મોટાભાગે ગાયત્રી મંત્રથી તો સૌ કોઈ પરિચિત જ હોય છે. પણ, તેની અપાર શક્તિ અંગે ભાગ્યે જ લોકો જાણતા હોય છે. જો આસ્થા સાથે ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે તો તે મનુષ્યને તેની વિવિધ સમસ્યાઓથી મુક્તિ અપાવી, મનોવાંચ્છિત ફળ પ્રદાન કરે છે. પરંતુ, ઘણાં ઓછાં લોકો એ વાત જાણતા હશે કે પારિવારિક સમસ્યાઓથી મુક્તિ અર્થે તો ગાયત્રી મંત્ર એ એક ઔષધ સમાન કાર્ય કરે છે.
તે સમસ્યાને જ નિર્મૂળ કરી દે છે અને વ્યક્તિના જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનું આગમન કરાવે છે. આવો, આજે તે જ વિશે વિગતે જાણીએ.
ગાયત્રી મંત્રથી સુખ-શાંતિ !
જે ઘરમાં સતત ધનની અછત રહેતી હોય, તે ઘરના સુખ અને શાંતિ છિનવાઈ જતા હોય છે. તો, કેટલીકવાર ઘરમાં સમૃદ્ધિ હોવા છતાં શાંતિ નથી હોતી. કોઈને કોઈ કારણસર પરિજનો વચ્ચે કંકાસ રહેતો હોય છે. આ સંજોગોમાં ગાયત્રી મંત્રની સાધના કરવી જોઈએ. કારણ કે, ગાયત્રી મંત્રની મહત્તા જ એ છે કે તે સુખ-શાંતિ અને સમૃદ્ધિ ત્રણેવનું ઘરમાં આગમન કરાવે છે ! આમ તો વિવિધ મનોકામના માટે વિવિધ વિધિથી ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરવામાં આવે છે. સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે નીચે જણાવેલ વિધિથી ગાયત્રી ઉપાસના કરવી જોઈએ.
સુખ-શાંતિ, સમૃદ્ધિ માટે ગાયત્રી ઉપાસના
⦁ માન્યતા અનુસાર સુખ-શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ અર્થે ગાયત્રી ઉપાસનાથી મોટું કોઈ શસ્ત્ર કે મંત્ર નથી !
⦁ એક બાજોઠ મૂકી તેના પર લાલ રંગનું વસ્ત્ર પાથરો. ત્યારબાદ તેના ઉપર માતા ગાયત્રીની પ્રતિમા કે તસવીરની સ્થાપના કરો.
⦁ યાદ રાખો, માની પ્રતિમા કે તસવીરને એ રીતે સ્થાપિત કરવી જોઈએ કે દેવીનું મુખ પશ્ચિમ દિશા તરફ રહે અને સાધકનું મુખ પૂર્વ દિશા તરફ રહે.
⦁ સર્વ પ્રથમ દેવીને પંચામૃતથી સ્નાન કરાવો. ત્યારબાદ દેવીને શુદ્ધ જળ, ગુલાબજળ અને ગંગાજળથી સ્નાન કરાવો.
⦁ લાલ ચંદનથી મા ગાયત્રીને તિલક કરીને તેમને અક્ષત અર્પણ કરો.
⦁ દેવીને લાલ રંગનું વસ્ત્ર ધારણ કરાવો. સાથે જ અત્તર પણ લગાવો.
⦁ માતા ગાયત્રીને લાલ રંગના પુષ્પની માળા અર્પિત કરો.
⦁ નૈવેદ્યમાં દેવીને દાડમનો ભોગ લગાવવો.
⦁ એક સફેદ વસ્ત્ર લો. ત્યારબાદ દાડમની કલમ લઈ લાલ ચંદનની મદદથી તે સફેદ વસ્ત્ર પર ગાયત્રી મંત્ર લખો.
⦁ માતાને ધૂપ, દીપ, નૈવેદ્ય અર્પણ કરો.
⦁ સૂર્યદેવનું ધ્યાન કરો. અને પછી ગાયત્રી મંત્રની 11 માળાનો જાપ કરો. મંત્ર છે “ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।।”
માન્યતા અનુસાર જે પરિવાર પર ભગવાન સૂર્યનારાયણ અને દેવી ગાયત્રીની કૃપા ઉતરે છે, ત્યાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ સદૈવ અકબંધ રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)