fbpx
Sunday, January 12, 2025

આજે મોઢેશ્વરી માતાનો પ્રાગટ્ય દિવસ છે! જાણો શ્રીમાતાના માતંગી બનવાની અદ્ભુત કથા

માતા મોઢેશ્વરીનું નામ બોલતા જ ગુજરાતના મોઢેરામાં વિદ્યમાન દેવીનું અત્યંત તેજોમય મુખારવિંદ તેમના ભક્તોની સમક્ષ આવી જતું હોય છે. વિશાળ ભાલ, દિવ્ય આભા અને અઢાર ભુજાઓ સાથેનું મા મોઢેશ્વરીનું આવું દિવ્ય રૂપ બીજે ક્યાંય જોવા નથી મળતું. મોઢ જ્ઞાતિના કુળદેવી રૂપે પૂજાતા માતા મોઢેશ્વરી એ માતંગી માતાના નામે પણ પ્રસિદ્ધ છે.

પ્રચલિત કથા અનુસાર તેમના ભક્તોની રક્ષાર્થે મહા સુદ તેરસના અવસરે માએ આ દિવ્ય રૂપ ધારણ કર્યું હતું. એટલે કે, આજે માતાનો પ્રાગટ્ય દિવસ છે. ત્યારે, આવો જાણીએ માતાના આ દિવ્ય રૂપનો મહિમા. અને સાથે જ એ પણ જાણીએ કે શ્રીમાતા શા માટે બન્યા માતંગી ?

સ્થાનક મહિમા

ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં સ્થિત આ પવિત્ર સ્થાનકની મહત્તાનું વર્ણન સ્કંદ મહાપુરાણના બ્રાહ્મખંડના ધર્મારણ્યમાહાત્મ્યમાં જોવા મળે છે. જે અનુસાર સતયુગમાં આ સ્થાન ધર્મારણ્યક્ષેત્રના નામે પ્રસિદ્ધ હતું. ધર્મરાજ એટલે કે યમરાજે અહીં ઘોર તપસ્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા. શિવજીએ બે યોજન વિસ્તારવાળુ આ સમગ્ર તીર્થક્ષેત્ર ધર્મરાજાના નામે જ પ્રસિદ્ધ થવાના આશીર્વાદ આપ્યા. ત્રેતાયુગમાં આ સ્થાન સત્યમંદિર, દ્વાપરયુગમાં બેદભુવન તેમજ કળિયુગના પ્રારંભમાં મોહેસપુર કે મોહરકપુરના નામે પ્રસિદ્ધિ પામ્યું. અને આજે તે મોઢેરાના નામે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. મોઢેરા જેટલું અહીંના પ્રસિદ્ધ સૂર્ય મંદિર માટે ખ્યાત છે, એટલું જ અહીંની અધિષ્ઠાત્રી માતા મોઢેશ્વરીના મંદિર માટે વિખ્યાત છે.

તેજોમય માતા મોઢેશ્વરી

માતા મોઢેશ્વરીના સ્થાનકની સૌથી મોટી વિશેષતા એ છે કે, તમે મુખ્ય મંદિરમાં પ્રવેશ બાદ ગમે તે દિશામાં ઉભા હોવ તમને દૂરથી જ માના ભવ્ય અને અત્યંત દિવ્ય રૂપના દર્શન થશે. માતા મોઢેશ્વરી જ માતા માતંગી અને શ્રીમાતાના નામે પણ પૂજાય છે. આદિશક્તિનું મોઢેશ્વરી સ્વરૂપ એ મૂળે તો અસુરવિનાશીની સ્વરૂપ મનાય છે. મા મોઢેશ્વરીને અઢાર ભુજાઓ છે. આ અઢાર ભુજામાં દેવીએ ધનુષ્ય, બાણ, ખેટક, ખડગ, કુહાડી, ગદર, પરિઘ, શંખ, ઘટ, પાશ, કટાર, છરી, ત્રિશૂલ, મદ્યપાત્ર, અક્ષમાળા, શક્તિ, તોમર અને મહાકુંભ ધારણ કર્યા છે. મોઢેશ્વરીનો મોઢ શબ્દ મા અને ઊઢ શબ્દથી બનેલો છે. જેમાં મા એટલે સાત્વિકશક્તિ અને ઊઢનો અર્થ થાય છે સંપન્ન. એટલે કે, જેનામાં ભરપૂર સાત્વિક શક્તિ સમાયેલી છે તેવી ઈશ્વરી શક્તિ એટલે મોઢેશ્વરી. મોઢેશ્વરીને માતાને કુલામ્બા તરીકે પૂજનારા ભાવિકો મોઢ તરીકે પ્રસિદ્ધ થયા છે.

શ્રીમાતા રૂપે કર્યું હતું પ્રાગટ્ય !

સ્કંદ મહાપુરાણના બ્રાહ્મખંડના ધર્મારણ્યમાહાત્મ્યના અધ્યાય ઓગણત્રીસમાં દેવીના આ ધરા પર આગમનની કથાનું વર્ણન મળે છે. જે અનુસાર ધર્મારણ્યક્ષેત્રની અને આ ક્ષેત્રમાં વસતા બ્રાહ્મણોની સુરક્ષા માટે બ્રહ્માજીએ તેમના મુખમાંથી શ્રીમાતાને પ્રગટ કર્યા. ‘શ્રી’નો એક અર્થ લક્ષ્‍મી થાય છે. અને એટલે જ ‘શ્રીમાતા’ એ મહાલક્ષ્‍મીનું સ્વરૂપ મનાય છે. પ્રાગટ્ય સમયે શ્રીમાતાએ એક હાથમાં કમંડલ અને બીજા હાથમાં પુસ્તક ધારણ કર્યું હતું. દેવીનું આ રૂપ માતા સરસ્વતીનું ભક્તોને સ્મરણ કરાવે છે. પણ, આજનું દેવીનું માતંગી રૂપ ભક્તોને રુદ્રાણીની યાદ અપાવે છે. એટલે કે, દેવીના આ એક જ રૂપમાં માતાના ત્રણ રૂપ સમાહિત મનાય છે ! પણ, દેવી શ્રીમાતામાંથી માતંગી કેવી રીતે બન્યા તેની સાથે પણ એક રોચક કથા જોડાયેલી છે.

દેવીના ‘માતંગી’ બનવાની ગાથા

પ્રચલીત માન્યતા અનુસાર ધર્મારણ્યક્ષેત્રમાં શ્રીમાતાના સાનિધ્યમાં સુરક્ષિત રહી બ્રાહ્મણો યજ્ઞ-યજ્ઞાદિ કાર્ય કરતા. આમ, સેંકડો વર્ષ પસાર થઈ ગયા. પરંતુ, એકવાર કર્ણાટ નામના એક અસુરે ધર્મારણ્યમાં આવી બ્રાહ્મણોને પજવવાનું શરૂ કરી દીધું. બ્રાહ્મણોએ દેવીનું શરણું લીધું. આખરે, કર્ણાટના વધ માટે શ્રીમાતાએ અત્યંત ઉગ્ર માતંગી રૂપ ધારણ કર્યું. દેવીનું આ રૂપ સ્હેજ શ્યામવર્ણનું હતું. પણ, અત્યંત સ્વરૂપવાન હતું. સિંહ પર સવાર દેવીએ રક્તવર્ણા વસ્ત્ર અને તેવી જ માળા ધારણ કરી હતી. તેમણે કર્ણાટનો વધ કરી લોકોને તેના આતંકથી મુક્તિ અપાવી. અને પછી એ જ રૂપે આ ધરા પર પ્રસ્થાપિત થયા.

દસ મહાવિદ્યામાંથી એક !

દેવી માતંગી દસ મહાવિદ્યામાંથી પણ એક મનાય છે. કહે છે કે તે તો ‘જડબુદ્ધિ’ને પણ વિદ્વાન બનાવી દે છે. માન્યતા અનુસાર જે સાધક એકવાર માતંગી વિદ્યાને સિદ્ધ કરી લે છે તેને વાદ-વિવાદમાં કોઈ જ હરાવી શકતું નથી. આજે “ૐ હ્રીં ક્લીં હૂં માતંગ્યૈ ફટ્ સ્વાહા ।” મંત્રનો 108 વખત જાપ કરી દેવીની વિશેષ કૃપાને પ્રાપ્ત કરી શકાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles