fbpx
Monday, December 23, 2024

તુલસીના છોડનું સુકાવું અશુભ માનવામાં આવે છે! ક્યાંક તમે આવી ભૂલ તો નથી કરતા ને?

ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. પણ, તમે જોયું હશે કે કેટલાંક ઘરમાં ક્યારેય તુલસીનો છોડ સુંદર રીતે પાંગરતો જ નથી ! તેની ખૂબ જ માવજત કરવામાં આવે તો પણ તુલસીનો છોડ સુકાઈ જતો હોય છે. એવી માન્યતા છે કે સુકાઈ ગયેલો તુલસીનો છોડ જીવનમાં ઘણા પ્રકારના કષ્ટો લાવે છે.

ત્યારે, વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડને લઇને ઘણા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ ઉપાયો અજમાવવાથી આપના ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલીનું આગમન થવાની માન્યતા પ્રચલિત છે. આવો, આપણે પણ આવા જ ઉપાયો વિશે જાણીએ.

તુલસી માહાત્મ્ય

શાસ્ત્રો અનુસાર તુલસીનો છોડ ખૂબ પવિત્ર મનાય છે. આપણે તુલસીને પણ માતા તરીકે પૂજીએ છીએ. પૂજા પાઠ અને ધાર્મિક અનુષ્ઠાનમાં તુલસીના પાનનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. અને એટલે જ એવી માન્યતા પ્રચલિત છે કે તુલસીને પ્રસન્ન કરવાથી આપને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્‍મીની કૃપાની પણ પ્રાપ્તિ થાય છે. તો બીજી તરફ જે ઘરમાં તુલસીના છોડનો અનાદર થાય છે ત્યાં માતા લક્ષ્‍મી નિવાસ નથી કરતા. એમાં પણ ઘરનો તુલસીનો છોડ જો સુકાઈ જાય તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

ઘરના કયા સ્થાન પર લગાવશો તુલસીનો છોડ ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડને ઘરની ઉત્તર, પૂર્વ કે પછી ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવો જોઇએ. આ દિશા સકારાત્મક ઊર્જા લાવનાર દિશા મનાય છે. કહે છે કે આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં ખુશહાલીનું આગમન થાય છે, સાથે જ તુલસીના છોડનો પણ વિકાસ થાય છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ભૂલથી પણ ન લગાવવો જોઈએ. તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

કેવી રીતે રોપશો તુલસીનો છોડ ?

તુલસીના છોડના રોપણ વિશે વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે આ છોડને ક્યારેય સીધો જમીનમાં ન લગાવવો જોઇએ. પરંતુ, તેને કોઇ કુંડામાં લગાવવો જોઇએ. આ જ તુલસીના રોપણની સાચી રીત છે. તુલસીના છોડની સારી રીતે સંભાળ રાખવી, નિત્ય પૂજા કરવી અને પરિક્રમા કરવી ! તુલસીના છોડ પર સ્વસ્તિક, ચક્ર અને ઓમકારનું પ્રતિક લગાવવું પણ ખૂબ જ શુભ મનાય છે.

તુલસીમાં ક્યારે જળ અર્પણ ન કરવું ?

ધાર્મિક શાસ્ત્રો અનુસાર તુલસીના છોડમાં રવિવારના દિવસે જળ અર્પણ ન કરવું જોઈએ. આ સિવાય એકાદશી, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ અને ગુરુવારના દિવસે તુલસીના છોડમાં જળ અર્પણ ન કરવું જોઇએ. નહીં તો માતા લક્ષ્‍મી અને ભગવાન વિષ્ણુ બંનેના કોપનો ભોગ બનવું પડશે.

શું રાખશો ખાસ ધ્યાન ?

તુલસીના છોડને જે સ્થાન પર રાખ્યો હોય તે સ્થાનને હંમેશા જ સ્વચ્છ રાખવું જોઈએ. આ જગ્યા પર કોઇપણ પ્રકારની ગંદકી ન કરવી જોઇએ. માન્યતા એવી છે કે તુલસીના છોડની સારી રીતે સંભાળ રાખવાથી તેમાંથી સકારાત્મક ઊર્જા પ્રવાહિત થાય છે અને તે ઘરને પણ સકારાત્મક ઊર્જાથી ભરી દે છે.

જ્યારે તુલસી સુકાઇ જાય ત્યારે શું કરવું ?

ઘણીવાર ખૂબ જ માવજત છતાં તુલસીનો છોડ સુકાઇ જતો હોય છે. આવા સંજોગોમાં તેને બિલ્કુલ પણ ઘરમાં ન રાખવો જોઇએ. અલબત્, તેને ગમે ત્યાં ન ફેંકવો જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ છોડને પ્રવાહિત જળમાં પધરાવી દેવો જોઇએ. કોઇ તળાવમાં પણ તેને પ્રવાહિત કરી શકાય છે. જો કે તુલસીના છોડને રવિવારના દિવસે પ્રવાહિત ન કરવો. એક ખાસ વાત ધ્યાનમાં રાખવી કે જો તમે તુલસીના છોડને પ્રવાહિત કરી દો છો તો તેના સ્થાને નવો તુલસીનો છોડ જલ્દી જ લગાવી દેવો જોઇએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles