fbpx
Monday, December 23, 2024

પિદ્રોષમાંથી મુક્તિ મેળવવાનો અવસર એટલે સોમવતી અમાસ, આ વિશેષ વિધિથી સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવો

અમાસની તિથિ એ પિતૃઓને સમર્પિત તિથિ છે. આ દિવસે પિતૃઓ માટે દાન-ધર્મ કરવાથી તેઓ તૃપ્ત થાય છે અને સંતાનોને સુખમય જીવનના આશીર્વાદ પ્રદાન કરે છે. એમાં પણ આજે તો અમાસ અને સોમવારનો શુભ સંયોગ સર્જાયો છે. એટલે કે, સોમવતી અમાસનો અવસર છે. આ અવસર પિતૃદોષથી રાહત મેળવવા માટે તેમજ પિતૃદોષના નિવારણ માટે ઉત્તમ મનાય છે.

ત્યારે આવો જાણીએ કે આજે કયા ઉપાયો અજમાવીને તમે ન માત્ર પિતૃદોષથી પણ કાલસર્પ દોષ અને આર્થિક સંકટથી પણ મુક્તિ મેળવી શકો છો.

પિતૃદોષમાં રાહત અર્થે

સોમવતી અમાસના દિવસે દક્ષિણ દિશામાં ધૂપ કરીને કેસરયુક્ત ખીર તેની પર અર્પિત કરો અને હાથ જોડીને જાણતા અજાણતા થયેલા અપરાધોની ક્ષમા માંગો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી પિતૃદોષમાં ઘણા અંશે રાહતની પ્રાપ્તિ થાય છે. અને જીવનમાં શુભત્વનું આગમન થાય છે.

પિતૃદોષના નિવારણ અર્થે

⦁ પિતૃદોષના નિવારણ અર્થે સોમવતી અમાસના અવસર પર એક ખાસ વિધિને અનુસરવું.

⦁ પીપળાના વૃક્ષ પર દૂધ મિશ્રિત જળ અર્પણ કરવું.

⦁ જળ અર્પણ કર્યા બાદ પાંચ પ્રકારની મીઠાઈઓ અર્પણ કરવી.

⦁ ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરીને એક જનોઇ પીપળાના વૃક્ષને અર્પણ કરવી અને દીપ પ્રજવલિત કરવો.

⦁ “ૐ નમો ભગવતે વાસુદેવાય ।” મંત્રનો જાપ કરતા કરતા પીપળાની 108 પ્રદક્ષિણા કરવી.

⦁ પૂજા બાદ વૃક્ષ પર બેસેલા કાગડા અને જળમાં રહેલી માછલીઓને ચોખા અને ઘીથી બનેલ લાડુનો ભોગ અર્પણ કરવો.

⦁ માન્યતા અનુસાર આ કાર્ય કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં પ્રગતિનો માર્ગ ખૂલી જાય છે.

કાલસર્પ દોષમાંથી મુક્તિ અર્થે

સોમવતી અમાસનો દિવસ કાલસર્પ દોષથી મુક્તિના આશિષ પ્રદાન કરનારો છે. આ દિવસે વિધિવત શિવજીની પૂજા કરવી. શક્ય હોય તો રુદ્રાભિષેક જરૂરથી કરવો. ત્યારબાદ કોઈ તીર્થસ્થાન પર જઈને ચાંદીના નાગ-નાગણીની જોડની પૂજા કરવી. પછી તેને વહેતા જળમાં પ્રવાહિત કરી દેવા અને બે હાથ જોડી કાલસર્પ દોષથી મુક્તિ અર્થે પ્રાર્થના કરવી. કહે છે કે આવું કરવાથી ન માત્ર કાલસર્પ દોષથી મુક્તિ મળે છે, પરંતુ, ધન-ધાન્યમાં પણ વૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

આર્થિક સંપન્નતા અર્થે

જીવનમાં આર્થિક સંપન્નતા અર્થે પાંચ રંગની મીઠાઈ લેવી. તેને પીપળાના પત્તા પર મૂકીને પીપળાના જ વૃક્ષ પાસે મૂકી દો. ત્યારબાદ પિતૃઓનું ધ્યાન કરો અને તર્પણ કરો. પછી આ પ્રસાદને ગરીબો, બ્રાહ્મણો કે બાળકોમાં વહેંચી દો. માન્યતા અનુસાર આ વિધિથી પિતૃદોષમાં તો રાહત મળે જ છે, સાથે જ પરિવારની સમૃદ્ધિ પણ ધીમે ધીમે વધે છે.

આરોગ્યની પ્રાપ્તિ અર્થે

રોગોથી મુક્તિ અર્થે સોમવતી અમાસની તિથિએ એક ખાસ ઉપાય અજમાવો. બીમાર વ્યક્તિએ તેના માપની એટલે કે તેની ઊંચાઈ મુજબ સુતરાઉ દોરી કાપીને લઈ લેવી. ત્યારબાદ તેને પીપળાના વૃક્ષ પર લગાવી દેવી. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી શનિદોષ દૂર થાય છે. અને સાથે જ બીમારીમાં રાહતની પણ પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, આ એક ઉપાય આપના જીવનમાં નોકરી-ધંધામાં પ્રગતિના યોગ સર્જી દે છે.

સમસ્યાઓથી મુક્તિ અર્થે

જીવન કષ્ટોથી ઘેરાઈ ગયું હોય, જીવનમાં અનેકવિધ સમસ્યાઓ ચાલી રહી હોય તો સોમવતી અમાસે તુલસી માતાની પૂજા જરૂરથી કરો. તુલસીમાતાની પૂજામાં તેમને જળ અર્પણ કરો અને ધૂપ-દીપ પ્રજવલિત કરીને સૌભાગ્યની વસ્તુઓ અર્પણ કરો. ત્યારબાદ શ્રીહરિ, શ્રીહરિ મંત્રનો જાપ કરતા કરતા 108 વાર તુલસીજીની પરિક્રમા કરો. પરિક્રમા કર્યા બાદ પિતૃઓના નામે દાન-પુણ્ય કરો. માન્યતા અનુસાર આવું કરવાથી જીવનમાં આવી રહેલી મોટામાં મોટી મુસીબતો પણ ટળી જાય છે. તેમજ સફળતાને આડે આવતા અવરોધો પણ દૂર થઈ જાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles