સનાતન ધર્મમાં દાન આપવાની પરંપરા સદીઓથી ચાલતી આવી છે. આમ તો દાન અનેક પ્રકારના હોય છે. જેમાં ગુપ્તદાન સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર માનવામાં આવે તો દાન કરવાથી વ્યક્તિને દરેક પ્રકારના કષ્ટ તેમજ પાપમાંથી મુક્તિ મળે છે. એક માન્યતા અનુસાર જે વ્યક્તિ નિઃસ્વાર્થભાવે કોઇ ગરીબ, જરૂરિયાતમંદ અને બ્રાહ્મણને દાન કરે છે, તેનો સમગ્ર પરિવાર પુણ્યની પ્રાપ્તિ કરે છે.
એટલે જ કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના સામર્થ્ય અનુસાર દાન જરૂરથી કરવું જોઈએ. ત્યારે આવો, આજે એ જાણીએ કે કઈ ત્રણ વસ્તુઓનું દાન મનુષ્યએ જીવનમાં એકવાર જરૂરથી કરવું જોઈએ ?
કઈ વસ્તુઓનું કરશો દાન ?
હિન્દુ ધર્મમાં દાનનું વિશેષ મહત્વ છે. જેમાં અનાજ, વસ્ત્ર અને ધનના દાનની સવિશેષ મહત્તા રહેલી છે. તો, સાથે જ 3 ‘ખાસ’ વસ્તુઓનો પણ ઉલ્લેખ મળે છે. કહે છે કે આ ત્રણ વસ્તુઓના દાનથી વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારના સંકટ દૂર થઇ જાય છે અને તેને તમામ પ્રકારના સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ ત્રણ વસ્તુઓ નીચે અનુસાર છે.
માંગ ટીકાનું દાન
હિન્દુ ધર્મની માન્યતા અનુસાર સૌભાગ્યવતી સ્ત્રીઓએ માંગ ટીકાનું દાન કરવું જોઈએ. કહે છે કે પતિ પર આવનારા સંકટો આ માંગ ટીકાના દાનથી આવતા પહેલાં જ ટળી જાય છે ! તેમજ પતિની દિવસે-દિવસે પ્રગતિ થતી જાય છે.
જૂતા-ચંપલનું દાન
શાસ્ત્રોમાં જૂતા-ચંપલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને એક રીતે કાળ સાથે જોડવામાં આવે છે. કહે છે કે આ દાનને લીધે દરેક સંકટ, બીમારી તેમજ આર્થિક સમસ્યાઓ આવતા પહેલાં જ ટળી જાય છે. તેને લીધે શનિની સાડાસાતી અને અઢી વર્ષની પનોતીમાં પણ રાહતની પ્રાપ્તિ થાય છે. એક માન્યતા અનુસાર શનિદોષ પગથી જ ચઢવાનું ચાલું કરે છે. એ જ કારણ છે કે શનિવારના દિવસે કાળા રંગના જૂતા-ચંપલનું દાન કરવાથી શનિદોષ શાંત થતો હોવાની માન્યતા પ્રચલિત છે. જૂતા કે ચંપલનું દાન કરતી વખતે નીચે જણાવેલ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ.
ઉપાનહૌ પ્રદતે મે કણ્ટકાદિનિવારણે ।
સર્વમાર્ગેષુ સુખદે અતઃ શાન્તિં પ્રયચ્છ મે ।।
આ શ્લોકનો અર્થ છે કે કાંટાથી પગની રક્ષા કરવાથી લઈ દરેક માર્ગમાં સુખ પ્રદાન કરનાર જૂતા મારા દ્વારા દાન કરવામાં આવ્યા છે. તે મને શાંતિ પ્રદાન કરશે !
છત્રીનું દાન !
શાસ્ત્રો અનુસાર છત્રીનું દાન કરવું પણ એક મહાદાન માનવામાં આવે છે. શ્રાદ્ધ દરમ્યાન બ્રાહ્મણોને ખાસ કરીને છત્રીનું દાન કરવામાં આવે છે. તેની પાછળનો ભાવાર્થ એ છે કે, પિતૃઓને તેમની યાત્રા દરમ્યાન માર્ગમાં અલગ અલગ ઋતુઓનો સામનો કરવો પડશે. તે સમયે તેમને આ દાનમાં આપેલી છત્રી જ કામમાં આવશે. છત્રીનું દાન કરતી વખતે બોલવાનો મંત્ર નીચે અનુસાર છે.
ઇહામુંત્રાતપત્રાણં કુરુ મે કેશવ પ્રભો ।
છત્રં ત્વત્પ્રીતયે દતં મમાસ્તુ ચ સદા શુભમ્ ।।
આ શ્લોકનો અર્થ એ છે કે, “હે કેશવ ! આ છત્રી મેં આપની પ્રસન્નતા માટે આપી છે. આ છત્રી મારા માટે આ લોક તથા પરલોકમાં તડકાથી રક્ષા કરનાર છે. તેના દાનથી સદાય મારુ કલ્યાણ, મંગળ થતું રહે.”
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)