વારાણસીમાં શુક્રવારે રંગભરી અગિયારસના દિવસે હોળીની શરૂઆત થાય છે. વારાણસી એક એવું શહેર છે કે જ્યાં વ્રજ જેવી હોળીના તમામ રંગ જોવા મળે છે. પરંતુ અહીં એક હોળીની પરંપરા એવી છે કે, જે દુનિયામાં અન્ય કોઈ જગ્યાએ જોવા નથી મળતી. તે છે મસાણ હોળી. એટલે કે સ્મશાનમાં રમવામાં આવતી હોળી. આવો જોઈએ આ હોળીની કેટલીક તસવીરો…
કાશીમાં એવી માન્યતા છે કે, રંગભરી અગિયારસના આગળના દિવસે બાબા વિશ્વનાથને મહાસ્મશાન મણિકર્ણિકા ઘાટ પર તેમના ગણો સાથે હોળી રમી હતી. સળગતી ચિતાઓ વચ્ચે ડમરું અને શંખના અવાજ વચ્ચે અઘોરી, તાંત્રિક અને સાધુ-સંત એકબીજાને રાખ લગાવે છે.
એવું માનવામાં આવે છે કે, આ અદ્ભુત હોળીને રમવા અને તેની છટા જોવા માટે બાબા વિશ્વનાથ અદૃશ્ય રૂપમાં આવે છે અને તેમાં સામેલ થાય છે. બનારસના વિશ્વવિખ્યાત મણિકર્ણિકા ઘાટ પર આવી હોળી રમવાની પરંપરા સદીઓથી ચાલતી આવે છે.
કાશીના મહાસ્મશાનની આ હોળી એક અનોખી હોળી છે. આ હોળી જોવા માટે દુનિયામાંથી હજારોની સંખ્યામાં લોકો બનારસ આવી પહોંચે છે.
હોળી રમવાની શરૂઆત કરતાં પહેલાં મસાણનાથનો શ્રૃંગાર, પૂજા અને આરતી કરવામાં આવે છે. ત્યારબાદ ભસ્મ અને ગુલાલથી હોળી રમવામાં આવે છે.
આ વર્ષે બનારસમાં મસાણ હોળીની શરૂઆત અઘોર પીઠ બાબા કીનારામ આશ્રમથી શોભાયાત્રા સાથે કરવામાં આવી હતી અને આ જૂલુસમાં હજારો લોકો સામેલ થયા હતા.
શોભાયાત્રામાં ભગવાન શિવના ઘણાં ભક્તો અલગ અલગ રૂપમાં સામેલ થયા હતા. અંદાજે 5 કિલોમીટર લાંબી ચાલેલી આ યાત્રા સોનારપુરા અને ભેલુપુરા થઈને રાજા હરિશ્ચંદ્ર ઘાટ પહોંચતા પૂરી થઈ હતી.
હિંદુ પૌરાણિક કથા અનુસાર, ભગવાન શિવે મહાશિવરાત્રિ પર દેવી પાર્વતી સાથે વિવાહ કર્યા હતા અને કેટલાક દિવસો માટે પાર્વતી પિયર ગયા હતા. એવી માન્યતા છે કે, બે અઠવાડિયા પછી, રંગભરી અગિયારસે ભગવાન શિવ તેમને લગ્ન પછી પહેલી વાર કાશી લાવ્યાં હતાં. એવું માનવામાં આવે છે કે, કાશી વિશ્વનાથ મંદિરમાં ભગવાન શિવના ભક્તોએ દેવી પાર્વતી આવ્યા હોવાનો જશ્ન મનાવ્યો હતો. પરંતુ શિવના ભક્તોને રંગથી હોળી રમવાની તક મળી નહોતી, તેથી ભગવાનો સ્વયં ભસ્મથી તેમની સાથે હોળી રમવા માટે સ્મશાન ઘાટ આવ્યા હતા.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)