fbpx
Monday, December 23, 2024

પતિ-પત્ની વચ્ચેના ઝઘડા બંધ જ નથી થઈ રહ્યા? લગ્નમાં મધુરતા લાવશે આ સરળ ઉપાય!

કહે છે કે એકવાર જો દાંપત્યજીવનમાં કલેશ પ્રવેશ કરી લે, તો તે આજીવન એક કાંટાની જેમ જ ભોંકાતો રહે છે ! તમારા ન ઈચ્છવા છતા પણ સતત આવું બનતું જ રહે છે. પતિ-પત્ની વચ્ચે વિવાદ સર્જાય છે અને કેટલીકવાર આ વિવાદ એટલો વધી જાય છે કે મારામારી અને છૂટાછેડા સુધી વાત આગળ વધી જાય છે. જો તમે પણ આવી જ સમસ્યાથી ઘેરાયેલા હોવ તો આ સંજોગોમાં દાંપત્યજીવનને સુખમય બનાવવા કેટલાંક ઉપાયો અજમાવવા ખૂબ જ જરૂરી બની જાય છે.

આવો, આજે કેટલાંક આવાં જ ઉપાયો વિશે જાણીએ કે જે આપના જીવનને મધુરતાથી પરિપૂર્ણ કરી દેશે.

શું સતત લાગે છે માઠું ?

જો પતિ-પત્નીની વચ્ચે પ્રેમ અને સામંજસ્યનો અભાવ હોય, પતિ કે પત્નીને એકબીજાની વાતનું ખરાબ કે માઠું લાગતું હોય અથવા તો બંનેના વિચારો એકબીજાથી વિપરિત હોય તો દંપતીએ પૂર્ણિમાનું વ્રત કરવું જોઇએ. આસ્થા પૂર્વક વ્રત કરી સાંજના સમયે ચંદ્ર દેવતાને દંપતીએ એકસાથે જ દૂધથી અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાય પતિ-પત્નીના સંબંધોમાં સર્વ પ્રથમ તો શાંતિ સ્થાપવાનું કાર્ય કરશે.

શું બંન્નેની પ્રકૃતિ ઉગ્ર છે ?

જો પતિ અને પત્ની બંન્ને ગુસ્સાવાળી પ્રકૃતિ ધરાવતા હોય અને નિત્ય તેમની વચ્ચે ઝઘડા થતા હોય તો તેમણે સૌથી પહેલા તો ધીરજ રાખતા શીખવું પડશે. ત્યારબાદ નિત્ય નીચે જણાવેલ મંત્રનો 108 વખત જપ કરવો જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાય આપના દાંપત્યજીવનમાં ચમત્કારિક બદલાવ લાવશે.

સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે ।

શરણ્યેત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે ।।

તીક્ષ્‍ણ વસ્તુઓનો ઉપયોગ નહીં !

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે દાંપત્યજીવનના કલેશથી બચવા માંગો છો, તો ભૂલથી પણ ઘરમાં કાંટાળા કે દૂધ નીકળે એવા ફૂલ-છોડ કે વૃક્ષ ન લગાવો. આપના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર તલવાર, ભાલા, તીર, ચાકુ કે પછી કોઇપણ અણીદાર વસ્તુ પણ ન લગાવવી જોઈએ. જો તમે આ બધી વસ્તુઓને નજરઅંદાજ કરશો તો આ વસ્તુઓની ઊર્જાને લીધે પતિ-પત્ની નાની નાની વાતોમાં ગુસ્સે થઇ જશે અને તેનાથી તેમના સંબંધો પણ વણસી જશે.

સુખી દાંપત્યજીવન અર્થે

દાંપત્યજીવનને સુખમય બનાવવા માટે પતિ કે પત્નીએ દર સોમવારે “ૐ નમઃ શિવાય” મંત્રની 11 માળાનો પાઠ કરવો જોઈએ. તેમજ ભગવાન શિવને 54 બીલીપત્ર અર્પણ કરવા જોઈએ. જો પતિ-પત્ની બંન્ને એકસાથે આ કાર્ય કરી શકે તો તે સર્વોત્તમ રહેશે. પરંતુ, જો તેમ ન થઈ શકે તો બંન્નેમાંથી કોઈ એક વ્યક્તિએ તો જરૂરથી આ કાર્ય કરવું.

સોમવારનું વ્રત

પતિ-પત્ની વચ્ચે સતત કલેશ રહેતો હોય તો તેમાં શાંતિ અને સુખનું આગમન થાય તે માટે પત્નીએ દર સોમવારે વ્રત રાખવું જોઈએ. આ દિવસે ગૌરી-શંકરની આરાધના કરવી, તેમજ ઉપવાસ શક્ય ન હોય તો એકટાણું પણ કરી શકાય. સોમવારે સફેદ વસ્તુનું દાન કરવું પણ આપના માટે સવિશેષ લાભદાયી બની રહેશે.

દાંપત્યજીવનમાં મીઠાશ

દાંપત્યજીવનમાં મધુરતા કે મીઠાશ આવે તે માટે પત્નીએ આ ઉપાય કરવો. સૂર્યાસ્ત બાદ આછા પીળા કે ગુલાબી રંગના વસ્ત્ર ધારણ કરવા તથા સૂતા સમયે એક સંકલ્પ કરવો કે “અમારા દાંપત્યજીવનમાં કોઇપણ પ્રકારનો કલેશ ન જોવા મળે અને સ્નેહમાં વૃદ્ધિ થાય.” માન્યતા અનુસાર આ સંકલ્પની શક્તિ ધીમે ધીમે દંપતીના જીવનમાંથી કલેશને દૂર કરશે. અને તેમના જીવનમાં મધુરતાનું આગમન થશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles