બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે. માત્ર વિદ્યાર્થીઓનું જ નહીં, માતા-પિતાનું ટેન્શન પણ વધી રહ્યું છે. જો કે, આ સમય તણાવમાં રહેવાનો નહીં, પરંતુ, સંતાનોને હૂંફ આપી તેમના આત્મવિશ્વાસને વધારવાનો છે. ખાસ વાત એ છે કે માતા-પિતાના વાત્સલ્ય સાથે રુદ્રાક્ષ સંબંધી કેટલાંક ઉપાયો પણ તમારા સંતાનને મદદરૂપ થઈ શકે છે.
બાળકની અભ્યાસ સંબંધી સમસ્યા અનુસાર તેના ગળામાં રુદ્રાક્ષ ધારણ કરાવી તમે તેની પરેશાનીને દૂર કરી શકો છો. કોઈ બાળકને ભણવામાં જ રસ ન હોય, કોઈ બાળક ભણતું હોય પણ આત્મવિશ્વાસ ન હોય કે પછી કોઈને વાંચ્યા બાદ યાદ જ ન રહેતું હોય તો તેનું નિરાકરણ એક રુદ્રાક્ષ દ્વારા મેળવી શકાય છે. આવો, આજે તે સંબંધી વિગતવાર માહિતી મેળવીએ.
અભ્યાસમાં એકાગ્રતા
જો બાળકનું મન અભ્યાસમાં ન લાગી રહ્યું હોય તો તેને 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરાવવો જોઈએ. આ રુદ્રાક્ષને લાલ, સફેદ કે કાળા રંગના દોરામાં બાંધીને સોમવારના દિવસે બાળકના ગળામાં ધારણ કરાવવો જોઇએ. તેનાથી બાળકને એકાગ્રતાના આશીર્વાદ મળશે. તેમજ તેનું મન અભ્યાસમાં એકાગ્ર બનશે.
સ્મરણશક્તિ વધારવા
જો બાળકો વાંચેલું ભૂલી જતા હોય તો તેમને ગણેશ રુદ્રાક્ષ ધારણ કરાવવો જોઈએ. આ રુદ્રાક્ષ લીલા રંગના દોરામાં ધારણ કરાવવો. આ સાથે કોઈ આયુર્વેદના જાણકારની સલાહ લઈ બાળકને સવાર-સાંજ બ્રાહ્મીવટીનું સેવન કરાવવું જોઈએ.
આત્મવિશ્વાસ વધારવા
જો આપના બાળકનો આત્મવિશ્વાસ ખૂબ જ નબળો હોય તો તેને 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરાવવો ફળદાયી બની રહેશે. શક્ય હોય તો આ રુદ્રાક્ષ ચાંદીની ચેઈનમાં પહેરાવવો જોઈએ. જો તે શક્ય ન હોય તો કાળા રંગના દોરામાં ધારણ કરાવવો. આ રુદ્રાક્ષ ધારણ કરાવ્યાના થોડા સમયમાં તમને તેના સકારાત્મક પરિણામ જરૂરથી જોવા મળશે.
સફળતા માટે
જો બાળકોને ખૂબ જ મહેનત કરવા છતાં સફળતા ન મળી રહી હોય તો તેમને 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરાવવો જોઈએ. માન્યતા અનુસાર 12 મુખી રુદ્રાક્ષની ઉર્જાને લીધે બાળકને સફળતા પ્રાપ્તિના યોગ સર્જાય છે.
સ્વભાવને શાંત કરવા
જો બાળકનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો હોય તો તેને શાંત કરવા એક વિશેષ ઉપાય અજમાવો. તાંબાના ગ્લાસમાં કે કળશમાં પાણી ભરો. ત્યારબાદ એક 4 મુખી રુદ્રાક્ષ લઈ તેને સારી રીતે ધોઈને તે પાણી ભરેલા ગ્લાસમાં મૂકી દો. બાળક સવારે ઉઠે એટલે તેને તે પાણી પીવડાવી દેવું. થોડાં જ સમયમાં આપને ચોક્કસપણે લાભ વર્તાશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)