હિંદુ પંચાંગ અનુસાર મહા સુદ પૂનમની તિથિને માઘી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આમ તો, સનાતન ધર્મમાં પૂનમનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જ્યોતિષીય માન્યતા અનુસાર આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશહાલી આવે છે. પરંતુ, આ તમામ પૂર્ણિમામાં માઘી પૂર્ણિમા સવિશેષ ફળદાયી મનાય છે. વાસ્તવમાં આ માઘ સ્નાનની સમાપ્તિનો પણ અવસર છે.
ખાસ વાત એ છે કે આ વખતે માઘી પૂર્ણિમા 5 ફેબ્રુઆરી, રવિવારે છે. રવિવાર અને પૂનમનો સંયોગ મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવનારો છે. ત્યારે આવો એ જાણીએ કે આ દિવસે કરેલા કયા ખાસ ઉપાય તમારી તમામ આર્થિક સમસ્યાનું નિવરાણ કરી દેશે !
માઘી પૂર્ણિમા
ગુજરાતી પંચાંગ અનુસાર આ મહિનો મહા માસ તરીકે ઓળખાય છે. તો, ઉત્તર ભારતમાં તેને માઘ માસ કહે છે. માઘ માસ માઘી પૂર્ણિમાએ પૂર્ણ થાય છે અને તે સાથે જ માઘ સ્નાનની પણ સમાપ્તિ થાય છે. એવી માન્યતા પ્રચલિત છે કે આ તિથિએ દેવી-દેવતા સ્વર્ગ પરથી પૃથ્વી પર આવે છે અને ભગવાન વિષ્ણુ આ દિવસે ગંગા નદીમાં વાસ કરે છે. કહે છે કે આ દિવસે જો તમે નિયમપૂર્વક શ્રીહરિનું પૂજન કરો છો અને કેટલાક સરળ ઉપાયો અજમાવો છો તો આપના જીવનમાં સદૈવ ખુશહાલી રહે છે.
પવિત્ર નદીમાં સ્નાન કરો
માઘી પૂર્ણિમાએ માઘ સ્નાનની સમાપ્તિ થાય છે. એટલે, આ દિવસે આપે ગંગા કે ગંગા સમાન પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. માન્યતા અનુસાર તેનાથી આપના તમામ પાપ નષ્ટ થઈ જશે અને મૃત્યુ બાદ મોક્ષની ગતિ પ્રાપ્ત થશે. આ દિવસે જો તમે નદીમાં સ્નાન ન કરી શકતા હોવ તો સ્નાનના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી આપની તમામ મનોકામના પૂર્ણ થશે. જો તમે સૂર્યોદય પહેલા સ્નાન કરો છો તો આપના માટે તે ખૂબ જ લાભદાયી બને છે.
સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો
માઘી પૂનમે સૂર્ય દેવતાને જરૂરથી અર્ઘ્ય અર્પણ કરવું જોઇએ. આ દિવસે ઉગતા સૂર્યને જળ અર્પણ કરીને આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવા શુભ માનવામાં આવે છે. આ ઉપાયથી આપના ઘરમાં આર્થિક સ્થિતિ સારી રહેશે અને ધન પ્રાપ્તિના માર્ગ પણ ખુલી જશે. માન્યતા અનુસાર જો માઘી પૂનમે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતા સમયે તેમાં અક્ષત અને કુમકુમ ઉમેરવામાં આવે તો તેનાથી પ્રાપ્ત થનાર ફળ બેગણું થઈ જાય છે !
લક્ષ્મીનારાયણની પૂજા
પૂનમના દિવસે ખાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે. પરંતુ, માઘી પૂનમે લક્ષ્મી-નારાયણની એકસાથે પૂજા કરવાનો મહિમા છે. યાદ રાખો, કે માઘી પૂનમે શ્રીહરિને ચંદનનું તિલક જરૂરથી લગાવવું. માન્યતા અનુસાર પૂનમે આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય ધનની ખોટ નથી સર્જાતી. સાથે જ વ્યક્તિની પ્રગતિનો માર્ગ પણ ખુલી જાય છે.
સફેદ વસ્તુનું દાન કરો
માઘી પૂનમે કરવામાં આવતું દાન વિશેષ ફળદાયી બની રહેશે. આ દિવસે મુખ્યપણે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. તેનાથી સફળતાના યોગ બને છે. આ પૂનમના દિવસે ચોખા, ખાંડ કે અન્ય સફેદ વસ્તુઓનું દાન કોઇ જરૂરિયાતમંદને કરવું જોઈએ. માઘી પૂનમે કરેલું સફેદ વસ્તુઓનું દાન આપના ભવિષ્યને ઉજ્જવળ બનાવી દેશે.
બીમારીથી મુક્તિ અર્થે
આ વખતે માઘી પૂર્ણિમા અને રવિવારનો શુભ સંયોગ સર્જાયો છે. જો ઘરમાં સતત કોઈ બીમાર રહેતું હોય તો આ દિવસે જરૂરથી એક ઉપાય અજમાવવો. પૂનમે પલાશના ઝાડના મૂળ ઘરમાં લાવીને તેને સુતરાઉના દોરાથી લપેટી લો. ત્યારબાદ તેને બીમાર વ્યક્તિના જમણા હાથના કાંડા પર બાંધી લો. માન્યતા અનુસાર રવિવાર અને પૂનમના શુભ સંયોગ પર આ કાર્ય કરવાથી વ્યક્તિને બીમારીમાં રાહતની પ્રાપ્તિ થાય છે.
સુવર્ણની ખરીદી બનશે શુભદાયી
પૂનમના દિવસે રવિ પુષ્ય યોગ બનવા જઇ રહ્યો છે. એટલે, આ દિવસે સુવર્ણની ખરીદી કરવી ખૂબ જ શુભ બની રહેશે. આ દિવસે સુવર્ણ ખરીદીને તેને પોતાના ઘરના મંદિરમાં માતા લક્ષ્મીને અર્પણ કરવું. તેનાથી આપના જીવનમાં માતા લક્ષ્મીની કૃપા રહેશે તેમજ તમારી વૃદ્ધિ થશે.
સત્યનારાયણની કથાનો મહિમા
દર પૂર્ણિમાના અવસરે સત્યનારાયણની કથા સાંભળવી ફળદાયી બની રહે છે અને માઘી પૂર્ણિમાએ તો તે વિશેષ ફળદાયી બને છે. જો તમે ઘરમાં જ સત્યનારાયણની કથા કરો છો તો તે આપના માટે ખૂબ જ શુભ બને છે. આ દિવસે સહપરિવાર સત્યનારાયણની કથા કરવી અને સાંભળી જોઈએ. ત્યારબાદ તેનો પ્રસાદ વહેંચવો. કહે છે કે આ કાર્યથી આપના જીવનમાં ધનના યોગ બને છે.
ચંદ્રની પૂજા કરો
પૂનમના દિવસે ચંદ્ર તેની 16 કળાએ દર્શન આપે છે. એટલે, આ દિવસે ચંદ્રની પૂજા કરવાથી કારકિર્દીમાં સફળતા અને સારી નોકરીના યોગ બને છે. આ દિવસે જો તમે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરો છો તો તે તમારા માટે વધુ ફળદાયી બની રહે છે. ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે. એટલે, ચંદ્રની પૂજા કરવાથી આપને બુદ્ધિ અને વિકાસના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
ધન પ્રાપ્તિ અર્થે વિશેષ ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ પૂનમની રાત્રે વિધિ વિધાનથી એક ખાસ પૂજા કરવાથી આપને આર્થિક સમસ્યાથી છૂટકારો મળશે. આ માટે મધ્યરાત્રિએ માતા લક્ષ્મીને 11 કમળગટ્ટા અને અષ્ટલક્ષ્મીને અષ્ટગંધ પ્રદાન કરો. ત્યારબાદ શ્રીસૂક્તનો પાઠ કરો. માન્યતા અનુસાર આમ કરવાથી માતા લક્ષ્મીની આપ પર કૃપા વરસશે. અને ધન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)