હિન્દુ ધર્મમાં કુલ 16 સંસ્કાર દર્શાવવામાં આવ્યા છે. તેમાંથી એક સંસ્કાર લગ્ન પણ છે. તેને ખૂબ જ મહત્વપૂર્ણ સંસ્કાર ગણવામાં આવે છે. લગ્ન દરમ્યાન કેટલીક પરંપરાઓનું પાલન કરવામાં આવે છે જેમ કે 7 વચન, 7 ફેરા વગેરે. હિન્દુ ધર્મમાં લગ્નને માત્ર 2 લોકોનું મિલન જ નહીં, પરંતુ બે પરિવારોનું મિલન કહેવામાં આવે છે.
આ દરમ્યાન કેટલીક પરંપરાઓનું પાલન પણ કરવામાં આવે છે.
લગ્ન દરમ્યાન યુવતીને યુવકની જમણી બાજુ બેસાડવામાં આવે છે અને થોડીવાર પછી યુવકની ડાબી બાજુ બેસાડવામાં આવે છે. આ કાર્ય સપ્તપદીના ફેરા પછી જ કરવામાં આવે છે. મહાભારત અનુસાર જ્યાં સુધી સપ્તપદીની વિધિ પૂર્ણ ન થાય, ત્યાં સુધી યુવતીને પત્નીત્વની સિદ્ધિ પ્રાપ્ત નથી થતી. એટલે કે સપ્તપદી બાદ જ વધૂ ‘પત્ની’ બને છે. વામાંગી બને છે ! આવો, તેના મહત્વને સમજીએ.
શું છે સપ્તપદીની વિધિ ?
લગ્ન દરમ્યાન જે સાત ફેરાની વિધિ કરવામાં આવે છે, તેને સપ્તપદીની વિધિ પણ કહેવામાં આવે છે. તેના અંતર્ગત વર-વધૂની સામે ચોખાની 7 ઢગલીઓ બનાવવામાં આવે છે. ત્યારબાદ એક એક મંત્ર બોલીને, એક-એક ફેરા વખતે ચોખાની ઢગલીઓને પગના અંગૂઢાથી તોડવામાં આવે છે. તે દરમ્યાન 7 મંત્ર બોલવામાં આવે છે. જેમાં પહેલો મંત્ર અન્ન માટે, બીજો મંત્ર બળ માટે, ત્રીજો મંત્ર ધન માટે, ચોથો મંત્ર સુખ માટે, પાંચમો મંત્ર પરિવાર માટે, છઠ્ઠો મંત્ર ઋતુચર્યા માટે અને સાતમો મંત્ર મિત્રતા માટે બોલવામાં આવે છે. એવી આશા રાખવામાં આવે છે કે પતિ-પત્ની આ દરેક વાતોનું ધ્યાન રાખીને જીવન સુખમય રીતે પસાર કરે.
પત્ની બને છે વામાંગી !
સપ્તપદી બાદ વધૂને વરની ડાબી બાજુ બેસાડવામાં આવે છે. કારણ કે તે વામાંગી બની જાય છે. વામાંગી પત્નીને જ કહેવામાં આવે છે. વામાંગીનો અર્થ થાય છે કે ડાબી બાજુના અંગની અધિકારી ! એટલે પુરુષના શરીરનો ડાબો હિસ્સો સ્ત્રીનો માનવામાં આવે છે. તેની પાછળ એક કારણ એ પણ છે કે ભગવાન શિવના ડાબા અંગથી જ શક્તિની ઉત્પત્તિ થઇ હતી. વિશેષ ધાર્મિક અવસરોમાં પત્નીને પતિના ડાબા હાથની તરફ બેસાડવામાં આવે છે.
ભીષ્મ પિતામહે જણાવ્યું સપ્તપદીનું મહત્વ !
મહાભારત અનુસાર જ્યારે ભીષ્મ પિતામહ બાણની શૈયા પર સૂતા હતા તે સમયે તેમણે યુધિષ્ઠિરને અનેક સાંસારિક વાતોનું જ્ઞાન આપ્યું હતું. ભીષ્મ પિતામહે એ પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી વર-વધૂ સપ્તપદીની વિધિ પૂર્ણ ન કરે ત્યાં સુધી તે બંને પતિ-પત્ની નથી બનતા. સપ્તપદી બાદ જ યુવતીમાં પત્નીત્વની સિદ્ધિ આવે છે. ત્યારબાદ જ તેને પત્નીનો અધિકાર પ્રાપ્ત થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)