વ્યસ્ત દિનચર્યાવાળા આજના જીવનમાં પુરુષોની જવાબદારીઓ પહેલા કરતાં ઘણી વધી ગઈ છે. જેથી તેઓ પોતાના સ્વાસ્થ્યની સંભાળ નથી લઇ શકતા. જો પુરુષો સ્વસ્થ આહાર ન લે તો તેઓને લાંબા ગાળે આડઅસર થઈ શકે છે. ત્યારે ડૉક્ટરોનું કહેવું છે કે, જો પુરુષો પોતાના દૈનિક આહારમાં અંજીરનું સેવન કરે તો તેઓને ઘણા ફાયદા થઇ શકે છે.
અંજીર ખાવાથી થતા ફાયદા
કબજિયાતથી મળશે આરામ
અંજીરને ફાઈબરનો સ્ત્રોત માનવામાં આવે છે. અંજીરને નિયમિત રીતે ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે. જે લોકોને કબજિયાતની સમસ્યા રહેલી છે તેઓએ જરૂરથી અંજીરનું સેવન કરવું જોઈએ. અંજીર ખાવાથી મળ ત્યાગમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
અંજીર ફાઈબરનો સારો સ્ત્રોત છે, જેથી તેને ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી. જેના કારણે ઓછો આહાર લેવો પડે છે અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
હૃદય રોગથી બચાવે છે
ભારતમાં મોટાભાગના લોકો હૃદય રોગથી પીડાઈ રહ્યા છે, જેમાં પુરુષોનો સમાવેશ મોટી સંખ્યામાં થાય છે. પુરુષો મોટાભાગના સમયે કામ અર્થે ઘરેથી બહાર રહે છે, જેના કારણે તેઓ ઓઈલી ફૂડ વધુ ખાય છે. જેથી હાઈ કોલેસ્ટ્રોલ અને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. અંજીર એ એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર છે, તેને ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે, કારણ કે તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.
આ રીતે ખાઓ અંજીર
અંજીરને તમે કાચા પણ ખાઈ શકો છો અને રાંધીને પણ ખાઈ શકો છો. જોકે, તેને સૂકવીને ડ્રાયફ્રુટ્સની જેમ ખાવાનો ટ્રેન્ડ છે. જો પુરૂષો આ ફળ દ્વારા મહત્તમ લાભ મેળવવા માંગતા હોય તો અંજીરને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠીને તેને ખાલી પેટ ખાઓ. કેટલાક લોકો તેને રાત્રે સૂતા પહેલા અંજીરને દૂધમાં મિક્સ કરીને પીવે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)