fbpx
Monday, December 23, 2024

આજથી શરૂ થાય છે શિવ નવરાત્રી! જાણો, શું છે તેનો મહિમા અને કેવી રીતે ફળશે મનોકામના?

ગુજરાતી પંચાંગ અનુસાર મહા માસની વદ પક્ષની તેરસની તિથિએ મહાશિવરાત્રિનો પર્વ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ પર્વની ખૂબ જ મહત્તા છે. આ વખતે આ શુભ પર્વ 18 ફેબ્રુઆરી, શનિવારના રોજ છે. પણ, ઘણાં ઓછાં લોકો એ વાત જાણે છે કે આ મહાશિવરાત્રી પૂર્વેના 9 દિવસને શિવ નવરાત્રીના રૂપમાં ઉજવવાની પરંપરા પણ છે !

આખરે, શું છે આ શિવ નવરાત્રી ? અને શા માટે છે તેનો અદકેરો મહિમા ? આવો, તે વિશે આજે વિગતે માહિતી મેળવીએ.

શિવ નવરાત્રી મહિમા

મહાશિવરાત્રીને હિન્દુ ધર્મના સૌથી મુખ્ય તહેવારોમાંથી એક માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર મહાદેવે આ જ દિવસે અગ્નિલિંગના રૂપમાં શ્રીવિષ્ણુ અને બ્રહ્માજીને દર્શન આપ્યા હતા અને પછી સૃષ્ટિનો વિસ્તાર થયો હતો. તો શિવ અને પાર્વતીના વિવાહ પણ આ જ દિવસે થયા હતા. આ વખતે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી, શનિવારના રોજ છે. આ પર્વ પહેલાંના નવ દિવસને શિવ પૂજા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. શિવ નવરાત્રીનો પર્વ મહા વદ ચોથથી મહા વદ તેરસ સુધી ઉજવવામાં આવે છે. એટલે કે, આ વખતે 10 ફેબ્રુઆરી, શુક્રવારથી 17 ફેબ્રુઆરી શુક્રવાર સુધી શિવ નવરાત્રી ઉજવાશે.

મહાકાલેશ્વરમાં અદભુત પરંપરા

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવ નવરાત્રીનો પર્વ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દરમ્યાન નિત્ય મહાકાલને આકર્ષક શણગાર કરવામાં આવે છે. શિવ નવરાત્રી દરમ્યાન મહાકાલને શેષનાગ, મનમહેશ, ચંદ્રમૌલેશ્વર, શિવ તાંડવ, ઉમા મહેશ, હોલ્કર, ઘટાટોપ તથા સપ્ત ધાન મુખારવિંદ વગેરે સ્વરૂપોથી સજાવવામાં આવે છે. એક માન્યતા અનુસાર જો આ 9 દિવસ દરમ્યાન આપ પણ ભગવાન શિવની પૂજા વિધિ વિધાન સાથે કરો છો તો આપને પણ તેના શુભ ફળની ચોક્કસથી પ્રાપ્તિ થાય છે.

શિવ નવરાત્રીમાં શું કરશો ખાસ ?

⦁ શિવ નવરાત્રીનો પહેલો દિવસ એટલે 10 ફેબ્રુઆરી, શુક્રવારે સ્નાનાદિ કાર્ય પૂર્ણ કર્યા બાદ વ્રત પૂજાનો સંકલ્પ લો. એટલે કે, જો તમે 9 દિવસોના ઉપવાસ કે એકટાણું રાખવાની ઇચ્છા રાખતા હોવ તો એ પ્રમાણે સંકલ્પ લો. અને જો માત્ર પૂજા કરવા માંગતા હોવ તો તે પ્રમાણેનો સંકલ્પ લો.

⦁ શિવ નવરાત્રી દરમ્યાન નિત્ય સવારે શિવજી સાથે માતા પાર્વતીની પણ પૂજા કરવાનું વિધાન છે. એટલે ઘર મંદિરમાં બંનેની પ્રતિમા કે ચિત્રને સ્થાપિત કરો. નિત્ય સવારે સ્નાન કર્યા પછી પૂર્ણ શ્રદ્ધાભાવથી તેમની પૂજા કરો.

⦁ પૂજામાં પંચામૃત, પંચગવ્ય, કુમકુમ, ફળ, પુષ્પ, સોપારી, બીલીપત્ર વગેરે વસ્તુઓનો ઉપયોગ કરવો. શિવજીને આસ્થાથી આ વસ્તુઓ અર્પણ કરી તેમની આરતી ઉતારવી.

⦁ શિવ નવરાત્રી દરમિયાન જરૂરિયાતમંદોને દાન કરવું પણ લાભદાયી બની રહે છે.

⦁ આ નવ દિવસ દરમિયાન તમે શિવાષ્ટક, રુદ્રાષ્ટકના પાઠ કે મહામૃત્યુંજય મંત્રના જાપ પણ કરી શકો છો. તે વિશેષ ફળદાયી બની રહેશે.

રુદ્રી પાઠનો સવિશેષ મહિમા

શિવજીને પ્રસન્ન કરવા માટે અનેક સ્ત્રોત, મંત્ર અને સ્તુતિઓની રચના થયેલી છે. પરંતુ, આ બધામાં રુદ્રી પાઠનું સવિશેષ મહત્વ રહેલું છે. માન્યતા અનુસાર શિવ નવરાત્રી દરમ્યાન રુદ્રી પાઠ કરવાથી ઘરમાં રહેલા તમામ દોષનું શમન થાય છે. જો તમે પોતે આ રુદ્રી પાઠ કરવામાં અસમર્થ હોવ તો યોગ્ય વિદ્વાન કે બ્રાહ્મણની મદદ લઇને પણ રુદ્રી પાઠ કરાવી શકાય છે. બ્રાહ્મણ દ્વારા રુદ્રી પાઠ કરાવવાથી આપના પર મહાદેવની કૃપા વરસસે. પરંતુ, એ વાતનું ધ્યાન રાખવું કે આ રુદ્રી પાઠ દરમ્યાન ઘરમાં સાત્વિકતાનું વાતાવરણ બની રહે. શિવ નવરાત્રી દરમ્યાન ઘરમાં કોઇપણ પ્રકારનું અધાર્મિક કાર્ય ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles