હોળી પ્રાગટ્યના બીજા દિવસે ધુળેટીનો પર્વ ઉજવવામાં આવે છે. જેમાં લોકો એકબીજા પર કેસુડાના પાણી છાંટી, રંગબેરંગી ગુલાલ ઉડાડીને ઉત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી કરે છે. તમે પણ વિવિધ રંગોથી ધુળેટી રમતા હશો. પણ, શું તમે એ જાણો છો કે જો તમે આ રંગોત્સવની ઉજવણીમાં તમારી રાશિ અનુસાર રંગનો ઉપયોગ કરો છો તો તે તમારા ભાગ્યને ચમકાવી શકે છે !
વાસ્તવમાં દરેક રાશિ પ્રમાણે એક ખાસ રંગ ફળદાયી બની રહેતો હોય છે. અને કહે છે કે જો તમે ધુળેટીમાં એ ખાસ રંગનો ઉપયોગ કરો છો, તો તમને ચોક્કસથી લાભની પ્રાપ્તિ થાય છે. ત્યારે આવો જાણીએ કે આ ધુળેટી પર વિવિધ રાશિના જાતકોએ કયા રંગથી રંગોત્સવની ઉજવણી કરવી જોઈએ.
મેષ અને વૃશ્ચિક રાશિ
મેષ તેમજ વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ ગ્રહ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ લાલ રંગનું પ્રતિક છે. એટલે આ બંને રાશિના જાતકોએ ધુળેટી રમતી વખતે લાલ, ગુલાબી કે તેને ભળતા રંગના ગુલાલનો ઉપયોગ કરવો જોઈએ. માન્યતા અનુસાર તેનાથી તેમનું ભાગ્ય ચમકી જશે.
વૃષભ અને તુલા રાશિ
વૃષભ તેમજ તુલા રાશિનો સ્વામી ગ્રહ છે શુક્ર. આ શુક્ર ગ્રહ એ સફેદ તેમજ ગુલાબી રંગનું પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ, સફેદ રંગથી ધુળેટી રમવું લોકોને પસંદ નથી હોતું. એટલે, આપે સિલ્વર અથવા તો ગુલાબી રંગથી ધુળેટીનો તહેવાર ઉજવવો જોઈએ.
કન્યા અને મિથુન રાશિ
આ રાશિઓનો સ્વામી ગ્રહ છે બુધ અને આ બુધ ગ્રહ લીલા રંગનું પ્રતિનિધિત્વ કરે છે. એવું મનાય છે કે ધુળેટી પર લીલા રંગનો ઉપયોગ કરવાથી આ રાશિના જાતકોને સુખની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ, ધુળેટીના દિવસે પીળા, નારંગી તેમજ આછા ગુલાબી રંગથી ધુળેટીનો તહેવાર ઉજવવો પણ આ રાશિના જાતકો માટે ફળદાયી બની રહેશે.
મકર અને કુંભ રાશિ
મકર તેમજ કુંભ રાશિના સ્વામી ગ્રહ છે શનિ મહારાજ. શનિદેવ એ કાળા તેમજ વાદળી રંગનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે, આ રાશિ માટે વાદળી રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કાળા રંગથી ધુળેટી રમવી શુભ નથી મનાતી. એટલે, આ રાશિના જાતકોએ વાદળી, લીલા કે મોરપીંછ રંગથી ધુળેટીનો તહેવાર ઉજવવો જોઇએ.
ધન અને મીન રાશિ
ધન તેમજ મીન રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ મનાય છે. બૃહસ્પતિ એટલે ગુરુ ગ્રહ. આ ગુરુ ગ્રહ પીળા રંગનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે, ધુળેટીના પર્વ પર આ રાશિના જાતકોએ પીળા અને નારંગી રંગથી રંગોત્સવ ઉજવવો જોઈએ.
કર્ક રાશિ
કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને ચંદ્ર સફેદ રંગનું પ્રતિનિધિત્વ કરે છે. સફેદ રંગથી હોળી રમવી શક્ય નથી. એટલે, આપ કોઇપણ રંગમાં થોડું દહીં કે દૂધ ઉમેરી શકો છો. અને તે પછી તે રંગથી ધુળેટી રમી શકો છો.
સિંહ રાશિ
સિંહ રાશિના સ્વામી સૂર્યદેવતા છે. એટલે આ રાશિના જાતકોએ નારંગી, લાલ કે પીળા રંગથી ધુળેટી રમવી જોઈએ. તે તેમના માટે અત્યંત શુભદાયી બની રહેશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)