ગાયત્રી મંત્રને અનંત ઊર્જાનો સંપૂટ મનાય છે. માન્યતા અનુસાર તેમાં અપાર શક્તિ રહેલી છે. નિર્જીવમાં પણ પ્રાણ ફૂંકવાનું તેનામાં સામર્થ્ય છે. આ મંત્ર આપણી સંસ્કૃતિમાં એ રીતે વણાઈ ગયો છે કે નાના બાળકને અન્ય કોઈ મંત્ર આવડે કે ન આવડે પણ ગાયત્રી મંત્ર તો આવડતો જ હોય !
પણ, શું તમે એ જાણો છો કે આ મંત્રનો જાપ કરવાના પણ કેટલાંક નિયમો છે ?
એટલે કે, ગાયત્રી મંત્રનો જાપ કરતા પહેલાં કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. નહીંતર આ ફળદાયી મંત્ર તમને પૂર્ણ લાભની પ્રાપ્તિ નહીં કરાવે. ત્યારે આવો જાણીએ કે ગાયત્રી મંત્રના જાપ સમયે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
ગાયત્રી મંત્રના જાપના નિયમો
⦁ કોઈ ગુરુના માર્ગદર્શન હેઠળ જ આ મંત્રનો જાપ કરવો જોઈએ.
⦁ નિત્ય સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને જ મંત્રજાપનો આરંભ કરવો. એટલે કે, જો તમે સંધ્યા સમયે ગાયત્રી મંત્રનો જાપ કરવા ઈચ્છતા હોવ, તો પણ સ્નાન બાદ જ તે મંત્રનો જાપ કરવો શુભદાયી બની રહેશે.
⦁ શક્ય હોય તો મંત્રજાપ સમયે સુતરાઉ વસ્ત્ર ધારણ કરવા.
⦁ મંત્રજાપ માટે કુશના આસન પર અથવા તો ચટાઈ પર જ બેસવું.
⦁ તુલસી માળા અથવા તો ચંદનની માળાથી જ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ.
⦁ બ્રહ્મ મુહૂર્તમાં પૂર્વ દિશા તરફ મુખ રાખીને મંત્રજાપ કરવો ફળદાયી મનાય છે. તો સાંજે પશ્ચિમ દિશા તરફ મુખ રાખી મંત્રજાપ કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે.
⦁ મંત્ર જાપના દિવસો દરમિયાન તમારી ખાણી-પીણી એકદમ સાત્વિક હોવી જરૂરી છે.
⦁ ગાયત્રી મંત્રનો જાપ કરી રહ્યા હોવ તે દરમ્યાન ભૂલથી પણ વાત ન કરવી જોઈએ.
⦁ તમે મંત્રજાપ કરી રહ્યા હોવ તે દરમિયાન મનમાં કોઈના પણ માટે ખટરાગ કે કડવાશનો ભાવ ન રાખવો જોઈએ.
⦁ જેમ મનશુદ્ધિ જરૂરી છે, તે જ રીતે આસપાસની શુદ્ધિ પણ એટલી જ જરૂરી છે. એટલે કે, તમે જ્યારે મંત્રજાપ કરી રહ્યા હોવ ત્યારે આસપાસ સ્વચ્છતા છે કે નહીં, તે એકવાર જરૂરથી ચકાસી લો. સ્વચ્છ સ્થાન પર મંત્રજાપથી જ સકારાત્મક ઊર્જાની પ્રાપ્તિ થશે.
⦁ હંમેશા કમરને ટટ્ટાર રાખીને જ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. જો તમે આવું નહીં કરો તો તમને મંત્રજાપના પૂર્ણ ફળની પ્રાપ્તિ નહીં થાય.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)