ઘરને સજાવવા માટે આપણે તેમાં વિવિધ તસવીરો કે ચિત્રો લગાવતા હોઈએ છીએ. પણ, આ તસવીરો માત્ર ઘરને સજાવવાનું જ કામ નથી કરતી. એ તસવીરોની ઊર્જા તે ઘરમાં રહેનારા સભ્યો ઉપર પણ અસર કરે છે. એટલે કે, તે વ્યક્તિના ભાગ્યને બદલવાનું સામર્થ્ય ધરાવે છે. ત્યારે આવો આજે એ જાણીએ કે ઘરમાં કેવી તસવીરો લગાવીને તમે તમારા દાંપત્યજીવનને મધુર બનાવી શકો છો.
સાથે જ એ પણ જાણીએ કે કઈ તસવીરોનું ઘરમાં હોવું બિલ્કુલ અશુભ મનાય છે.
દાંપત્યજીવનની સમસ્યાઓથી મુક્તિ અર્થે
⦁ લગ્નજીવનમાં ખુશીઓ લાવવા માટે બેડરૂમમાં નૃત્ય કરતા મોરની તસવીર કે ચિત્ર લગાવો. કહે છે કે તેનાથી આપના જીવનમાં ખુશીઓનું આગમન થશે.
⦁ પતિ-પત્નીના સંબંધોમાં નીરસતા હોય તો બેડરૂમમાં શંખ, વાંસળી અથવા તો પછી હસતા બાળકોની તસવીર કે ચિત્ર લગાવવું જોઈએ. તેનાથી આપના જીવનની નીરસતા દૂર થાય છે.
⦁ સંતાન સુખથી વંચિત દંપતિએ તેમના બેડરૂમમાં લડ્ડુ ગોપાલની તસવીર કે ચિત્ર લગાવવું જોઇએ.
⦁ પતિ-પત્ની વચ્ચે હંમેશા મતભેદ અને ખટરાગ રહેતો હોય તો બેડરૂમમાં રાધા-કૃષ્ણની તસવીર કે ચિત્ર લગાવવું જોઈએ. તેમજ પૂર્વ દિશામાં જળ ભરેલો કળશ રાખવો જોઈએ. માન્યતા અનુસાર તેનાથી લગ્નજીવનમાં મધુરતા આવશે.
બાળકોના અભ્યાસમાં એકાગ્રતા અર્થે
⦁ જો બાળક અભ્યાસમાં એકાગ્રતા ન લાવી શકતું હોય તો બાળકની અભ્યાસ માટે બેસવાની જગ્યા પર, તેની સામે રહે તે રીતે દેવી સરસ્વતીની તસવીર લગાવવી. આ તસવીરમાં દેવીએ સફેદ વસ્ત્ર ધારણ કરેલા હોવા જોઈએ. તેમજ તેમના હાથમાં વીણા હોય તો તે ઉત્તમ રહેશે.
⦁ ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં મોર, વીણા, પુસ્તક, કલમ, હંસ કે માછલીનું ચિત્ર લગાવવાથી પણ બાળકનું ચિત્ત અભ્યાસમાં એકાગ્ર બને છે.
કઈ તસવીરો ભૂલથી પણ ન લગાવવી ?
⦁ ઘરમાં લગાવવામાં આવેલી કેટલીક તસવીરો નકારાત્મક ઊર્જાને આકર્ષે છે. એટલે આવી તસવીરો ભૂલથી પણ તમારા ઘરમાં ન લગાવવી જોઈએ.
⦁ ઘરમાં ક્યારેય તાજમહેલની તસવીર કે ચિત્ર ન રાખવું જોઈએ. કારણ કે, વાસ્તવમાં તે એક સમાધિસ્થાન છે. કહે છે કે આવી તસવીરનું ઘરમાં હોવું એ લગ્નજીવનમાં તિરાડનું કારણ બની શકે છે !
⦁ ઘરમાં તાંડવ કરતા શિવ કે નટરાજની મૂર્તિ પણ ન રાખવી જોઇએ. કારણ કે, તે વિનાશ અને ક્રોધનું પ્રતિક છે.
⦁ હિંસક પશુઓની તસવીર કે ચિત્રો પણ ઘરમાં ન રાખવા જોઇએ. તેનાથી આત્મવિશ્વાસ અને સંયમમાં ઘટાડો થાય છે. તેમજ પરિવારમાં કલેશની સ્થિતિ સર્જાય છે. ઘરના સુખ-શાંતિનો નાશ થઈ જાય છે.
⦁ ઘરમાં મહાભારતની તસવીર કે ચિત્ર પણ ન લગાવવા જોઈએ.
⦁ ટાઇટેનિક કે પછી કોઈ ડૂબતા જહાજની તસવીર કે ચિત્ર પણ ઘરમાં ન રાખવું જોઇએ. આવા ચિત્રો દુર્ભાગ્યના સૂચક છે. જે વ્યક્તિના મનોબળને ઘટાડી દે છે તેમજ મતભેદો વધારે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)