હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ દરમિયાન એવી ચાર રાત્રી આવે છે, કે જે રાત્રીએ સાધનાનું અને પૂજાનું માહાત્મ્ય રહેલું છે. આ ચાર રાત્રીમાં નવરાત્રી, જન્માષ્ટમી, શિવરાત્રી અને દારુણરાત્રી એટલે કે હોળીનો સમાવેશ થાય છે. હોળીની સાધના અત્યંત ફળદાયી મનાય છે. એમાં પણ આ વખતે હોળી અત્યંત શુભ સંયોગ સાથે આવી છે.
જે સવિશેષ લાભદાયી મનાઈ રહી છે. ત્યારે આવો જાણીએ કે આ હોળી પર કયો મહાસંયોગ સર્જાયો છે ? અને આ શુભ સંયોગ કેવાં લાભની પ્રાપ્તિ કરાવશે ?
ત્રણ શુભ સંયોગ !
આ વખતે હોળી પ્રાગટ્ય ક્યારે કરવું તેને લઇને ખૂબ જ અસમંજસ છે. પરંતુ, 6 માર્ચ, સોમવારે સાંજે પૂનમનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પૂનમ 7 માર્ચ, મંગળવારે સાંજે સમાપ્ત થશે. સંધ્યાકાળ સોમવારે મળી રહ્યો હોઇ ગુજરાતના દ્વારકા, સોમનાથ જેવાં મંદિરોમાં 6 માર્ચે હોળી પ્રાગટ્ય કરવામાં આવશે. તો, કેટલાંક સ્થાન પર 7 માર્ચે હોળી પ્રાગટ્યનું આયોજન થયું છે. પણ, સૌથી મહત્વની વાત એ છે કે, બંન્નેમાંથી જે પણ દિવસે હોલિકા દહન થાય, પણ, તે સમયે ત્રણ શુભ યોગ બની રહ્યા છે. જે વિશેષ ફળદાયી મનાય છે. આ શુભ સંયોગ નીચે અનુસાર છે.
શનિ, સૂર્ય અને બુધનો ત્રિગ્રહી યોગ !
હોળીના અવસર પર શનિની રાશિ કુંભમાં શનિ, સૂર્ય અને બુધની યુતિ બની રહી છે. આ 3 ગ્રહોની યુતિથી ત્રિગ્રહી યોગ સર્જાયો છે. આવો સંયોગ 30 વર્ષ બાદ બની રહ્યો છે. આ પહેલાં વર્ષ 1993માં હોળીના અવસર પર આ 3 ગ્રહ કુંભ રાશિમાં હતા.
બુધાદિત્ય રાજયોગ
કુંભ રાશિમાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધાદિત્ય રાજયોગને ખૂબ શુભ માનવામાં આવે છે. આ યોગ આ વખતે વૃષભ, શુક્ર અને કુંભ રાશિના જાતકોને શુભ ફળ પ્રદાન કરશે.
સ્વરાશિમાં ગુરુ ગ્રહ !
ગુરુ ગ્રહ પણ તેની સ્વરાશિ મીનમાં છે. જે 12 વર્ષ બાદ થઇ રહ્યું છે. આ પહેલાં હોળીના અવસર પર વર્ષ 2011માં ગુરુ પોતાની સ્વરાશિ મીનમાં હતા. ગ્રહોની આ પ્રકારની શુભ અને અદભુત સ્થિતિ દુર્લભ યોગ માનવામાં આવે છે. જેની મોટી અસર 12 રાશિઓ પર થશે.
શુક્ર કરાવશે સમૃદ્ધિમાં વૃદ્ધિ !
ધન, વિલાસ, વૈભવ, પ્રેમના દાતા મનાતા શુક્ર ગ્રહ વર્તમાનમાં ગુરુની સાથે મીન રાશિમાં બિરાજમાન છે. ગુરુ ભાગ્યમાં વૃદ્ધિ કરનાર ગ્રહ છે. આ 2 શુભ ગ્રહો પોતાની ઉચ્ચ રાશિ મીનમાં હોવાથી લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને પ્રેમમાં વધારો કરશે. મીન રાશિમાં શુક્ર અને ગુરુની યુતિ ખાસ કરીને વૃષભ અને તુલા રાશિના જાતકોને શુભ ફળ પ્રદાન કરશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)