fbpx
Monday, December 23, 2024

સ્વસ્તિકને સ્વયં શ્રી ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે, હિન્દુ ધર્મની આ 10 પરંપરાઓ પાછળ છુપાયેલું છે અદ્ભુત રહસ્ય!

હિન્દુ ધર્મમાં પૂજા સમયે કેટલીક બાબતોનું અનિવાર્યપણે પાલન કરવામાં આવે છે. જેમ કે સંકલ્પ, મંત્ર, પ્રસાદ, સ્વસ્તિક, કળશ, શંખનાદ, આચમન, તુલસી, સિંદૂર, અને ચરણ સ્પર્શ. તો ચાલો, આજે એ જાણીએ કે હિન્દુ ધર્મ સાથે જોડાયેલી આ પરંપરાઓ પાછળ શું રહસ્ય છૂપાયેલું છે ? અને શું છે તેની પૌરાણિક મહત્તા ?

સંકલ્પની જરૂરિયાત

ધાર્મિક કાર્યોમાં શ્રદ્ધા ભક્તિ, વિશ્વાસ અને તન્મયતાની સાથે તેને પૂર્ણ કરવાની શક્તિ પણ હોવી જોઈએ. આ શક્તિનું નામ જ સંકલ્પ શક્તિ છે. દાન અને યજ્ઞ જેવા સત્કર્મોનું પુણ્યફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તેને સંકલ્પ સાથે પૂર્ણ કરવામાં આવ્યું હોય. કામનાઓનું મૂળ સંકલ્પ જ છે અને યજ્ઞ સંક્લ્પથી જ પૂર્ણ થાય છે.

મંત્રોનું મહત્વ

હિન્દુ ધર્મમાં મંત્રજાપનો અદકેરો મહિમા રહેલો છે. વાસ્તવમાં દેવી-દેવતાઓ મંત્રોના આધીન હોય છે. મંત્રોના ઉચ્ચારણથી ઉત્પન્ન થતી શબ્દ શક્તિ, સંકલ્પ અને શ્રદ્ધાબળથી ઊર્જા દ્વિગુણિત થઈ જાય છે. માન્યતા અનુસાર તે અંતરીક્ષમાં રહેલા ઇશ્વરના સંપર્કમાં આવે છે. અને પછી તે જ એક શક્તિ બનીને સિદ્ધિ પ્રદાન કરે છે !

કેમ અર્પણ કરાય છે પ્રસાદ ?

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, “હે મનુષ્ય ! તુ જે પણ આરોગે છે અથવા તો દાન કરે છે, હોમ-યજ્ઞ કરે છે, જપ-તપ કરે છે, તે તુ સર્વપ્રથમ મને અર્પણ કર !” એ જ કારણ છે કે પ્રભુને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. પ્રસાદના માધ્યમથી આપણે ઇશ્વર પ્રતિ આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. તેના સિવાય પણ ભગવાન પ્રતિ આસ્થાવાન થવાનો ભાવ પણ પ્રસાદમાં રહેલો છે.

પૂજામાં સ્વસ્તિકનો મહિમા

ગણેશ પુરાણમાં કહેવામાં આવ્યુ છે કે સ્વસ્તિકનું નિશાન એ ભગવાન ગણેશનું જ સ્વરૂપ છે ! એટલે કે, સ્વસ્તિકમાં દરેક વિધ્ન, અવરોધ અને અમંગળ દૂર કરવાની શક્તિ છે ! જાણકારોના અનુસાર સ્વસ્તિકને અવિનાશી બ્રહ્મની સંજ્ઞા આપવામાં આવી છે. તેને ધનની દેવી લક્ષ્‍મી એટલે કે ‘શ્રી’નું પ્રતિક પણ માનવામાં આવે છે. ઋગ્વેદમાં એક રૂચામાં સ્વસ્તિકને સૂર્યના પ્રતિક સમાન માન્યતા પ્રાપ્ત થઈ છે.

જ્યારે અમરકોશમાં સ્વસ્તિકને આશીર્વાદ, પુણ્ય, ક્ષેમ અને મંગળનું પ્રતિક માનવામાં આવે છે. તેને મુખ્ય રીતે 4 ભુજાઓ, 4 યુગ, 4 વેદ, 4 વર્ણ, 4 આશ્રમ, 4 પુરુષાર્થ, બ્રહ્માજીના 4 મુખ અને 4 હાથ સહિત 4 નક્ષત્રનું પ્રતિક માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં સ્વસ્તિકને કલ્યાણકારી માનવામાં આવે છે. કહે છે કે સર્વત્ર એટલે કે ચારેય તરફ શુભતા પ્રદાન કરનાર સ્વસ્તિકમાં ગણેશજીનો નિવાસ છે. વાસ્તવમાં તે માંગલિક કાર્ય થવાનો પરિચય આપે છે.

માંગલિક કાર્યમાં કળશ !

ધર્મશાસ્ત્ર અનુસાર કળશને સુખ-સમૃદ્ધિ, વૈભવ અને મંગળ કામનાઓના પ્રતિક રૂપ મનાય છે. દેવીપુરાણ અનુસાર મા ભગવતીની પૂજા અર્ચના કરતા સમયે સર્વપ્રથમ કળશની સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં મંદિરો તથા ઘરોમાં કળશ સ્થાપિત કરવામાં આવે છે તથા મા દુર્ગાની વિધિ વિધાનપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે.

માનવ શરીરની કલ્પના પણ માટીના કળશથી જ કરવામાં આવી હતી. આ શરીર રૂપી કળશમાં પ્રાણરૂપી જળ વિદ્યમાન છે. જે રીતે પ્રાણવિહીન શરીર અશુભ માનવામાં આવે છે. એ જ રીતે કળશમાં દૂધ, પાણી, અનાજ વગેરે ભરીને તેની પૂજા કરવામાં આવે છે. તેનું સ્થાપન એ શુભત્વના આગમન સમાન મનાય છે.

ધાર્મિક કાર્યોમાં શંખનાદ

અથર્વવેદ અનુસાર શંખ અંતરિક્ષ, વાયુ, જ્યોતિમંડલ અને સુવર્ણથી સંયુક્ત છે. શંખનાદમાં શત્રુઓના મનોબળને નિર્બળ કરવાની તાકાત હોય છે. પૂજા અર્ચના સમયે શંખનાદ કરવાથી આપના તમામ પાપો નષ્ટ થાય છે અને મૃત્યુ બાદ શ્રીહરિની સાથે મોક્ષધામમાં નિવાસ મળે છે. આ કારણે જ દરેક ધાર્મિક કાર્યમાં શંખનાદ જરૂરી મનાય છે.

આચમન 3 વાર કેમ કરવું ?

વેદો અનુસાર ધાર્મિક કાર્યોમાં 3 વાર આચમન લેવાને પ્રધાનતા આપવામાં આવી છે. કહેવાય છે કે 3 વાર આચમન લેવાથી શારીરિક, માનસિક અને વાણીના એમ ત્રણ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને ત્યારબાદ જ અનુપમ ફળની પ્રાપ્તિ થાય છે.

તુલસી જગાડશે સૌભાગ્ય !

જે વ્યક્તિ નિત્ય તુલસીનું સેવન કરે છે તેના શરીરને અનેક ચાંદ્રાયણ વ્રતોના ફળ સમાન પવિત્રતાની પ્રાપ્તિ થાય છે. જળમાં તુલસીદળ ઉમેરીને સ્નાન કરવાથી તીર્થોની નદીઓમાં સ્નાન સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ રીતે સ્નાન કરીને પવિત્ર થયેલ વ્યક્તિ દરેક યજ્ઞમાં બેસવાનો અધિકારી બને છે !

સેંથામાં સિંદૂરની મહત્તા

સેંથામાં સિંદૂર લગાવવું સૌભાગ્યવતી સ્ત્રીઓની નિશાની મનાય છે. તેને અલગ અલગ પ્રકારના રૂપ સૌંદર્યમાં પણ ઉપયોગમાં લેવાય છે. સેંથાનું સિંદૂર એ વિવાહના એક સંસ્કાર છે. વિજ્ઞાન અનુસાર જોઈએ તો સૌભાગ્યવતી સ્ત્રીઓ સેંથામાં જે સ્થાન પર સિંદૂર લગાવે છે, તે સ્થાન બ્રહ્મરંધ્ર અને અહિમ નામના મર્મસ્થળની એકદમ ઉપર છે.

સ્ત્રીઓનું આ મર્મસ્થળ અત્યંત કોમળ હોય છે. તેની સુરક્ષાના હેતુથી સ્ત્રીઓ ત્યાં સિંદૂર લગાવે છે. સિંદૂરમાં કેટલીક ધાતુઓની માત્રા પણ જોવા મળે છે. તે કારણે ચહેરા પર જલ્દી કરચલીઓ નથી પડતી. તેમજ સ્ત્રીના શરીરમાં વિદ્યુતીય ઉતેજના નિયંત્રિત થાય છે.

ચરણ સ્પર્શની પરંપરા શું છે ?

ચરણ સ્પર્શની ક્રિયામાં અંગ સંચાલનની શારીરિક ક્રિયાઓ વ્યક્તિના મનમાં ઉત્સાહ, ઉમંગ, ચૈતન્યતાનો સંચાર કરે છે. તે એક પ્રકારનો વ્યાયામ અને યૌગિક ક્રિયા પણ છે ! જેનાથી મનના તણાવ, આળસ અને મનની મલીનતાથી મુક્તિ મળે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles