ઘરની સુખ-સમૃદ્ધિ અને ખુશહાલીને અકબંધ રાખવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણાંબધાં ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. ઘરની દિશા અને દશા સિવાય પણ વાસ્તુશાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો છે જે કરવાથી આપનું જીવન સુખમય બની શકે છે. રસપ્રદ વાત એ છે કે ઘરનું ઝાડુ પણ તેમાંથી જ એક છે ! ઝાડુ સંબંધી અલગ અલગ માન્યતાઓ પ્રચલિત છે.
એક માન્યતા એવી છે કે ઝાડુમાં માતા લક્ષ્મીનો નિવાસ છે. માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. એ કારણથી જો તમે ઝાડુને સારી અને સાચી રીતે ન રાખો અથવા તો યોગ્ય દિવસે ઝાડુની ખરીદી ન કરો તો કહે છે કે માતા મહાલક્ષ્મી નારાજ પણ થઈ શકે છે ! અને તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ત્યારે આવો જાણીએ કે ઝાડુ સંબંધી કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું છે ખૂબ જ જરૂરી ?
ઝાડુ ક્યાં અને કેવી રીતે રાખવું ?
માન્યતા અનુસાર ઝાડુને ઘરના કોઇ એક ખૂણામાં એવી રીતે રાખવું જોઇએ કે જતા આવતા તેની ઉપર નજર ન પડે. કહેવાય છે કે, જે રીતે આપણે પૈસાને સાચવીને રાખીએ છીએ એ જ રીતે ઝાડુને પણ સાચવીને રાખવું જોઇએ. આ સિવાય ઝાડુ ક્યારેય ઊભુ ન રાખવુ કે ઊંધુ પણ ન રાખવું જોઈએ. ઝાડુ આખું જમીનને અડીને રહે તે જ રીતે તેને ગોઠવવું જોઈએ.
અહીં ઝાડુ ક્યારેય ન રાખવું
ઝાડુને જમવાવાળા રૂમમાં ક્યારેય પણ ન રાખવું જોઇએ. માન્યતા અનુસાર જો ઝાડુ જમવાના રૂમમાં રાખવામાં આવે તો ઘરમાં દરિદ્રતાનું આગમન થાય છે. એટલું જ નહીં, પરિવારમાં આર્થિક સંકટોનો પણ સામનો કરવો પડી શકે છે.
ઝાડુ ક્યારે ખરીદવું જોઈએ ?
ઝાડુ ખરીદવાની વાત આવે એટલે એવા 2 દિવસ ધ્યાનમાં આવે કે જ્યારે ઝાડુ ખરીદવુ અશુભ માનવામાં આવે છે. એક છે સોમવાર. આ દિવસે ઝાડુ ખરીદવું અશુભ માનવામાં આવે છે. બીજો વાર છે શનિવાર. કહે છે કે શનિવારના દિવસે ક્યારેય ઝાડુ ન ખરીદવું જોઇએ. કારણ કે, શનિવાર એ શનિદેવનો દિવસ મનાય છે. કહે છે કે આ દિવસે ઝાડુ ખરીદવાનું તેમજ ફેંકવાનું પણ અશુભ ફળ મળે છે. એટલે જ્યારે ઝાડુ ખરીદવું પડે તેમ હોય ત્યારે આ બે વાર છોડીને જ તેની ખરીદી કરવી.
નવા ઘરમાં નવું ઝાડુ !
જ્યારે તમે નવા ઘરમાં પ્રવેશ કરો, તો યાદ રાખો, કે ત્યાં સફાઈ માટે નવા ઝાડુનો જ ઉપયોગ કરવો. આવું કરવું એ સકારાત્મકતાનો સંકેત મનાય છે. એટલે, નવા ઘરમાં તૂટેલા કે જૂના ઝાડુ ક્યારેય પણ ન રાખવા જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)