વર્ષ 2023ની પહેલી સોમવતી અમાસ 20 ફેબ્રુઆરી, સોમવારે છે. આ દિવસ ભોળાનાથને સમર્પિત છે. આ દિવસે શુભ શિવ યોગ છે. જ્યારે સોમવાર અને અમાસનો શુભ સંયોગ સર્જાય છે, ત્યારે આ અમાસની તિથિ સોમવતી અમાસના નામે ઉજવાય છે. આ દિવસે ગંગા નદીમાં તેમજ અન્ય પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ખૂબ માહાત્મ્ય રહેલું છે.
આ દિવસે પૂજા અર્ચના કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. સૌભાગ્યવતી મહિલાઓ આ દિવસે તેમના પતિના દીર્ઘાયુષ્ય માટે વ્રત રાખે છે તેમજ પીપળના વૃક્ષની પરિક્રમા કરે છે. ત્યારે આવો જાણીએ ખે આ સોમવતી અમાસનો આટલો મહિમા શા માટે છે ? અને તેનું વ્રત કરવાથી વ્યક્તિને કેવાં કેવાં ફળની પ્રાપ્તિ થતી હોય છે ?
સોમવતી અમાસનો મહિમા
હિન્દુ ધર્મમાં અમાસની તિથિનું વિશેષ મહત્વ રહેલું છે. સોમવારના દિવસે આવતી અમાસની તિથિને સોમવતી અમાસ કહે છે. તે સોમવતી અમાવસ્યાના નામે પણ ઓળખાય છે. સોમવતી અમાસ વર્ષમાં લગભગ એક કે બે વાર આવતી હોય છે. તે અત્યંત શુભ ફળની પ્રાપ્તિ કરાવનારી મનાય છે. એમાં પણ મહા માસની આ સોમવતી અમાસ પર શુભ સંયોગ પ્રાપ્ત થયો છે. જે તેને વધુ જ ફળદાયી બનાવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સોમવતી અમાસના દિવસે શુભ યોગના સંયોગ બની રહ્યા છે. આ દિવસે શિવજીની પૂજા કરવાનું મહત્વ દર્શાવ્યું છે. આ દિવસે અકાળ મૃત્યુ, ભય, પીડા અને બીમારીથી મુક્તિ માટે શિવજીની પૂજા કરવાથી આપને લાભ થાય છે. આ દિવસે કરવામાં આવતા પૂજા પાઠથી જીવનની મુસીબતો અને કષ્ટોથી મુક્તિ મળે છે. હિન્દુ શાસ્ત્રમાં આ વ્રતને અશ્વત્થ પ્રદક્ષિણા વ્રત કહેવાય છે.
શિવ યોગનો શુભ સંયોગ
આ વર્ષે સોમવતી અમાસ અને શિવયોગનો સંયોગ બની રહ્યો છે. આ યોગ મહાદેવને સમર્પિત છે. આ દિવસે મંત્રજાપ, તપ, શ્રાદ્ધકર્મ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. સાથે જ સોમવતી અમાસે પરિઘ યોગ પણ છે. કહે છે કે આ શુભ યોગના સંયોગમાં શિવ પાર્વતીની પૂજા કરવાથી મહિલાઓને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. અને પીપળના વૃક્ષની પૂજા કરવાથી પિતૃદેવોના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)