હોળીનો શુભ પર્વ નજીક છે. આ પર્વને આપણે અધર્મ પર ધર્મના વિજય તરીકે જોઈએ છીએ. હર્ષોલ્લાસથી તેને ઉજવીએ છીએ. પણ, વાસ્તવમાં આ પર્વ આપણાં જીવનની નકારાત્મકતાને, આપણાં જીવનના અભાવને દૂર કરી તેને નવી ચેતનાથી ભરી દે છે ! તો સાથે જ હોળીના દિવસે કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને વ્યક્તિ તેની વિવિધ સમસ્યાઓથી પણ મુક્તિ મેળવી શકે છે.
જો તમે તમારા વેપાર-ધંધામાં સતત અસફળતાનો સામનો કરી રહ્યા હોવ, તો આજનો આ ઉપાય આપના માટે જ છે.
કોડીથી ધંધામાં પ્રગતિ !
બિઝનેસ કરનારા લોકોની હંમેશાથી એક જ મનશા હોય છે, કે તેમને તેમના ધંધામાં ખૂબ જ સફળતા મળે. એટલું જ નહીં, આર્થિક રીતે પણ તેમની એટલી પ્રગતિ થાય કે જીવનમાં કોઈપણ વસ્તુની ખોટ ન રહે. પરંતુ, ઘણીવાર ખૂબ જ મહેનત કરવા છતાં વ્યક્તિને તેનું ભાગ્ય સાથ નથી આપતું. અને તેણે અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીના અવસર પર કોડી સંબંધી કેટલાંક ખાસ ઉપાય અજમાવીને તમે તમારા જીવનમાં પ્રગતિ મેળવી શકો છો. એટલું જ નહીં, ભાગ્ય આડેના અવરોધોને દૂર કરી તમારા ધંધામાં નવી ઊંચાઈને આંબી શકો છો.
ધંધામાં સફળતા મેળવવા
⦁ જો આપ ધંધામાં સતત નુકસાનીનો સામનો કરી રહ્યા હોવ, કામ પૂરાં થતાં પહેલાં જ અટકી જતા હોય તો હોળીના દિવસે ખાસ ઉપાય અજમાવો.
⦁ એક પીળા રંગનું વસ્ત્ર લો. તેમાં કાળી હળદર, 11 ગોમતી ચક્ર, 11 કોડીઓ તેમજ 1 ચાંદીનો સિક્કો મૂકીને ગાંઠ બાંધી લો. કોઈને કશું જ ન કહો.
⦁ હોળી પ્રાગટ્ય સમયે તેની 11 વખત પ્રદક્ષિણા કરો અને સાથે જ 108 વખત “ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ” મંત્રનો જાપ કરો.
⦁ પરિક્રમા અને મંત્રજાપ પૂરા થાય એટલે સીધા જ તે પીળી પોટલી લઈને ઘરે આવો. તે પોટલીને ઘરની તિજોરી અથવા તો ધન રાખવાની જગ્યા પર મૂકી દો.
⦁ માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા સદૈવ આપના પર અકબંધ રહે છે. એટલું જ નહીં, માતાની કૃપાને લીધે બિઝનેસમાં પણ એટલી સફળતા પ્રાપ્ત થાય છે કે ક્યારેય ધનની ખોટ નથી વર્તાતી.
શું ધંધાને પણ લાગે નજર ?
ઘણીવાર એવું બને છે કે જો બિઝનેસ પર કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તો પણ તેમાં સતત નુકસાન થવા લાગે છે. એટલું જ નહીં, તેની સાથે જોડાયેલા લોકોની ખુશીઓ પણ દૂર થઈ જાય છે. આ સંજોગોમાં હોળીના દિવસે 7 કોડીઓ લેવી. ત્યારબાદ તેને પોતાના જ માથા પરથી સાત વખત ઉતારી લેવી અને પછી તેને હોળીની આગમાં નાંખી દેવી. કહે છે કે આવું કરવાથી વ્યક્તિને ખૂબ જ ઝડપથી લાભની પ્રાપ્તિ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)