ. કપૂર, ભીમસેની કપૂર એટલે કે બરાસ એ વ્યક્તિના વિવિધ સંકટોનું શમન કરી તેની ધન સંપત્તિમાં વૃદ્ધિ કરનારું મનાય છે.
તેની સકારાત્મક ઊર્જાથી તમે માલામાલ પણ થઈ શકો છો ! ત્યારે આવો, તેના વિવિધ લાભ વિશે વિગતે જાણીએ.
અટકેલા કાર્યો પૂર્ણ થશે
જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ અને પિતૃદોષ હોય છે તેમને કાર્યો પૂર્ણ થતા પૂર્વે ઘણા અવરોધોનો સામનો કરવો પડે છે. ઘરમાં સવારે અને સાંજે કપૂર પ્રજવલિત કરવાથી આ દોષમાંથી મુક્તિ મળતી હોવાની માન્યતા પ્રચલિત છે.
આર્થિક સંકટ થશે દૂર !
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમને મહેનત કર્યા બાદ પણ ફળની પ્રાપ્તિ ન થઇ રહી હોય તો આપે શુક્રવારના દિવસે લાલ રંગના ગુલાબના પુષ્પની સાથે કપૂરને પ્રજવલિત કરવુ જોઇએ. તેનાથી માતા દુર્ગા પ્રસન્ન થઇને આપના જીવનના સમસ્ત અવરોધો દૂર કરી દે છે. અને સાથે જ દેવી લક્ષ્મીના આશિષની પ્રાપ્તિથી આર્થિક સંકટો પણ ટળી જાય છે.
શનિદોષને દૂર કરશે કપૂર
જ્યોતિષ શાસ્ત્રમાં આર્થિક પ્રગતિ માટે શનિદોષ બાધારૂપ બની શકે છે. શનિદોષની મુક્તિ માટે શનિવારના દિવસે પાણીમાં કપૂર અને ચમેલીનું તેલ ઉમેરીને સ્નાન કરવાથી વ્યક્તિને શનિદોષમાં રાહત મળે છે. અને આપની આર્થિક સ્થિતિ સુધરે છે.
બીમારીમાંથી મુક્ત કરશે કપૂર !
જો આપના ઘરમાં કોઇ સભ્ય લાંબાગાળાથી બીમારીથી પીડાઈ રહ્યું હોય અને તેની સારવાર માટે ખૂબ જ ખર્ચ થઇ રહ્યો હોય તો ઘરમાં નિત્ય સાંજના સમયે કપૂર પ્રજવલિત કરવું જોઇએ. આ ઉપાય કરવાથી ઘરમાં રહેલ નકારાત્મક ઊર્જા દૂર થઇ જાય છે અને બીમાર વ્યક્તિની તબિયતમાં પણ સુધારો જોવા મળે છે.
વાસ્તુદોષને દૂર કરશે કપૂર !
વાસ્તુ શાસ્ત્રમાં કપૂરને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. કહેવાય છે કે વાસ્તુદોષવાળા સ્થાન પર કપૂર મૂકીને તેને કેટલાક કલાકો સુધી પ્રજવલિત રહેવા દઇએ તો તે ઘરમાંથી વાસ્તુદોષ નાશ પામે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)