આચાર્ય ચાણક્યને ભલાં કોણ નથી ઓળખતું ! તેમણે તેમના અનુભવ અને જ્ઞાનના આધાર પર મનુષ્ય જીવનને પ્રભાવિત કરનારી મહત્વપૂર્ણ વાતોને તેમના નીતિ શાસ્ત્રમાં લખી છે. સાથે જ ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં કેટલીક એવી વાતોનો પણ ઉલ્લેખ કર્યો છે કે જે મનુષ્યના પૂર્વ જન્મના રહસ્યોને ખોલે છે.
એટલું જ નહીં, તેનું એ દિશામાં પણ ધ્યાન દોરે છે કે તેનો આવનારો જન્મ સારો અને સફળ થાય તે માટે તેણે આ જન્મમાં કેવાં કાર્ય કરવા જોઈએ. આ મુદ્દાને ચાણક્યએ વર્ણવેલા 3 સુખની વાતથી સમજીએ.
શું કહે છે આચાર્ય ચાણક્ય ?
આચાર્ય ચાણક્યના જણાવ્યાનુસાર દરેક મનુષ્યને તેના પાછલા જન્મોના કર્મો અનુસાર આ વર્તમાન જીવન મળ્યું હોય છે. કેટલાક એવા સુખ છે કે જે જીવનમાં સફળતાની સાથે નહીં, પરંતુ, પાછલા જન્મોના કર્મોના આધારે જ મળતા હોય છે ! આચાર્યના જણાવ્યા અનુસાર દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા ત્યારે જ મેળવે છે જ્યારે તે પૂર્ણ મહેનત કરે છે. તેમાંથી કેટલાક એવા હોય છે જેમને સફળતા પ્રાપ્ત થાય છે અને કેટલાક એવા હોય છે જેમને સફળતા પ્રાપ્ત કરવામાં ઘણા અવરોધોનો સામનો કરવો પડે છે. અલબત્, કેટલાક એવાં પણ હોય છે કે જેમને જીવનમાં સફળતા તો મળી જાય છે, પરંતુ તેમને જીવનમાં ખુશહાલી નથી મળતી !
વ્યક્તિથી એવી તો કઇ ભૂલ થઇ હશે કે તેમને જીવનમાં ખુશીઓ નથી મળતી ? આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિના પાછલા જન્મના કર્મોના આધારે જ વર્તમાન જીવનમાં તેને નીચે જણાવેલા 3 પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. જે જીવનને પૂર્ણ રીતે સફળ બનાવી દે છે. તો ચાલો જાણીએ તે સુખ કયા છે.
ભોજન્યં ભોજનશક્તિશ્ચ રતિશક્તિર વરાંગના ।
વિભાવો દાનશક્તિશ્ચ નાડલ્પસ્ય તપસઃ ફલમ્ ।।
અર્થાત્,
સારું ભોજન, ભોજન શક્તિ, રતિશક્તિ, સુંદર સ્ત્રી, વૈભવ તથા દાન શક્તિ આ બધું જ કોઈ અલ્પ તપસ્યાનું ફળ નથી હોતું !
જીવનસાથીનું સુખ !
ચાણક્ય કહે છે કે જીવનમાં સારો પતિ કે સારી પત્ની મેળવવા એ વ્યક્તિના પોતાના હાથમાં નથી હોતું ! આ સુખ પાછલા જન્મના કર્મોને આધારે નક્કી થાય છે. જો તમે પાછલા જન્મમાં સારા કાર્યો કર્યા હશે, તો વર્તમાન જીવનમાં આપને સુખ દુઃખમાં સાથ આપે તેવા જીવનસાથની પ્રાપ્તિ થાય છે.
ધન સંચય કરવો
આચાર્ય કહે છે કે મનુષ્યના જીવનને સુરક્ષિત અને સુખમય બનાવવા માટે ધન ખૂબ જરૂરી છે. પણ, આ ધન દરેક પાસે નથી હોતું. એવી જ રીતે, તેનો સાચી અને સારી રીતે ઉપયોગ કરવાની સમજ, તેમજ તેનો સંગ્રહ કરવાની ક્ષમતા પણ દરેકમાં નથી હોતી ! તેના લીધે ઘરમાં રહેલું સંચિત ધન તેમજ ઘરમાં આવતું ધન પણ ખાલી થઇ જાય છે અથવા તો ખોટા માર્ગે વેડફાઈ જાય છે. ચાણક્યના જણાવ્યા અનુસાર પાછલા જન્મમાં દાન કાર્ય કરનાર લોકો પાસે ક્યારેય ધનની અછત નથી સર્જાતી !
સ્વસ્થ આરોગ્ય !
ચાણક્ય કહે છે કે સ્વાસ્થ્યનું સુખ પણ ખૂબ ભાગ્યશાળી લોકોને જ પ્રાપ્ત થાય છે. કેટલાક લોકો મોટી ગંભીર બીમારીથી પીડાતા હોય છે. આચાર્ય કહે છે કે યોગ્ય પાચન શક્તિ એવા લોકોને જ મળે છે, જે પાછલા જન્મમાં બીજાને ભરપેટ ભોજન કરાવે છે ! યોગ્ય પાચન શક્તિને લીધે જ આવા લોકો ઘણાં પ્રકારની ગંભીર બીમારીઓથી દૂર રહે છે અને લાંબા સમય સુધી ઊર્જાવાન બનીને સ્વસ્થ જીવન પસાર કરે છે !
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)