સૌભાગ્યવતી મહિલાઓ માટે સોમવતી અમાસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે તેઓ તેમના પતિના દીર્ઘાયુ માટે વ્રત રાખતી હોય છે. કહે છે કે પતિના દીર્ઘાયુષ્ય અને પ્રગતિ માટે સોમવતી અમાસે કેટલાક ખાસ ઉપાયો અજમાવવાથી આપને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ વખતે આજ શુભ યોગ પ્રાપ્ત થયો છે. 20 ફેબ્રુઆરી, સોમવારે સોમવતી અમાસનો શુભ સંયોગ સર્જાયો છે.
ત્યારે, આવો જાણીએ કે આ દિવસે પતિની સુખાકારી માટે પત્નીએ કયું કાર્ય ખાસ કરવું જોઈએ.
પતિના દીર્ઘાયુ અર્થે
સોમવતી અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું ખાસ મહત્વ છે. આ દિવસે વ્રત કરીને સવારે પીપળાના વૃક્ષમાં ગંગાજળ ઉમેરી તેને સિંચો અને પછી પીપળાને કાચા સુતરાઉ દોરાથી વીંટતા 108 વાર પરિક્રમા કરો. માન્યતા એવી છે કે પતિના દીર્ઘાયુ માટે આ ઉપાય બહુ લાભકારી છે.
પતિના સારા સ્વાસ્થ્ય અર્થે
સોમવતી અમાસનો દિવસ શિવપાર્વતીના પૂજન માટે ખાસ માનવામાં આવ્યો છે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ કાચા દૂધથી શિવલિંગનો અભિષેક કરે છે અને માતા પાર્વતીને સૌભાગ્યની સામગ્રીઓ અર્પિત કરે છે. કહેવાય છે કે આ ઉપાયથી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે અને પતિની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
દાંપત્યજીવનમાં સુખાકારી અર્થે
સૌભાગ્યવતી મહિલાઓ સોમવતી અમાસના દિવસે પતિના દીર્ઘાયુષ્ય માટે એક ખાસ ઉપાય કરશે તો તેમને ચોક્કસથી લાભ થશે. વૈવાહિક જીવનમાં આવી રહેલ કલેશ દૂર કરવા આ દિવસે ગાયને પાંચ પ્રકારના ફળ ખવડાવો, અને પછી શ્રીહરિ, શ્રીહરિ, શ્રીહરિ મંત્રનો જાપ કરતા કરતા તુલસીજીની 108 પરિક્રમા કરો. માન્યતા અનુસાર આ ઉપાયથી આપના જીવનની તમામ મુસીબતો દૂર થાય છે. તેમજ ધન-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને દાંપત્યજીવન સુખમય પસાર થાય છે.
દરિદ્રતાના નાશ અર્થે
કહે છે કે સોમવતી અમાસની રાત્રે કોઇ શ્વાનને એક ચમચી કાચું દૂધ અને એક સિક્કો અર્પણ કરવો જોઈએ. માન્યતા છે કે આ ઉપાય કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને ઘરમાંથી નાણાંની તંગી પણ દૂર થાય છે.
કારકિર્દીમાં પ્રગતિ અર્થે
કારકિર્દીમાં પ્રગતિ રોકાઇ ગઇ હોય કે મહેનત પછી પણ વેપારમાં ફળ ન મળી રહ્યું હોય તો સોમવતી અમાસના દિવસે એક પાણીવાળુ નારિયેળ લો. તેની ઉપર લાલ રંગના દોરાને સાત વાર લપેટો. હવે તમારી મનોકામના કહેતા કહેતા તેને પ્રવાહિત જળમાં પધરાવી દો. યાદ રાખો, આ ઉપાય બ્રહ્મ મૂહુર્તમાં કરો. કહે છે કે તેનાથી કારકિર્દીમાં પ્રગતિ આડેના તમામ અવરોધો દૂર થઈ જાય છે.
પિતૃકૃપા અર્થે
સોમવતી અમાસના દિવસે કોઇ મંદિરમાં પીપળાના છોડનું રોપણ કરવું જોઈએ. તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)