હિન્દુ ધર્મમાં ભગવાનને મૂર્તિના સ્વરૂપમાં પૂજવામાં આવે છે. લોકો પોતાના ઘરમાં મૂર્તિની સ્થાપના કરે છે અને દિવસમાં એક કે બે વાર તેની પૂજા કરે છે. વળી, કેટલાંક લોકોને મન તો તેમના આરાધ્યની પ્રતિમા જ તેમના માટે સર્વસ્વ હોય છે. પરંતુ, ઘણીવાર ગમે તે કારણસર મૂર્તિ ખંડિત થઇ જતી હોય છે. પણ, શું તમે એ જાણો છો કે એક ખંડિત મૂર્તિ કે વિગ્રહનું ઘરમાં રહેવું બિલ્કુલ પણ શુભ નથી મનાતું ?
વાસ્તુ શાસ્ત્રના જાણકારોના જણાવ્યા અનુસાર ઘરમાં રહેલ ખંડિત મૂર્તિ નકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે જે ઘર માટે વિનાશકારી પણ સાબિત થઈ શકે છે ! ત્યારે આજે એ જાણીએ કે પૂજાઘરની મૂર્તિ ખંડિત થાય ત્યારે શું કરવું જોઈએ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ?
મૂર્તિ ખંડિત થવા પાછળ શું છે માન્યતા ?
મૂર્તિ ગમે તે કારણસર ખંડિત થઈ શકે છે. પરંતુ, મૂર્તિ શા માટે ખંડિત થાય છે, તેની સાથે એક રોચક માન્યતા જોડાયેલી છે. એક માન્યતા અનુસાર જ્યારે મૂર્તિ તેની મેળે જ તૂટી જાય છે, અથવા તો કોઈ કારણસર ખંડિત થાય છે, તો તેનો અર્થ એ છે કે આપના ઘર કે પરિવાર પર કોઇ મોટી આફત આવવાની હતી. જેને ઘરની સૌથી દિવ્ય શક્તિ એટલે કે પ્રતિમાએ પોતાના ઉપર લઇ લીધી છે ! તે પ્રતિમાને લીધે જ પરિવાર પરની મુસિબત ટળી ગઈ છે, પણ, મૂર્તિ ખંડિત થઈ ગઈ છે !
ખંડિત મૂર્તિને બદલવી જરૂરી !
જો ઘરના પૂજાસ્થાનમાં રહેલી મૂર્તિ ખંડિત થઇ જાય છે તો તમારે જેમ બને તેમ જલ્દી જ તેને બદલવી જોઈએ. કારણ કે, ખંડિત મૂર્તિની ક્યારેય પૂજા કરવામાં નથી આવતી. તે અશુભ મનાય છે. તમે ઘરના મંદિરમાંથી તે ખંડિત મૂર્તિ દૂર કરીને તેના સ્થાને નવી મૂર્તિ સ્થાપિત કરી શકો છો. ભગવાનની નવી મૂર્તિ તમને અને તમારા ઘર-પરિવારને સમસ્યાઓથી બચાવશે !
ખંડિત મૂર્તિનું શું કરવું ?
⦁ જ્યારે ઘરની કોઈ પ્રતિમા ખંડિત થાય છે ત્યારે તેના સ્થાને નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. પણ, પછી પ્રશ્ન થવો સ્વભાવિક છે કે આખરે, ખંડિત પ્રતિમાનું શું કરવું ? તો, શાસ્ત્રોમાં તેના સંબંધી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે.
⦁ જો તમે કોઇ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય અને તે તૂટી જાય તો તમે તે મૂર્તિને નજીકના કોઈ મંદિરમાં મૂકી આવી શકો છો. મંદિરમાં રહેલ પંડિત કે બ્રાહ્મણ આપને તેના વિશે યોગ્ય માહિતી અને સલાહ આપશે.
⦁ જો આપે મૂર્તિની સ્થાપના સમયે કોઇ પ્રાણ પ્રતિષ્ઠા નથી કરી તો આપ તે મૂર્તિને કોઇ નદી, તળાવ કે જળાશયમાં વિસર્જિત પણ કરી શકો છો. યાદ રાખો, કે તેને પ્રવાહિત જળમાં વિસર્જીત કરવું વધુ યોગ્ય રહેશે.
⦁ જો ખંડિત મૂર્તિ કે વિગ્રહ ધાતુમાંથી નિર્મિત હોય તો તમે તેને પીપળાના વૃક્ષની નીચે પણ રાખી શકો છો.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)