દરેક વ્યક્તિનું સપનું હોય છે કે ભીડથી ભરેલી વસ્તીમાં તેનું પોતાનું પણ એક ઘર હોય ! ભલે નાનકડું હોય, પણ તે ખુશીઓથી ભરેલું હોય. આ માટે લોકો બચત કરીને અને મોટા વ્યાજે લોન લઈને મકાન ખરીદતા હોય છે અથવા તો જમીન ખરીદીને મકાન બંધાવતા હોય છે.
ત્યારબાદ તેને સજાવીને મકાનને ‘ઘર’ બનાવતા હોય છે. પણ, જો આ ઘર શુભ જગ્યા પર ન હોય તો તે ખુશીઓને બદલે મૂસીબતોનું કારણ બની જતું હોય છે. ત્યારે આવો, આજે એ જ જાણીએ કે ઘર ખરીદવા માટે કે નવા ઘરનું નિર્માણ કરાવવા માટે કઈ જગ્યાઓ બિલ્કુલ પણ શુભ નથી મનાતી !
ઘર માટે શુભ નથી આ જગ્યાઓ !
⦁ કોઇ પણ ટી પોઇન્ટ પર ક્યારેય ઘર ન હોવું જોઇએ. કારણ કે, આવી જગ્યા પર અનેક લોકો આવતા હોય છે. એટલે, ત્યાં નકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધારે હોય છે. આવાં ઘરમાં વાસ્તુદોષ રહે છે અને ઘરમાં રહેનારા લોકો પણ સતત તણાવમાં રહે છે.
⦁ ચાર રસ્તા પાસે ઘર હોવું પણ શુભ નથી મનાતું. માન્યતા અનુસાર આવું ઘર તમોગુણ પ્રકારનું હોય છે. ચાર રસ્તા પર નકારાત્મક ઊર્જા વધારે હોય છે. સાથે જ અવાજ પ્રદૂષણ પણ હોય છે. જેને લીધે આવા ઘરમાં રહેનારા લોકો સતત ઉત્તેજિત અને તણાવમાં રહેતા હોય છે. જો મજબૂરીને લીધે પણ તમે આવાં ઘરમાં રહી રહ્યા છો, તો તમારા વ્યક્તિત્વની સરખામણીમાં તમારો વિકાસ ઓછો જ થાય છે !
⦁ કોઈ વેરાન કે સુમસાન જગ્યા પર ઘરનું હોવું પણ અશુભ મનાય છે. આવી જગ્યા પર ઘર હોવાથી સતત પરિવારની ચિંતા સતાવતી રહે છે. ભવિષ્યપુરાણ અનુસાર ક્યારેય કોઈ નગર કે શહેરની બહાર ઘર ન બંધાવવું જોઈએ.
⦁ કેમિકલ ફેકટરી, લોખંડની દુકાન, ઓટોગેરેજ કે ફર્નિચરની દુકાન હોય તો તેની આસપાસ ક્યારેય ઘર ખરીદવું જોઈએ નહીં. કહે છે કે આવી જગ્યા પર સતત અવાજ રહે છે. અને તે તમને સતત પરેશાન જ રાખશે !
⦁ જે સ્થાન પર તૂટેલો કૂવો, સૂકાયેલી નદી કે સૂકા વૃક્ષ હોય, તેમજ ઘણાં ઓછાં લોકો રહેતા હોય, તેવી જગ્યા પર પણ ઘર ન ખરીદવું જોઈએ.
⦁ જ્યાં આસપાસ નશીલી વસ્તુઓ વેચાતી હોય, તેવી જગ્યા પર ક્યારેય ન રહેવું જોઈએ. એ જ રીતે જે સ્થાન પર આસપાસ ગેરબંધારણીય કે અયોગ્ય પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં પણ ન જ રહેવું જોઈએ. તમારા સંતાનો પર તેની ખરાબ અસર પડી શકે છે. એટલું જ નહીં, ભવિષ્યમાં નકારાત્મક પરિણામો ભોગવવાનો વારો આવી શકે છે.
⦁ એકવાર કોઈ ઘરમાં ગયા બાદ જો સતત કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય, તો તે ઘરને ઝડપથી બદલી દેવું જોઈએ.
⦁ જ્યાં સતત પડોશીઓ આપને પરેશાન કરી રહ્યા હોય, તેવાં ઘરથી પણ દૂર થઈ જવું જ યોગ્ય છે.
⦁ દક્ષિણમુખી મકાન દરેક માટે શુભ નથી હોતું, તેવી જ રીતે તે અશુભ પણ નથી હોતું. પરંતુ, જે લોકોની ઘાત દિશા દક્ષિણ છે, તે લોકોએ દક્ષિણમુથી ઘરમાં ન રહેવું જોઈએ. નહીંતર વારંવાર બીમાર પડવાની કે કોઈ દુર્ઘટનાના શિકાર થવાની શક્યતા વધી જાય છે.
⦁ જે સ્થાન પર હરિયાળી ન હોય, તેવું સ્થાન પણ રહેવા માટે અયોગ્ય મનાય છે. અલબત્, આજે તો આવી જગ્યાઓનું મળવું જ મુશ્કેલ થઈ ગયું છે. આ સંજોગોમાં એટલું ધ્યાન રાખો કે ઘરની આસપાસ થોડી ઘણી તો લીલોતરી હોય જ.
⦁ જો ઘરની આસપાસ અસામાજિક તત્વો રહેતા હોય તો તે ઘર બદલી દેવું જ હિતાવહ છે.
⦁ જ્યાં શહેરની સીમા પૂરી થતી હોય, તેવી જગ્યા પર પણ ક્યારેય ઘર ન ખરીદવું જોઈએ કે ન તો બંધાવવું જોઈએ.
⦁ જ્યાં બે જિલ્લાની બોર્ડર હોય ત્યાં પણ ન રહેવું. બે પોલીસ સ્ટેશનની બોર્ડર હોય ત્યાં પણ ઘર ન લેવું.
⦁ દુકાન પાસે ઘર હોવું પણ અશુભ મનાય છે.
⦁ યાદ રાખો, હોસ્પિટલની આસપાસ ક્યારેય ઘર ન હોવું જોઇએ. તે ખૂબ જ અશુભ મનાય છે.
⦁ સ્મશાનની નજીક પણ ક્યારેય ઘર ન હોવું જોઇએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)