fbpx
Monday, December 23, 2024

ગોધૂલિ કાળમાં ઋણમાંથી મુક્તિ મળશે! જાણો આ સમય દરમિયાન શું કરવું?

માંગલિક કાર્યો કરવા માટે ગોધૂલિ કાળને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા એવી છે કે આ સમયે માતા લક્ષ્‍મીની પૂજા કરવાથી આપને સારા ફળની પ્રાપ્તિ થાય છે. ગોધૂલિ કાળને જામિત્ર દોષનો નાશ કરનાર સમય કહેવામાં આવે છે ! આખરે, શું છે આ ગોધૂલિ કાળ ? દેવી લક્ષ્‍મીનો ગોધૂલિ કાળ સાથે શું છે નાતો ?

અને આ સમયમાં કયા કાર્યો કરવાથી સાધકને સવિશેષ પુણ્યની થાય છે પ્રાપ્તિ ? આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ.

ગોધૂલિ કાળ એટલે શું ?

સાંજના 5 થી 7 વાગ્યાની વચ્ચેનો સમય ગોધૂલિ કાળ તરીકે ઓળખાય છે. ગોધૂલિ કાળનો અર્થ સમજીએ તો તેનો અર્થ છે ગાયના પગથી ઉડતી ધૂળ ! આવું એટલે કહેવામાં આવે છે કે આ સમયે ગાય ગોચરમાં ચારો ચરીને પરત ફરતી હોય છે. ઘણી બધી ગાયોના એકસાથે આગમનથી ધૂળ ઉડે છે. જેને લીધે સૂર્યની લાલાશ પણ ઢંકાઈ જાય છે. એટલે જ આ સમયને ગોધૂલિ કાળ કહે છે.

ગોધૂલિ કાળ સાથે માતા લક્ષ્‍મીનો સબંધ !

ગોધૂલિ કાળને માતા લક્ષ્‍મી સાથે જોડાયેલ માનવામાં આવે છે. અને એટલે જ તેની વિશેષ મહત્તા છે. જેમ આ સમયે ગાય ઘરે પાછી આવે છે, તે રીતે જ આ સમયે ઘરમાં માતા લક્ષ્‍મીનું આગમન થતું હોવાની માન્યતા પ્રચલિત છે. આ સમયમાં ભક્તો માતા લક્ષ્‍મીની પૂજા અર્ચના કરે છે અને તેનાથી તેમને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. કહે છે કે ગોધૂલિ કાળમાં માતા લક્ષ્‍મીની આરાધનાથી તેમની કૃપા તો વરસે જ છે, સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલીનો વાસ થાય છે.

ગોધૂલિ સમયે કરો આ ખાસ કામ !

⦁ માન્યતા અનુસાર ગોધૂલિ કાળ કે સંધ્યાકાળ એ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવા માટેનો સારો સમય છે. ગોધૂલી કાળમાં સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાથી બળ, વિદ્યા, બુદ્ધિ અને ધનની વૃદ્ધિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે.

⦁ ગોધૂલિ સમયે તુલસીના છોડ પાસે દીવો પ્રજવલિત કરવામાં આવે છે. લૌકિક વાયકા એવી છે કે આ દીવો પ્રજવલિત કરવાથી ત્રિદેવ પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્‍મી પણ ખુશ થાય છે !

⦁ આ સમયે મંદિરમાં ધૂપ-દીપ પ્રજવલિત કરવા જોઇએ. આ સિવાય મંદિરમાં આરતી અને પૂજા-પાઠ કરવા પણ શુભ ફળદાયી બને છે.

⦁ માન્યતા અનુસાર જે લોકો દેવામાંથી મુક્તિ ઇચ્છે છે, તેમણે આ સમયે ખાસ માતા લક્ષ્‍મીની પૂજા કરવી જોઇએ. કારણ કે, ગોધૂલિ કાળ એ દેવી લક્ષ્‍મીના પણ ઘરમાં આગમનનો સમય મનાય છે. અને કહે છે કે આ સમયે તેમની આરાધનાથી ભક્તોને તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, ધીમે ધીમે એવાં સંજોગો સર્જાય છે કે વ્યક્તિ તેનું દેવું ભરપાઈ કરી શકે અને ઋણથી મુક્તિ મેળવી શકે !

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles