ફાગણ સુદ એકાદશીની તિથિ એ આમલકી એકાદશી તરીકે ઓળખાય છે. આ વખતે, 2 માર્ચ, ગુરુવાર તેમજ 3 માર્ચ, શુક્રવાર એમ બે દિવસ એકાદશીનો સંયોગ સાંપડ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ એકાદશી રંગભરી એકાદશીના નામે પણ ઓળખાય છે. અને તેના નામની જેમ જ તે વ્યક્તિના જીવનમાં ખુશીઓના રંગ પૂરી દે છે ! આ રંગભરી એકાદશી સાથે માતા પાર્વતી અને શિવજીનો ગાઢ નાતો જોડાયેલો છે.
આવો જાણીએ કે આ નાતો શું છે અને રંગભરી એકાદશી તમારી કેવી – કેવી કામનાઓની પૂર્તિ કરનારી છે !
કેમ કહે છે રંગભરી એકાદશી ?
આમ તો દરેક એકાદશી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરાવનારી મનાય છે. પણ, રંગભરી એકાદશી તો શ્રીવિષ્ણુની સાથે શિવ-પાર્વતીના આશીર્વાદની પણ પ્રાપ્તિ કરાવે છે. ઉલ્લેખનીય છે કે કાશી નગરી એ શિવજીને અત્યંત પ્રિય નગરી મનાય છે.
પૌરાણિક કથા અનુસાર શિવ-પાર્વતી તેમના વિવાહ બાદ પહેલીવાર જ્યારે કાશી નગરીમાં આવ્યા તે દિવસ ફાગણ સુદ એકાદશીનો હતો. દેવતાઓ સહિત કાશીના નિવાસીઓએ રંગ ઉડાવી શિવ-પાર્વતીનું સ્વાગત કર્યું. જેને કારણે આ એકાદશી રંગભરી એકાદશીના નામે પ્રસિદ્ધ થઈ. વારાણસીમાં આજે પણ રંગભરી એકાદશીથી જ રંગોથી રમવાની શરૂઆત થઈ જાય છે. એ જ કારણ છે કે આ એકાદશીએ શિવ-પાર્વતી સંબંધી વિવિધ ઉપાયો અજમાવીને શ્રદ્ધાળુઓ તેમની વિધ-વિધ મનોકામનાની પૂર્તિ કરી શકે છે.
લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા
જો લગ્નમાં કોઈપણ પ્રકારના વિઘ્ન આવી રહ્યા હોય, કોઈપણ પ્રકારની સમસ્યા ઉભી થઈ રહી હોય તો રંગભરી એકાદશી એટલે કે, આમલકી એકાદશીએ જરૂરથી ઉપવાસ કરવો. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની જરૂરથી પૂજા કરવી. ત્યારબાદ તેમને ગુલાબી રંગનો ગુલાલ અર્પણ કરવો. તેમજ પ્રાર્થના કરવી કે આ ગુલાલની જેમ તમારું જીવન પણ ગુલાબી થાય. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપની વિવાહ સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે. અને ત્વરિત વિવાહના યોગ બને છે.
આર્થિક સમસ્યાથી મુક્તિ અર્થે
સવારે સ્નાન કર્યા બાદ એકાદશી વ્રતનો સંકલ્પ લેવો. ઘરેથી જ એક પાત્રમાં જળ લેવું અને પછી શિવ મંદિરે જઈ શિવલિંગ પર તે જળ અર્પિત કરવું. ત્યારબાદ આસ્થા સાથે પ્રભુને બીલીપત્ર, ચંદન તેમજ ગુલાલ સમર્પિત કરવા. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી વ્યક્તિને તમામ પ્રકારની આર્થિક સમસ્યામાંથી મુક્તિ મળી જા છે.
આરોગ્યની પ્રાપ્તિ અર્થે
જો પરિવારમાં કોઈને પણ સ્વાસ્થ્ય સંબંધી વિવિધ સમસ્યાઓ સતાવી રહી હોય ત્યારે રંગભરી એકાદશીએ રાત્રિએ એક ખાસ ઉપાય અજમાવવો. રાત્રિના સમયે જ શિવજીની આરાધના કરવી. મહાદેવને જળ અને બીલીપત્ર જરૂરથી અર્પણ કરવા. ત્યારબાદ તેમને લાલ, પીળા અને સફેદ રંગનો ગુલાલ અર્પણ કરવો. તેની સાથે “ૐ હૌં જૂં સઃ” મંત્રની 11 માળાનો જાપ કરવો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)