ભગવાન શિવ સાથે સંકળાયેલા બાર જ્યોતિર્લિંગોમાં મધ્ય પ્રદેશમાં આવેલું ઓમકારેશ્વર ચોથા ક્રમે આવે છે. અહીં ભગવાન શિવ નર્મદા નદીના કિનારે ઓમ આકારના પર્વત પર બિરાજમાન છે. હિન્દુ ધર્મમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગને લઈને ઘણી માન્યતાઓ છે. જેમાં સૌથી મોટી માન્યતા એ છે કે ભગવાન ભોલેનાથ ત્રણેય લોકના દર્શન કરે છે અને રાત્રે સૂવા માટે રોજ આ મંદિરમાં આવે છે.
મહાદેવના આ ચમત્કારિક અને રહસ્યમય જ્યોતિર્લિંગ વિશે એવું પણ માનવામાં આવે છે કે આ પવિત્ર તીર્થમાં જળ ચઢાવ્યા વિના વ્યક્તિની તમામ તીર્થયાત્રાઓ અધૂરી માનવામાં આવે છે. આવો જાણીએ મહાશિવરાત્રીના શુભ અવસર પર મહાદેવના આ દિવ્ય જ્યોતિર્લિંગની પૂજા કરવાના ધાર્મિક મહત્વ અને ફાયદાઓ વિશે.
ભગવાન શિવ 33 કરોડ દેવતાઓ સાથે રહે છે
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરથી લગભગ 78 કિમીના અંતરે નર્મદા નદીના કિનારે આવેલું છે. આ એકમાત્ર મંદિર છે જે નર્મદા નદીની ઉત્તરે આવેલું છે. અહીં નદીના બંને કિનારે ભગવાન શિવ બિરાજમાન છે. મહાદેવની અહીં મમલેશ્વર અને અમલેશ્વરના રૂપમાં પૂજા થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની આસપાસ કુલ 68 તીર્થસ્થાનો આવેલા છે અને અહીં 33 કરોડ દેવતાઓ સાથે ભગવાન શિવ બિરાજમાન છે.
મહાશિવરાત્રીના અવસરે આ મંદિરમાં શિવભક્તોની ભારે ભીડ દર્શન અને પૂજા માટે ઉમટી પડે છે. જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે મહાશિવરાત્રીના અવસરે ભગવાન શિવનું આ જ્યોતિર્લિંગ 24 કલાક દર્શન માટે ખુલ્લું રહેશે. ઓમકારેશ્વર મંદિર વિશે એવી માન્યતા છે કે અહીંયા દર્શન અને પૂજા કરવાથી વ્યક્તિના તમામ પાપ દૂર થઈ જાય છે.
મહાદેવના મંદિરનું મોટું રહસ્ય
ઉજ્જૈન મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની ભસ્મ આરતીની જેમ ઓમકારેશ્વર મંદિરની શયન આરતી વિશ્વ પ્રસિદ્ધ છે. જો કે, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભગવાન શિવની આરતી સવારે મધ્યમાં અને સાંજે ત્રણ કલાકે કરવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન શિવ દરરોજ રાત્રે સૂવા માટે અહીં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ મંદિરમાં મહાદેવ માતા પાર્વતી સાથે ચોપાટ રમે છે. આ જ કારણ છે કે અહીં રાત્રિના સમયે ચોપાટ પાથરવામાં આવે છે અને આશ્ચર્યની વાત એ છે કે મંદિરની અંદર જ્યાં પક્ષી પણ ન ફરકી શકે, એવી સ્થિતીમાં ત્યાં સવારે ચોપાટ એવી રીતે જોવા મળે છે કે જાણે કોઇએ તેને રમી હોય.
મંદિર સંબંધિત ધાર્મિક માન્યતા
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે જોડાયેલી એક કથા છે, જે મુજબ રાજા માંધાતાએ એક વખત ભગવાન શિવની કઠિન તપસ્યા કરી, જેનાથી પ્રસન્ન થઈને મહાદેવે તેમને દર્શન આપ્યા અને તેમને બે વરદાન માંગવા કહ્યું. જે બાદ માંધાતાએ તેને પહેલા વરમાં આ જગ્યા પર બેસવા કહ્યું અને તે પછી કહ્યું કે તામારા નામ સાથે મારું નામ પણ જોડવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ત્યારથી ભગવાન શિવ અહીં બિરાજમાન છે અને લોકો આ વિસ્તારને માંધાતાના નામથી ઓળખે છે.
(અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)