જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને સૌથી મોટો ગ્રહ માનવામાં આવે છે. ગુરુ ગ્રહ એટલે કે બૃહસ્પતિને જ્ઞાનનો કારક ગ્રહ માનવામાં આવે છે. એટલે જ જે લોકોનો ગુરુ ગ્રહ ખરાબ હોય છે, તેમને ગુરુવારના દિવસે વિશેષ પૂજા અને ઉપાય કરવાની સલાહ આપવામાં આવે છે.
એ જ રીતે જો ગુરુ ગ્રહ મજબૂત હોય તો વિદ્યા પ્રાપ્તિના આડે આવનારી દરેક મુસીબતો દૂર થઈ જાય છે.
પણ, તેનાથી વિપરીત જ્યારે ગુરુ ગ્રહની સ્થિતિ નબળી હોય તો બાળકોને વિદ્યાપ્રાપ્તિમાં અવરોધોનો સામનો કરવો પડે છે. આવા બાળકોને પરીક્ષાનો પણ ડર સતાવવા લાગે છે. ત્યારે ગુરુવારના દિવસે કેટલાંક વિશેષ ઉપાયો અજમાવીને તમે અભ્યાસમાં તેમજ નોકરીના ક્ષેત્રમાં સફળતાની પ્રાપ્તિ કરી શકો છો. આવો, આજે તે વિશે જ વિગતે જાણીએ.
પરીક્ષા પહેલાં કરી લો ગુરુવારના આ ઉપાય !
⦁ જો તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના જરૂરથી કરવી જોઈએ. કારણ કે, ગુરુવાર એ ગુરુ ગ્રહની સાથે ભગવાન વિષ્ણુને પણ સમર્પિત કરવામાં આવ્યો છે. અને કહે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ગુરુ ગ્રહની સ્થિતિ પણ મજબૂત થાય છે.
⦁ એક માન્યતા અનુસાર ગુરુવારના દિવસે જો ગાયને પૈંડા ખવડાવવામાં આવે તો પરીક્ષામાં સારું પરિણામ પ્રાપ્ત થાય છે. અલબત્, ગાયને પૈંડા ખવડાવવાની સાથે જ વિદ્યાર્થીએ અભ્યાસમાં સારી મહેનત કરી હોય તે પણ એટલું જ જરૂરી છે.
⦁ જો વિદ્યાર્થીની કુંડળીમાં બૃહસ્પતિની એટલે કે ગુરુ ગ્રહની દશા ખરાબ ચાલી રહી હોય તો ગુરુવારના દિવસે મંદિરમાં કેસર અને ચણાની દાળનું દાન કરવું જોઈએ. આ દાન જો વિદ્યાર્થીના હાથે જ કરાવવામાં આવે તો તે ઉત્તમ રહેશે.
⦁ ગુરુવારના દિવસે સ્નાન કરતી વખતે પાણીમાં થોડી હળદર ઉમેરીને સ્નાન કરવાથી વ્યક્તિના અટકેલા કાર્યો પૂર્ણ થઈ જાય છે.
પરીક્ષા વખતે કરવાના ઉપાય
⦁ બાળકો પરીક્ષા આપવા જાય તે સમયે તેમને મસ્તક પર કેસરનું તિલક અવશ્ય લગાવવું જોઈએ. તે બાળકને એકાગ્રતા પ્રદાન કરશે અને તેનું શુભ પરિણામ પણ જોવા મળશે.
⦁ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ઘરેથી નીકળે તે સમયે રસ્તામાં ગાયને ગોળ મૂકેલી રોટલી ખવડાવવી જોઈએ. માન્યતા અનુસાર આ સરળ ઉપાય વિદ્યાર્થી માટે લાભપ્રદ સાબિત થશે.
જેમ-જેમ વિદ્યાર્થીઓને પરીક્ષાનો સમય નજીક આવતો હોય છે, તેમ-તેમ તેમના પર સારા માર્કસથી પાસ થવાનું દબાણ વધતું જતું હોય છે. પણ, આવા સમયે બાળકોએ પોતાનામાં વિશ્વાસ અને ભગવાનમાં આસ્થા રાખીને આગળ વધવું જોઈએ. તો તેમનો તણાવ પણ દૂર થશે અને ઇચ્છિત ફળની પ્રાપ્તિ થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)