fbpx
Monday, December 23, 2024

એક પાન તમારી ઇચ્છાઓને પૂર્ણ કરશે! જાણો, એક વૃક્ષ કેવી રીતે બદલશે તમારું ભાગ્ય?

જ્યોતિષ શાસ્ત્રમાં વડના વૃક્ષનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો નિવાસ મનાય છે. તેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તો જ્યોતિષ શાસ્ત્રમાં આ વૃક્ષ સંબંધી તેમજ વૃક્ષના પાન સંબંધી કેટલાંક ઉપાયોનું વર્ણન મળે છે. આ એવા ઉપાયો છે કે જે કરવાથી જીવનની અનેકવિધ સમસ્યાથી લોકોને છૂટકારો મળી જાય છે.

એટલું જ નહીં, તે ધંધામાં પ્રગતિના તેમજ જીવનમાં સફળતાના દ્વાર પણ ખોલી દે છે. તો વડનું માત્ર એક પર્ણ તમારી મનોકામનાને પૂર્ણ કરવાનું સામર્થ્ય પણ ધરાવે છે. આવો, તે વિશે વિગતે જાણીએ.

વાસ્તુશાસ્ત્રમાં વડના વૃક્ષનો મહિમા

વાસ્તુશાસ્ત્રમાં વડના વૃક્ષના કેટલાંક લાભ તેમજ કેટલાંક નુકસાન જણાવવામાં આવ્યા છે. જો વડનું ઝાડ ઘરની પૂર્વ દિશામાં હોય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર તે આપને ધનની પ્રાપ્તિ કરાવે છે. પરંતુ, જો વડનું વૃક્ષ ઘરની પશ્ચિમ દિશામાં હોય તો તેને અશુભ માનવામાં આવે છે.

હળદર અને કેસર અર્પણ કરો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે વડના વૃક્ષમાં હળદર અને કેસર અર્પણ કરવા જોઈએ. આ કાર્યને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા એવી છે કે આવું કરવાથી વેપારમાં થઇ રહેલું નુકસાન દૂર થાય છે. ધીમે-ધીમે નફો વધે છે અને પ્રગતિના દ્વાર પણ ખુલી જાય છે.

શુદ્ધ ઘીનો દીવો પ્રજવલિત કરો

સાંજના સમયે વડના વૃક્ષ નીચે શુદ્ધ ઘીનો દીવો પ્રજવલિત કરી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ. આ કાર્ય અત્યંત લાભદાયી મનાય છે. કહે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને જીવનની તમામ સમસ્યાઓથી મુક્તિ મળી જાય છે.

મનશાપૂર્તિ અર્થે વિશેષ ઉપાય

મનશાપૂર્તિ અર્થે રવિવારના દિવસે એક વિશેષ ઉપાય અજમાવવો. વડના વૃક્ષના પાન ઉપર પોતાની ઇચ્છા લખવી અને પછી વહેતી નદીમાં તે પાનને પ્રવાહિત કરી દેવું. કહે છે કે આમ કરવાથી આપની લખેલી ઇચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય છે.

વટ સાવિત્રી વ્રતનો મહિમા

પતિના દીર્ઘાયુષ્ય માટે મહિલાઓ વટ સાવિત્રીનું વ્રત કરતી હોય છે. માન્યતા એવી છે કે વડના ઝાડમાં ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માજીનો વાસ હોય છે. વડના ઝાડનું આયુષ્ય સૌથી વધુ હોવાથી તેને અક્ષયવટ કે અક્ષયવૃક્ષ પણ કહેવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતમાં મહિલાઓ આ અક્ષયવટની પ્રદક્ષિણા કરે છે. આ અક્ષયવટની પૂજાથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થતા હોવાની માન્યતા પ્રચલિત છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles