વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો દિશાઓને ધ્યાનમાં રાખીને ઘરની રચના થાય તે ખૂબ જ જરૂરી છે. પરંતુ, તે જ રીતે ઘરમાં ઉપયોગમાં લેવાતી વિવિધ વસ્તુઓનું પણ આગવું મહત્વ છે. તમે જ્યારે કોઈ મંદિરમાં કે ધાર્મિક જગ્યા પર જાવ છો ત્યારે જૂતા કે ચંપલ બહાર કાઢીને જ તેમાં પ્રવેશ કરતા હોવ છો.
પણ, શું તમને એ ખબર છે કે આપણાં ઘરમાં પણ કેટલીક એવી જગ્યાઓ છે કે જ્યાં જૂતા કે ચંપલ પહેરીને જવાનો વાસ્તુશાસ્ત્રમાં નિષેધ છે ! આવો, આજે તે વિશે જાણીએ.
લૌકિક માન્યતા અનુસાર તો ઘરમાં ચંપલ પહેરવા જ ન જોઈએ. પરંતુ, કોઈ કારણસર જો ચંપલ પહેરવા પડે તેમ હોય તો પણ, ઘરના કેટલાંક ખાસ સ્થાન પર તો ચંપલ ન જ પહેરવા જોઈએ. આ ઘરના એવાં સ્થાન છે કે જ્યાં જૂતા પહેરીને જવાથી તમારે વાસ્તુદોષનો સામનો કરવો પડી શકે છે. એવાં ચાર સ્થાન છે કે જ્યાં ચંપલ પહેરીને જવું ખૂબ જ અશુભ મનાય છે અને તેને લીધે તમારે મુસીબતનો પણ સામનો કરવો પડી શકે છે.
ઘરનું મંદિર
દરેક વ્યક્તિના ઘરમાં એક મંદિર તો હોય જ છે. વાસ્તવમાં તો આ મંદિરના લીધે જ સમગ્ર ઘર અને પરિવાર સકારાત્મક ઊર્જાથી ભરેલો રહે છે. એટલે ઘરના આ પૂજા રૂમમાં જૂતા પહેરીને ન જ જવું જોઇએ. જો પૂજારૂમ અલગ ન હોય તો યાદ રાખો કે પૂજાઘરની આસપાસ તો ચંપલ પહેરીને ન જ ફરવું જોઈએ. માન્યતા અનુસાર જૂતા પહેરીને મંદિરની નજીક જવાથી તેમાં બિરાજમાન દેવી-દેવતા નારાજ થઈ જાય છે. તેને લીધે આપે ધન, ધાન્ય અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ઘરની તિજોરી
ઘરની તિજોરી એટલે એ સ્થાન કે જ્યાં આપણે ધન રાખીએ છીએ. ધનમાં માતા લક્ષ્મીનો વાસ મનાય છે. એટલે જ એવી માન્યતા પ્રચલિત કે છે કે તિજોરીની આસપાસ ક્યારેય જૂતા પહેરીને ફરવું ન જોઇએ. જો તમે આવું કરો છો, તો તમારે માતા લક્ષ્મીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે !
ઘરનું રસોડું
વાસ્તુશાસ્ત્રમાં ઘરનું રસોડું ખૂબ મહત્વપૂર્ણ સ્થાન મનાય છે. તે પૂજાઘર જેટલું જ પવિત્ર મનાય છે. કારણ કે, ઘરના આ જ સ્થાન પરથી પરિવારજનોનું પોષણ થાય છે. એ અન્ન જ છે જે મનુષ્યના સ્વાસ્થ્ય, સ્વભાવ અને મન પર અસર કરે છે. વળી, રસોડામાં દેવી અન્નપૂર્ણા તેમજ અગ્નિદેવતા નિવાસ કરે છે. કહે છે કે રસોડામાં જૂતા પહેરીને જવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને વાસ્તુદોષનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, માન્યતા તો એવી પણ છે કે ચંપલ પહેરીને ક્યારેય પણ ભોજન ન જ બનાવવું જોઈએ.
ઘરનો સ્ટોર રૂમ
ઘરનો સ્ટોર રૂમ કે ભંડાર રૂમ તે એ સ્થાન છે કે જ્યાં આપણે અનાજ, કરિયાણું તેમજ જરૂરિયાતની વસ્તુઓનો સંગ્રહ કરીએ છીએ. આ સ્થાન રસોડાની જેમજ પવિત્ર મનાય છે. માન્યતા અનુસાર આ સ્થાન પર જૂતા પહેરવાથી આપના ઘરમાં વસ્તુઓની અછત સર્જાઈ શકે છે. એવું પણ બની શકે કે તમે જરૂરિયાતની વસ્તુઓ ન વસાવી શકો અથવા તો તે વસાવવા માટે તમારે અનેક મુસીબતોનો સામનો કરવો પડે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)