દરેક માસના વદ પક્ષમાં આવતી ચતુર્થી તિથિને સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. આ તિથિ પર શ્રીગણેશની પૂજા-અર્ચના અને વ્રત કરવાથી સવિશેષ ફળની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે. એમાં પણ ગુજરાતી પંચાંગ અનુસાર મહા વદ ચતુર્થીની સંકષ્ટીને દ્વિજપ્રિય સંકષ્ટી તરીકે ઓળખવામાં આવે છે. સંકષ્ટી વ્રતમાં દ્વિજપ્રિય સંકષ્ટીનું આગવું જ મહત્વ છે.
આ વખતે આ વ્રત 9 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ છે. ત્યારે આવો જાણીએ કે શા માટે આ વ્રતનો છે આટલો મહિમા અને આ દિવસે કઈ રીતે આરાધના કરવાથી થશે સવિશેષ લાભની પ્રાપ્તિ ?
દ્વિજપ્રિય સંકષ્ટી વ્રત
પૌરાણિક ઉલ્લેખો અનુસાર વિઘ્નહર્તા ગણેશજીના તો 32 સ્વરૂપો છે ! જેમાંથી તેમનું છઠ્ઠુ રૂપ એ દ્વિજપ્રિય ગણેશ તરીકે પ્રસિદ્ધ છે. તેમના આ રૂપમાં પ્રભુનો વર્ણ શુભ્ર એટલે કે શ્વેત છે અને તે ચતુર્ભુજ રૂપમાં ભક્તોને દર્શન આપી રહ્યા છે. મહા વદ ચતુર્થીએ ગણેશજીના આ જ દ્વિજપ્રિય રૂપની પૂજા કરવામાં આવે છે. અને એટલે જ તો આ સંકષ્ટી દ્વિજપ્રિય સંકષ્ટી તરીકે ઓળખાય છે. માન્યતા અનુસાર આ દિવસે ગણેશજીની ઉપાસના કરવાથી ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે. તેમજ નકારાત્મકતા દૂર થાય છે. ઉલ્લેખનીય છે કે દ્વિજપ્રિય સંકષ્ટીના દિવસે કથા કર્યા વિના વ્રત અને પૂજા અપૂર્ણ મનાય છે !
વ્રત કથા
પૌરાણિક કથા અનુસાર એકવાર શિવ અને પાર્વતી વચ્ચે ચોપાટની (એક પ્રકારની શતરંજ) રમત શરૂ થઇ. પરંતુ, એ સમયે તે બંને સિવાય કોઇ ત્યાં હાજર ન હોતું કે જે આ રમતમાં નિર્ણાયકની ભૂમિકા ભજવી શકે. આ સમસ્યાનું સમાધાન નીકાળવા શિવજી અને પાર્વતીજીએ મળીને એક માટીની મૂર્તિ બનાવી અને તેમાં પ્રાણ ઉમેર્યા. શંકર-પાર્વતીજીએ માટીથી નિર્મિત બાળકને રમતમાં હાર-જીતનો નિર્ણય લેવાનો આદેશ કર્યો.
દેવી પાર્વતીએ દીધો શ્રાપ !
માતા પાર્વતી અને ભોળાનાથની વચ્ચે ચોપાટની રમત શરૂ થઇ. દરેક ચાલમાં દેવી પાર્વતીએ શિવજીને હરાવી દીધા. આ રીતે રમત ચાલતી રહી. પરંતુ, એકવાર બાળકે ભૂલમાં માતા પાર્વતી હાર્યા એવું જણાવ્યું. આ સાંભળીને માતા પાર્વતી ગુસ્સે થઇ ગયા. ગુસ્સામાં માતા પાર્વતીએ બાળકને અપંગ (લંગડા) થવાનો શ્રાપ આપ્યો. બાળકે પોતાની ભૂલ માટે માતા પાર્વતી પાસે વારંવાર માફી માંગી. પરંતુ, માતા એ કહ્યું કે હવે તે શ્રાપ પાછો નહીં લઇ શકે. ત્યારબાદ બાળકે માતા પાસે તેનો ઉપાય માંગ્યો.
દ્વિજપ્રિય સંકષ્ટીનો મહિમા
દેવી પાર્વતીએ બાળકને શ્રાપથી મુક્તિ મેળવવા માટે મહા માસની વદ ચોથના દિવસે એટલે કે સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના દ્વિજપ્રિય રૂપની વિધિ વિધાન સાથે ઉપાસના કરવાનું કહ્યું. બાળકે એવી જ રીતે વ્રત કર્યું અને ગૌરી પુત્ર ગણેશ બાળકની સાચી શ્રદ્ધાથી પ્રસન્ન થયા. ત્યારબાદ તેમણે બાળકને શ્રાપથી મુક્તિના આશિષ પ્રદાન કર્યા. તેના પગ પૂર્ણ રીતે સ્વસ્થ થઇ ગયા અને તે સુખ-શાંતિ સાથે પોતાનું જીવન પસાર કરવા લાગ્યો. આ કથાને લીધે જ આ વ્રત આરોગ્યની પ્રાપ્તિ કરાવતું હોવાની માન્યતા પ્રચલિત છે.
ફળપ્રાપ્તિ
⦁ દ્વિજપ્રિય સંકષ્ટીનું બહુ જ મહત્વ માનવામાં આવે છે. આ વ્રતના પરિણામે સાધકના ગ્રહદોષનો અંત થાય છે.
⦁ આ વ્રતથી વ્યાપારમાં વૃદ્ધિ, ધનની પ્રાપ્તિ તેમજ સુખની પ્રાપ્તિ થાય છે.
⦁ માન્યતા અનુસાર આ વિધિથી ગૌરી પુત્ર ગજાનનની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. તેમજ સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.
⦁ પરિવારમાં ચાલી રહેલ જમીન મિલકતના વિવાદનો પણ આ વ્રતના પ્રતાપે અંત આવી જાય છે !
⦁ દ્વિજપ્રિય સંકષ્ટીએ ચંદ્રની આરાધના કરવાથી આરોગ્યનું વરદાન મળે છે તેમજ ચંદ્રદોષ દૂર થાય છે.
⦁ કહે છે કે આ વ્રતના પ્રતાપે સાધક માનસિક તણાવથી મુક્તિ મેળવી લે છે.
વિશેષ ઉપાય
⦁ આ દિવસે દૂર્વા, સોપારી અને લાલ રંગના પુષ્પથી ગણેશજીની પૂજા કરવાનું વિધાન છે.
⦁ દ્વિજપ્રિય સંકષ્ટીના દિવસે ભગવાન ગણેશની પૂજામાં 11 દૂર્વાની ગાંઠ જરૂરથી અર્પણ કરવી અને ત્યારબાદ નીચે જણાવેલ મંત્રનો 108 વખત જાપ કરવો.
ૐ શ્રીં ગં સૌભાગ્ય ગણપતયે
વર્વર્દ સર્વજન્મ મેં વષમાન્ય નમઃ ।
⦁ દ્વિજપ્રિય સંકષ્ટીએ સંધ્યા સમયે પણ ગૌરીપુત્ર ગણેશજીની પૂજા કર્યા બાદ ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે. સંકટ ચતુર્થીએ ચંદ્રની પૂજા કર્યા વિના વ્રતના પારણાં કરવામાં નથી આવતા.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)